માંડવી: (Mandvi) રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.56 ઉપર માંડવી અને તરસાડાને જોડતા રૂ.47.92 કરોડના ખર્ચે તાપી નદી (Tapi River) પર નવનિર્મિત પુલનું (Bridge) માર્ગ અને મકાન, વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ અવસરે કૃષિ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માંડવી રિવરફ્રન્ટ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે અટકેલાં વિકાસકામો, પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોને ઝડપભેર પૂર્ણ કરવામાં વિશેષ ધ્યાન આપ્યું છે. વર્ષોથી જેની લોકમાંગણી હતી. એવો માંડવીનો લોકાર્પિત થયેલો તાપી બ્રિજ એનું ઉત્તમ ઉદાહરણ છે.
રાજ્ય સરકારે આવાં ૨૯૫ ગામોને આઇડેન્ટિફાઈ કર્યાં છે, આ તમામ ગામોમાં આવેલા નદી, નાળાં અને ખાડીઓ પર રાજ્ય સરકાર કોઝવે કમ વિયર, પુલ બનાવશે. માંડવી ખાતે આધુનિક, સુવિધાસભર સર્કિટ હાઉસ બનાવવામાં આવશે એવી પણ તેમણે જાહેરાત કરી હતી. તાપી પુલથી માંડવી અને તાપી જિલ્લાના લોકોને સારી રોડ કનેક્ટિવિટીની મળશે. આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, આ બ્રિજના કારણે વાહન વ્યવહારમાં સરળતા વધશે અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં આદિજાતિ ભાઈબહેનોએ આદિવાસી નૃત્યશૈલીમાં ઢોલ-નગારાંના તાલે મંત્રીઓ અને મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
100 કરોડની રકમ લોન સહાયરૂપે ફાળવવા સુમુલની જાહેરાત
આ કાર્યક્રમ દરમિયાન સુમુલ ડેરીના હોદ્દેદારો દ્વારા સુરત જિલ્લાના પશુપાલકોને પશુપાલન માટે, પશુ ખરીદી માટે વિના વ્યાજે રૂ.100 કરોડની રકમ લોન સહાયરૂપે ફાળવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પરમાર, મોહન ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, કલેક્ટર આયુષ ઓક, જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, જિલ્લા મહામંત્રી જગદીશ પારેખ, માજી ધારાસભ્ય કુંવરજી હળપતિ, નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી, નગરપાલિકા પ્રમુખ રેખાબેન વશી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમનો વિરોધ કરશે એવી આશંકામાં પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય સહિત અગ્રણીઓની અટકાયત કરી
પુલના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના ધારાસભ્યનું નામ છાપવામાં આવ્યું ન હતું. જેથી કોંગ્રેસ વિરોધ કરશે તેવી આશંકાને પગલે પોલીસે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય આનંદ ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીમસિંગ ચૌધરી, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરી સહિત અન્ય 25 કાર્યકરોની તેમના ઘરેથી અટકાયત કરી હતી. અને અરેઠના રેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા. પુલનું લોકાર્પણ પૂર્ણ થયા પછી તમામ કોંગ્રેસના કાર્યકરોને મુક્ત કરાયા હતા.
માંડવીના તૂટેલા પુલના સ્થાને નવો પુલ બનાવવા 2002માં નરેન્દ્ર મોદીને શિક્ષકે રજૂઆત કરી હતી
માંડવી-તરસાડા વચ્ચે તાપી નદીપરના નવા પુલનું શનિવારે લોકાર્પણ થયું છે. જેથી સામુહિક જનતાને લાભ મળનાર છે. અત્રે ઉલ્લેખનીય છે, કે સન 1968ની મહારેલમાં આ પુલ તૂટી ગયો હતો.જેથી લોકોને 3 કિ.મી.નો ચકરાવો લેવો પડતો હતો. આથી તૂટેલા પુલના સ્થાને નવો પુલ બનાવવા માટે માંડવી હાઈસ્કૂલના શિક્ષક ઠાકોરભાઈ મેરાઈએ સન 2002માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, તે દરમિયાન માંડવી ખાતે એક કાર્યક્રમમાં આવ્યા હતા. એ સમયે આ પુલ બનાવવાની રજૂઆત કરી હતી. હાલ આ શિક્ષક ઠાકોરભાઈ મેરાઈ હયાત નથી. પરંતુ તેમની રજૂઆતને ત્યારથી ધ્યાને લેવાઈ હતી, આજે નવનિર્મિત પુલનું લોકાર્પણ થતાં લોકોમાં આનંદ છવાયો હતો.