માંડવીમાં છેલ્લા ઘણા સમયથી એસ. ટી. બસના રૂટો અનિયમિત હોવાથી ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં સોમવારે માંડવીના અમલસાડી ગામે ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ 5 જેટલી બસો રોકતા ચક્કાજામ કર્યો હતો.જેના કારણે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. માંડવી 149 ગામો ધરાવતો સૌથી મોટો તાલુકો છે. માંડવી નગર, ગ્રામ્ય વિસ્તારોથી બારડોલી-સુરત જતાં મુસાફરો તથા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ રોજ એસ.ટી.બસનો ઉપયોગ કરે છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી એસ.ટી.બસનો વહીવટ ખાડે ગયો છે. વિવિધ બહાના હેઠળ એસ.ટી.બસના કેટલાક રૂટો કેન્સલ કરી દેવાય છે. હાલમાં કેટલાક રૂટ ટચકા ખાતા શરૂ કર્યા છે અને કેટલાક રૂટો બંધ છે. જેથી મોટા ભાગના મુસાફરોએ એસ.ટી. બસ્ટેન્ડ પરથી પરત ફરવું પડે છે. જ્યારે અનેક લોકોએ ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. તે જોતા વિદ્યાર્થીઓ તથા નાના મોટા કામ ધંધા સાથે સંકળાયેલા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આજે માંડવીના અમલસાડી ગામ ખાતે વિદ્યાર્થીની પરીક્ષા દરમિયાન બસ નહીં આવતાં માજી તાલુકા પંચાયત પ્રમુખ શંકરભાઈ ચૌધરી અને હાલના તાલુકા પંચાયત સભ્ય ગીતાબેન પટેલ સહિત ગામના અગ્રણીઓએ રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યો હતો. જે અંગેની જાણ એસ.બસના કર્મચારીઓ ડેપો મેનેજરને થતાં અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ગામના અગ્રણીઓ સાથે ચર્ચા કરી મામલો થાળે પાડ્યો હતો.
ઉચ્છલ NSUI અને યુથ કોંગ્રેસનું ઉચ્છલથી નારણપુરની બસ શરૂ કરવા આવેદન
વ્યારા: ઉચ્છલ મામલતદારને NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉચ્છલથી નારણપુર બસ સેવા ચાલુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. વિદ્યાર્થીઓનાં હીતમાં બસ પુન: શરુ કરવાની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું હતું કે, ઉચ્છલમાં આવેલ ીસરકારી મહિલા વિનિયન કોલેજમાં ઓફ લાઇન વર્ગો શરુ થયા છે. ઉચ્છલથી નારણપુર, વડદેખુર્દ, છાપટી, મોગરબારા, બાબરઘાટ અને માણેકપુર જતા કોલેજનાં વિદ્યાર્થીઓને આવવા- જવા માટે ખુબ જ હાલાકી વેઠવી પડે છે. કોલેજનો સમય સવારે 8 વાગ્યાનો હોવાથી સમયસર કોલેજમાં પહોંચી શકાતું નથી. જેથી તેઓ પોતાનાં લેક્ચરો ભરી શકતા નથી.