નડિયાદ: માતર તાલુકાના ત્રાજ ગામમાં રાત્રીના સમયે દુકાનમાં ઠંડુ પીણું ખરીદવા ગયેલી ૧૮ વર્ષીય યુવતિનું ગળું રહેંસી નાંખી સરેઆમ હત્યા કરનાર હત્યારાને કોર્ટે આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦ નો દંડ ફટકારી છે. માતર તાલુકાના ત્રાજ ગામમાં રહેતી ૧૮ વર્ષીય યુવતિ ગત તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે બસસ્ટેન્ડ નજીક આવેલ દુકાનમાં ઠંડુ પીણું ખરીદવા ગઈ હતી. દરમિયાન ગામમાં જ રહેતાં રાજેશ મગનભાઈ પટેલ (ઉં.વ ૪૫) એ એકાએક ત્યાં જઈને ચપ્પાં વડે કિશોરીનું ગળું રહેંસી નાંખ્યું હતું.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી યુવતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે માતર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રાજેશ પટેલની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી હતી. જે બાદ સમગ્ર મામલાની તપાસ કરી, કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ નડિયાદ સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ પી.આર.તિવારીએ રજુ કરેલાં ૧૮ દસ્તાવેજી પુરાવાઓ તથા ૫૨ સાહેદોની જુબાનીને ધ્યાનમાં રાખી ન્યાયાધીશ એ.આઈ.રાવલે આરોપી રાજેશ પટેલને કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા તેમજ રૂ.૫૦૦૦ નો દંડ ફટકાર્યો છે.
એક તરફી પ્રેમમાં પાગલ આધેડે ભત્રીજીની બહેનપણીની હત્યા કરી હતી
મરણ જનાર યુવતિ હત્યારા રાજેશ પટેલની ભત્રીજીની બહેનપણી થતી હતી. જેથી યુવતિ અવારનવાર રાજેશ પટેલના ઘરે બહેનપણીને મળવા માટે જતી હતી. જે દરમિયાન રાજેશ પટેલની આ યુવતિ ઉપર નજર બગડી હતી. જોકે, રાજેશના બદઈરાદા અંગેની જાણ થતાં યુવતિએ છેલ્લાં ઘણાં દિવસોથી તેની બહેનપણીના ઘરે જવાનું બંધ કરી દીધું હતું. યુવતિ પોતાને ઈગ્નોર કરી રહી હોવાનું લાગી આવતાં રાજેશ પટેલે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું.