સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ને.હા.નં-53 ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે વ્યક્તિને ઝડપી પડ્યા હતા. આ બંને વ્યક્તિઓ નવાપુરથી કારમાં વિદેશી દારૂ ભરી સુરત શહેરમાં લઈ જતા હતા. એ દરમિયાન પોલીસે ઝડપી પાડી કુલ 3.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેમણે બાતમીના આધારે બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં ને.હા.નં-53 ઉપર ગુરુકૃપા હોટલ નજીક વોચ ગોઠવી હતી.
ત્યારે બાતમી મુજબની કાર નં.(જીજે-05-જેએ-8534) આવતાં પોલીસે તેને અટકાવી હતી અને કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 42 નંગ બોટલ કિંમત રૂ.29,400નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે કારમાં બેસેલી બે વ્યક્તિ રણજિત રમેશભાઈ વળવી (રહે., મૌલીપાડા ફળિયું, બાબરઘાટ, તા.ઉચ્છલ, જિ.તાપી) તથા કરણભાઈ ધીરજભાઈ ગામીત (રહે., મૌલીપાડા ફળિયું, બાબરઘાટ, તા.ઉચ્છલ)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ બંને વ્યક્તિની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો નવાપુરથી કારમાં ભરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યા હતા. પોલીસે આ બંને વ્યક્તિ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, દારૂ તેમજ કાર મળી કુલ 3.42 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.