સુરત(Surat): બોર્ડની એક્ઝામ (Board Exam) માટે આખું વર્ષ તૈયારી કર્યા બાદ અંતિમ ઘડીએ કોઈ મુસીબતના લીધે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવા સંજોગો ઉભા થાય તો શું થાય? વર્ષ જ બગડે ને? ના, એવું નહીં થાય. જો ઘટના સુરત જિલ્લામાં બને તો વિદ્યાર્થીનું વર્ષ બગડશે નહીં.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી (Surat DEO) વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે તે માટે શક્ય તેટલાં તમામ પ્રયાસ કરી રહ્યાં છે. આવી જ એક ઘટના વાંકલમાં આજે તા. 13 માર્ચના રોજ બની હતી.
આજે માંગરોળ (Mangrol) તાલુકાના વાંકલ (Vankal) કેન્દ્રની વેરાકૂઈ શાળાની વિદ્યાર્થી વસાવા હની વિજયભાઈની ધો. 10 બોર્ડની બેઝિક ગણિતની પરીક્ષા હતી, પરંતુ હની વાંકલ યુનિટ 2 બ્લોકમાં આવેલી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા જાય તે પહેલાં જ પડી જવાથી તેના હાથમાં ઈજા પહોંચી હતી. જે હાથથી તે પરીક્ષાનું પેપર લખવાની હતી તે જ હાથમાં પરીક્ષા પહેલાં ઈજા થવાથી તે પરીક્ષા આપી શકે તેમ નહોતી. તેને આશા મુકી દીધી હતી, પરંતુ હનીની શાળાના આચાર્ય, પરીક્ષા કેન્દ્રના સ્ટાફે આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં જાણ કરી હતી.
વિદ્યાર્થીનીનું વર્ષ નહીં બગડે તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ સિંહ પરમારે રાઈટર માટે ફોન પર જ તત્કાલ મૌખિક મંજૂરી આપી હતી. આ સાથે જ વિદ્યાર્થીને તાત્કાલિક રાઈટર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી. વિદ્યાર્થીની હાથમાં પાટા સાથે પરીક્ષા આપવા પહોંચી હતી. ત્યાં તેણીએ રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી. પરીક્ષા આપવાનો આનંદ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.
વિદ્યાર્થીની સમયસર પરીક્ષા આપી શકે તે માટે શાળાના આચાર્ય પારસ મોદી, એસએસસી માંડવી ઝોન 82ના ઝોનલ અધિકારી વિજય પટેલ અને શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે ખૂબ મહેનત કરી હતી.
1006 વિદ્યાર્થીઓ ગણિતની પરીક્ષા આપી શક્યા નહીં
આજે તા. 13 માર્ચ ધો. 10 બોર્ડની બેઝિક અને સ્ટેન્ડર્ડ ગણિતની પરીક્ષા હતી. સ્ટેન્ડર્ડ ગણિતની કુલ 19843 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 107 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે બેઝિક ગણિતની પરીક્ષા 65,573 વિદ્યાર્થીઓએ આપી હતી. આ પરીક્ષામાં 899 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આમ બંને મળીને કુલ 85,416 વિદ્યાર્થીએ પરીક્ષા આપી જ્યારે 1006 ગેરહાજર રહ્યાં હતાં.