સુરત, માંડવી: (Surat) માંડવીના (Mandvi) રઘીપુરા ગામે રહેતા યુવકની કારને (Car) આંતરી માર મારી તેની ફિયાન્સીનું (Fiyansi) 10 શખ્સ અપહરણ (Kidnap) કરી જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ કેસમાં મોડી રાત્રે પોલીસે અપહરણકારો 5 આરોપીઓને પકડી યુવતીને હેમખેમ છોડાવી હતી, જ્યારે અન્ય 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. યુવતીનું અપહરણ કેમ કરાયું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
- માંડવીના રઘીપુરા ગામનો હેમંત ફિયાન્સી ભગવતી સાથે કારમાં જતો હતો ત્યારે બની ઘટના
- માંડવીના મિતુલ ચૌધરીએ તેના 9 સાગરિતો સાથે ખોડાંબા ગામ પાસે હેમંત પર હુમલો કર્યો
- હેમંતની ગાડીમાં તોડફોડ કરી, તેને લાકડાના ફટકાથી માર્યો
- અપહરણકારોએ હેમંતનો ફોન અને સોનાની ચેઈન લૂંટ્યા
- ભગવતીને કારમાં બેસાડી ઉઠાવી ગયા હતા
- પોલીસે મોડી રાત્રે ભગવતીને હેમછેમ છોડાવી
- આરોપી મિતુલ ચૌધરી સહિત 5 અપહરણકારો પકડાયા
માંડવીના રઘીપુરા ગામે રહેતા અને ખેતી કરતા હેમંત ઉર્ફે મુન્ના ગુરજી ચૌધરી (ઉં.વ.૩૩) તેમની ક્રેટા ગાડી નં.(GJ-19-BA-7166)માં તા.21મીએ સવારે પોણા નવ વાગ્યે તેમની ફિયાન્સી નામે ભગવતી ઈન્દુ ચૌધરી (રહે. લાડકુવા ગામ, મંદિર ફળિયું, તા. માંડવી) સાથે બંને માંડવી ખાતે યુવા ઉપનિષદ એકેડમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્લાસ કરવા માટે આવવા નીકળ્યાં હતાં. એ વખતે રસ્તામાં માંડવીના મોરીઠા ગામે, ગોડાઉન ફળિયામાં રહેતા મિતુલ ધનજી ચૌધરી કાર નં. (GJ-16-AJ-9780) લઈ તથા તેની સાથે બીજા 9 સાગરિત કાર અને બાઈક પર આવી તેમને ખોડાંબા ગામની સીમમાં વાંકલથી આંબાપારડી તરફ જતા રોડ ઉપર આવેલા પ્રવીણ ચૌધરીની નાસ્તાની દુકાન પાસે આંતર્યા હતા.
મિતુલ અને તેના સાગરિતોએ સ્ટીલનો પાઇપ લઇ હેમંતની ગાડીની તોડફોડ કર્યા બાદ હેમંતને લાકડાના સપાટા માર્યા હતા તથા ફોન અને ગળામાં પહેરેલી ચેઈન લૂંટી લીધી હતી. ત્યાર બાદ તેની ફિયાન્સીનો ફોન છીનવી લઈ માર મારી તેમની કારમાં ઉઠાવી ગયા હતા. માંડવી પોલીસે બપોરે 10 શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધી મોડી રાત્રે યુવતીને બચાવી આરોપી મિતુલ ચૌધરી સાથે તેના ચાર સાગરિત એમ કુલ પાંચને ઝડપી પાડી તેના અન્ય પાંચ સાગરિતને ફરાર જાહેર કર્યા હતા.