સુરત: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા તા.17 માર્ચના રોજ એક પરિપત્ર બહાર પાડી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ (SALE) કરનારા જ્વેલર્સને 1 જૂનથી ફરજિયાત હોલ માર્કિંગ કરવા આદેશ આપ્યો છે તથા હોલ માર્કિંગનો ચાર્જ ગ્રાહકના બિલમાં વસૂલવા પણ જણાવ્યું છે. ગોલ્ડ જ્વેલરી પર 35 રૂપિયા અને સિલ્વર જ્વેલરી પર 25 રૂપિયા હોલ માર્કિંગ ચાર્જ (HALL MARKING CHARGE) વસૂલવામાં આવશે. જો કે, સુરતમાં માત્ર ચાર હોલ માર્કિંગ સેન્ટર ચાલતાં હોવાથી જ્વેલર્સ અને ગ્રાહકને મુશ્કેલી પડશે.
સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં 24 કેરેટ ગોલ્ડની ડિમાન્ડ રહે છે. જ્યારે બીઆઇએસ દ્વારા 14,18 અને 22 કેરેટ ગોલ્ડ જ્વેલરીનું હોલ માર્કિંગ ફરજિયાત કરાવવા આદેશ આપ્યો છે. ૧લી જૂનથી હોલ માર્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સાથોસાથ દરેક જ્વેલરી પર યુનિક આઈડેન્ટિફિકેશન કોડ એટલે કે વિશેષ ઓળખ નંબર એલોટ(ફાળવવામાં) કરવામાં આવશે. જેના ભારતીય માનક બ્યૂરો (બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)ના ખાસ સોફ્ટવેરમાં નાંખી જ્વેલરીની વાસ્તવિકતા થોડી જ મિનીટમાં પારખી શકાશે. વેપારીઓ માટે આ સોફ્ટવેરની ટ્રેનિંગનું સમયપત્રક જારી થઈ ગયું છે. જેની શરૂઆત દક્ષિણ ભારતથી કરવામાં આવી છે. એપ્રિલમાં ઉત્તર ભારતમાં તેની તાલીમનો કાર્યક્રમ શરૂ થશે. મોટી સંખ્યામાં એવા વેપારીઓ છે. જેઓ ૫૦ ટકા સોનાથી બનેલી જ્વેલરીને ખરી બતાવી વેચી રહ્યા છે. આનો ખુલાસો ત્યારે થાય છે, જ્યારે ગ્રાહક તેને વેચવા જાય છે. ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરોના વડા અને સિનિયર વૈજ્ઞાનિક રાજીવ પી.એ. આ મામલે જ્વેલર્સો માટે સમગ્ર શિડ્યુલ જારી કર્યું છે.
આ સિવાય અન્ય તમામ કેરેટની જ્વેલરીને કાયદેસર નહીં ગણાય. જ્વેલર્સોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે જ્વેલરી પર યુનિક ઓળખ નંબર કોડ હશે. આ સોફ્ટવેર ડીઆઈએસ સોફ્ટવેરમાં તેની વિગત નોંધાશે. ચૂકવણું લેતા પહેલાં જ્વેલરીના યુનિક ઓળખ નંબર સોફ્ટવેરમાં ફિટ કરી ગ્રાહકને બતાવવા પડશે. તે પછી ગ્રાહક ચૂકવણું કરશે. હોલ માર્કિંગના નામ પર વધુ પૈસા ગ્રાહકો પાસેથી ન લેવાય તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનના ડિરેક્ટર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, હોલ માર્કિંગ સેન્ટરની સંખ્યા ઓછી હોવાથી આ શક્ય બનશે નહીં. એક એક જ્વેલરીની વિશિષ્ટ ઓળખ કોડ હોવાથી એક તીરથી અનેક નિશાન સાધવામાં આવશે. એક તો ગ્રાહકોની સાથે ફ્રોડ થઈ નહીં શકે. બીજું દુકાનમાં રાખવામાં આવેલા એક એક જ્વેલરી કાગળો-દસ્તાવેજ-બિલોમાં આવી જશે.