માંડવી તાલુકાના સાલૈયા ગામે જમીનના ઝઘડામાં બાબતે દિયર ઉશ્કેરાટમાં આવી ભાભીને માથાના ભાગે કુહાડી વડે હત્યા કરી ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવી તાલુકાના સાલૈયા ગામે કોળી ફળિયામાં રહેતા રાકેશ દેવસિંગ ચૌધરી તેમની પત્ની સુશીલાબેન સાથે ખેતી કરી જીવન જીવે છે. તેમની મોટી દીકરી અનસૂયા (ઉં.વ.19) પારૂલ યુનિવર્સિટીમાં ડોક્ટરનો અભ્યાસ કરે છે. અને દીકરો હાર્દિક રાજપૂત બોરી ખાતે આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. રાકેશ ચૌધરી સંયુક્ત પરિવારમાં તેની પત્ની સાથે રહે છે. 31 ઓગસ્ટના રોજ રાકેશ તેની દીકરી અનસૂયાને પારૂલ યુનિવર્સિટી ખાતે મૂકવા માટે ગયા હતા. તેની પત્ની સુશીલાબેન (ઉં.વ.40) તેના ઘરે હાજર હતી.
આ સમય દરમિયાન સુશીલા અને તેમના દિયર મનીષ ચૌધરી વચ્ચે બોલાચાલી થઈ હતી. રાકેશ અને મનીષ વચ્ચે અગાઉથી જ જમીન અને ઘરના ભાગ બાબતે વિવાદ સર્જાયો હતો. પરંતુ સુશીલાબેન ઘરના વાડામાં બાથરૂમ નજીક ઊભાં હતાં. એ દરમિયાન તેમના દિયર મનીષ ચૌધરીએ પહેલા તેના માથામાં પાટલો માર્યો હતો. ત્યારબાદ ગળું દબાવ્યું હતું. અને વધુ ઉશ્કેરાટમાં આવી જતાં કુહાડી વડે માથાના ભાગે બે ઘા મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
સુશીલાબેન ચૌધરીના પરિવારના સભ્યોએ લોહીલુહાણ હાલતમાં બાથરૂમ નજીક પડેલી જોતાં તેને સારવાર માટે માંડવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી. જે બાબતની જાણ માંડવી પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ અતુલ ભલજી ચૌધરીએ મનીષ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મનીષ ચૌધરીની મોબાઈલ લોકેશન આધારે ધરપકડ કરી આગળની તપાસ પીએસઆઈ પી.ડી.ગોંડલીયા કરી રહ્યા છે.