આણંદ : ચારૂસેટ યુનિવર્સિટી તેમજ આર્ષ શોધ સંસ્થાન, અક્ષરધામ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધ આર્ટ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ પીપીલ ફોર્મથી લાઈફ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ વિષય પર પ્રેરણાલક્ષી સેમિનાર યોજાયો હતો. જેમાં રાજકોટ બાપ્સના સ્વામિનારાયણ મંદિરના સંતનિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ લોકોના મનને, તકલીફને, માનસને ઓળખતા હતા, સમજતા હતા અને તેનો ઉકેલ લાવતા અને તકલીફ દૂર કરતાં હતા. આપણે વ્યક્તિ કે મહાપુરુષોને જીવતા ઓળખી શકતા નથી અને તેમના નિધન પછી તેમની યાદમાં પ્રતિમાઓની સ્થાપના કરીએ છીએ. પરંતુ પ્રમુખસ્વામી મહારાજે એવા કાર્યો કર્યાં હતાં કે તેમનાં લોકોત્તર કાર્યોને કારણે તેઓ લોક હૃદયમાં હંમેશ બીરાજી ગયા છે. માણસ જીવતા હોય ત્યારે તેમની કદર કરશો તો સંસ્કૃતિની બહુ મોટી સેવા ગણાશે. તેઓ 6 ચોપડી ભણ્યા હોવા છતાં માણસને ઓળખતા હતા.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારના જમાનામાં એક માણસ બીજા માણસને ઓળખી શકતો નથી. લોકો ઘરમાં શ્વાન પાળે છે અને તેની સુવિધાઓ ધ્યાનમાં રાખે છે પણ પરિવારના સભ્યોને શું જરૂર છે ? તેની ખબર હોતી નથી. આપણે એલિયન, મંગળ, ટેકનોલોજી સમજવા પ્રયાસ કરીએ છે પણ બાજુમાં બેઠેલી વ્યક્તિને સમજતા નથી. પ્રમુખસ્વામી મહારાજ હ્યુમન રિલેશન-માનવીય સંબંધોમાં માહેર હતા. માનવી સાથે કામ લેવું તેમના માટે સરળ હતું. બીજી વ્યક્તિઓની જરૂરિયાતો સમજવી તેમના માટે સરળ હતી. અક્ષરધામ પર આતંકવાદી હૂમલો કે કચ્છનો ભૂકંપ હોય, તેઓ લોકોની સંવેદના સમજતા હતા. બીજાની કરેલી ભૂલ સ્વીકારીને તેને આગળ વધારવાની સમજણ તેઓ આપતા. પ્રમુખસ્વામી મહારાજ અન્યોની રુચિ અને અરુચિ બંનેને સમજી શકતા હતા.
આ કાર્યક્રમમાં સંતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સૌને આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામીએ જણાવ્યુ હતું કે ચારુસેટ પર સ્વામીજીના સદાય આશીર્વાદ રહેલા છે. ચારૂસેટમાં નવા સંકુલની સ્થાપના સમયથી પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે. ઊતરોત્તર નવા સંકુલો થાય ત્યારે સ્વામીજી આશીર્વાદ આપતા હતા આ સંસ્થા વધુ વિકાસ પામે અને મેડિકલ કોલેજનો સંકલ્પ પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. બાદમાં અધ્યક્ષસ્થાનેથી આર્ષ શોધ સંસ્થાન ગાંધીનગરના નિયામક પ્રો. ડો. શ્રુતિપ્રકાશ સ્વામીએ જણાવ્યુ હતું કે ચારુ શબ્દ સંસ્કૃત છે અને શ્રેષ્ઠ માટે વપરાય છે અને ચારુસેટ આ પ્રકારની શ્રેષ્ઠ યુનિવર્સિટી છે તે આજે કેમ્પસ જોઈને અનુભવ્યું છે.
આ પ્રસંગે આર્ષ શોધ સંસ્થાન ગાંધીનગરના નિયામક પ્રો. ડો. શ્રુતિપ્રકાશ સ્વામી, આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામી, મહેળાવ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ગુણનિધિ સ્વામી, વિવિધ સંતો, અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ (દુબઈ), કેળવણી મંડળના ઉપપ્રમુખ સી.એ.પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ એડવાઈઝર ડો. બી. જી. પટેલ, કેળવણી મંડળ-ચારૂસેટના હોદેદારો , સભ્યો, પ્રિન્સિપાલો, સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ચારુસેટના ફેકલ્ટી આનંદ પટેલે કર્યું હતું. ડો. દેવાંગ જોશીએ અંતમાં આભારવિધિ કરી હતી.