માંડવીના રામેશ્વર રોડ પર આવેલા વરેઠ પેટિયા ગામે અવરનવર દીપડો દેખાતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ માંડવીથી 5 કિ.મી. દૂર આવેલા રામેશ્વરના નજીકના વરેઠ-પેટિયા ગામે કોલી ફળિયા ખાતે રહેતા ધર્મેશભાઈ રાઠોડના ઘરના પાછળના ભાગે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો.
જેથી ઘર માલિકે સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા. અને 10થી વધુ મરઘાંનો શિકાર કરી અનેક વાર ભાગી છૂટ્યો હતો. જે બાબતની જાણ ગામના સરપંચ ગીરીશભાઈ ચૌધરીને કરતાં તેમણે દક્ષિણ રેન્જના R.F.O ઉપેન્દ્ર સિંહ રાઉલજીને લેખિતમાં જણાવ્યું હતું. જે અંગે વન વિભાગના કર્મચારીઓને સૂચના આપતાં તાત્કાલિક દીપડાને ઝબ્બે કરવા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.
સોમવારે વહેલી સવારે શિકારની શોધમાં આવેલો 3 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. આમ, રહેણાક વિસ્તારમાં દીપડો આવી પહોંચતાં લોકોમાં તથા ખેતમજૂરો ભયભીત બન્યો હતો. આમ, વન વિભાગે પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ ખોડાંબા ખાતે લઈ જવાયો હતો. તેને ગાઢ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.