Columns

મનુષ્ય બુદ્ધિવાન પ્રાણી હોવા છતાં અનુભવમાંથી કાંઇ શિખતો નથી, ફરી તે ખરાબ અનુભવ પાસે જાય જ છે

આ જગતમાં મનુષ્ય એક માત્ર એવું પ્રાણી છે જેનામાં અન્ય પશુ-પક્ષીઓ કરતાં વધારે બુદ્ધિ હોવા છતાં અનુભવમાંથી કાંઈ શીખતું નથી. તમે જોયું હશે કે પશુ-પક્ષી એ જગ્યાએ ક્યારેય પાછાં જતાં નથી જ્યાં તેમને ખરાબ અનુભવ થયો હોય, જ્યારે ગુનો કરનાર મનુષ્ય ગુનાની જગ્યાએ કમસેકમ એક વાર તો પાછો જાય જ છે. ગુના-અન્વેષણ શાસ્ત્ર માટે આ હકીકત ગુનેગારને પકડવા માટેનું હુકમનું પાનું છે. મનુષ્ય પાસે વધારે વિકસિત ચિત્ત છે એટલે એ ચિત્તવૃત્તિને રોકી શકતો નથી. આખું પતંજલિ યોગશાસ્ત્ર આ ચિત્તવૃત્તિના નિરોધ માટે રચવામાં આવ્યું છે, પણ મનુષ્ય વારંવારના અનુભવ પછી પણ ચિત્તવૃત્તિઓને રોકી શકતો નથી.

આપણને ન ગમે એવું બોલનાર કે કરનાર વ્યક્તિની હત્યા કરવાથી એ વિચાર કે પ્રવૃત્તિનો અંત આવતો નથી એનો અનુભવ માણસજાતને જ્ઞાત ઈતિહાસમાં અનેકવાર થયો હોવા છતાં તે હત્યાઓ કરે જ છે. સોક્રેટીસથી લઈને ગાંધી સુધીના જ્ઞાત અને બીજા હજારો અજ્ઞાત લોકોની હત્યાઓ કરવામાં આવી છે અને છતાંય આપણે જોઈએ છીએ કે સમાજ તેના પ્રભાવથી રોકતા રોકાતો નથી. આ એક એવી દોરીસ્પર્ધા છે જેમાં એક છેડે મોટું ટોળું હોય છે જે ઈચ્છે છે કે સમાજનું સ્વરૂપ એના એ સ્વરૂપમાં કાયમ રહે અને બીજા છેડે માત્ર એકલો અટૂલો માણસ હોય છે જે કહે છે કે પરિવર્તનની જરૂર છે. ટોળું ચિત્ત થઈ જાય છે અને પેલો અટૂલો માણસ સમાજરૂપી દોરીને પોતાના તરફ ખેંચી લે છે.

જેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો (અને એમ લાગે છે કે સદનસીબે તેઓ બચી જશે) એ ભારતીય અંગ્રેજી સાહિત્યકાર સલમાન રશ્દીની તુલના હું ગાંધી-સોક્રેટીસ કે ઈશુ સાથે નથી કરતો, પણ હું એમ કહેવા માગું છું કે હત્યાઓ કરવાથી અવાજો બંધ થતા નથી. જો એમ હોત તો દુનિયા અત્યારે ત્યાં જ હોત જ્યાં બે-પાંચ હજાર વરસ પહેલાં હતી. દરેકે દરેક યુગમાં બહુમતી સમાજ ન ગમતા અવાજોથી ભાગવાનો પ્રયાસ કરે છે, પણ ભાગી શક્યો નથી. સર્જકના સર્જનાત્મક અવાજો પણ એક અવાજ છે જે કેટલાક લોકોને પરેશાન કરે છે. પાંચ વરસ પહેલાં એક યુવકે કન્નડ પત્રકાર અને લેખિકા ગૌરી લંકેશની હત્યા કરી હતી. શું હાથમાં આવ્યું? ગૌરી લંકેશ એ લોકો સુધી પહોંચી ગયાં જેણે તેમની હત્યા પહેલાં તેમનું નામ પણ નહોતું સાંભળ્યું. સલમાન રશ્દીની વિવાદાસ્પદ કૃતિ ‘સેતાનિક વર્સીસ’ આખા જગતમાં પહોચી ગઈ અને જગતની લગભગ દરેક ભાષામાં અનુવાદિત થઈ. હત્યાઓ અને સતામણી અવાજોને રૂંધવાની જગ્યાએ તેને ઝડપથી પ્રસારિત કરવાનું કામ કરે છે. આ અનુભવ છે, પણ માણસ તેમાંથી કાંઈ શીખતો નથી અને એની એ ભૂલ એ વારંવાર કરતો રહે છે.

વળી જે યુવકે ગૌરી લંકેશની હત્યા કરી હતી એણે તપાસકર્તા પોલીસ અધિકારીને કહ્યું હતું કે તેણે ગૌરી લંકેશનો એક લેખ સુદ્ધા નહોતો વાંચ્યો તો કૃતિ તો બાજુએ રહી. વગર વાંચ્યે તેનું દિલ દુભાયું હતું. મને ખાતરી છે કે સલમાન રશ્દીની હત્યા કરવાનો પ્રયાસ કરનારા યુવકે રશ્દીની કૃતિ નહીં વાંચી હોય. ઘણાં લોકોનાં વાંચ્યા કર્યા વિના કે ઘટના પ્રત્યક્ષ જોયા વિના દિલ દુભાય છે એ કાં તો બુદ્ધિની દરિદ્રતાની પરાકાષ્ટા છે અને કાં સંસ્કારિતાના અભાવની પરાકાષ્ટા છે.

હકીકતમાં દિલ કોઈનાં દુભાતાં નથી, એ તો માત્ર દિલ-દુભામણીનું રાજકારણ હોય છે. જો ઓળખો દ્વારા રચાતાં ટોળાંના દિલ દુભાતાં હોત તો બિલ્કીસ બાનુના બળાત્કારીઓ અને તેનાં પરિવારના સભ્યોના હત્યારાઓને છોડી મુકવામાં આવ્યા અને ઉપરથી હત્યારા બળાત્કારીઓની જાહેરમાં આરતી ઉતારવામાં આવી ત્યારે દિલ દુભાવા જોઈતા હતા. હિંદુ આવો હોય? બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારે? ક્યાં છે દિલ? પૂછી જુઓ પોતાના અંતરાત્માને જો પોતાને સાચા હિંદુ તરીકે ઓળખાવતા હો તો. આવો હોય હિંદુ? આ હિંદુ દેશને વિશ્વગુરુ બનાવશે? વળી બળાત્કારી હત્યારાઓનો કોઈ ધર્મ હોય?

સમાજ બદલાય નહીં, સમાજનું મસ્તિષ્ક વિકસે નહીં અને સમાજનું હ્રદય કોમળ સંવેદનશીલ બને નહીં એમાં કેટલાક લોકોનો સ્વાર્થ છે. મુખ્યત્વે ધર્મગુરુઓનો અને રાજકારણીઓનો. તેઓ વાતો દેશ અને ધર્મની મહાનતાની કરે છે અને કામ કુંઠિત માનસ અને અસંવેદનશીલ હ્રદય ધરાવનારાં ટોળાં પેદા કરવાનું કરે છે. તમારું સંતાન જો ટોળાંમાં જગ્યા અને સલામતી શોધતું હોય તો આજે જ ચેતી જજો.

રહી વાત સત્ય અને સર્જકતાની તો તેને આ જગતમાં કોઈ રૂંધી શક્યું નથી. માનવસમાજનો ઈતિહાસ તપાસી જુઓ. જગત આખામાં દરેક સમાજનું આ સત્ય છે. સત્ય અને સર્જકતા લોકો સુધી પહોંચીને જ રહે છે અને એનામાં જેટલી તાકાત હોય એટલા પ્રમાણમાં સમાજને પ્રભાવિત કરીને જ રહે છે. જગતની કોઈ તાકાત તેને અવરોધી શકી નથી અને અવરોધી શકવાની નથી. આખરી પરાજય તો એ લોકોનો જ થાય છે જે સત્ય અને સર્જકતાના અવાજોને રૂંધવાના પ્રયાસ કરે છે.

સલમાન રશ્દીની નવલકથા ‘શેતાનિક વર્સીસ’ માં સર્જકતાની તાકાત કેટલી છે એ હું જાણતો નથી. મારામાં સાહિત્યકૃતિને સર્જકતાને એરણે મૂલવવા જેટલી ક્ષમતા નથી. જે લોકો આવી આવડત ધરાવે છે એમાંના કેટલાક લોકોએ કહ્યું છે કે ‘સેતાનિક વર્સીસ’ કોઈ મહાન કૃતિ નથી. જો એમ હોત તો એની મેળે જ એ કૃતિ ભુલાઈ જાત. પ્રતિબંધ મૂકનારાઓએ અને લેખકની હત્યા કરવાના ફતવા કાઢનારાઓએ કૃતિને જીવતદાન આપ્યું છે. ખોટનો ધંધો કર્યો છે અને મોટાભાગે આવા લોકો ખોટનો જ ધંધો કરતા હોય છે. માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે પશુ-પક્ષીથી ઉલટું માનવી અનુભવમાંથી કાંઈ શીખતો નથી. પણ જો શીખવું હોય તો અંતિમ સત્ય એ છે કે સત્ય અને સર્જકતાને આંતરી શકાતાં નથી અને પરિવર્તનને રોકી શકાતું નથી. લાખ પ્રયાસ કરો, નિષ્ફળતા જ મળવાની છે. આજ નહીં તો કાલે.

Most Popular

To Top