Madhya Gujarat

ખેડામાં મિત્રની હત્યા કરનારા શખ્સને આજીવન કેદની સજા

નડિયાદ: ખેડાના ધરોડામાં શિકાર કરવાને લઇને બે મિત્રો વચ્ચે થયેલી તકરારનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં તકરાર બાદ ઉશ્કેરાયેલા મિત્રએ ધારિયાનો એકજ ઝાટકો મારીને મિત્રનું ઢીમ ઢાળી દીધા બાદ, તેના મૃતદેહને જમીનમાં દાટવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં બુધવારે નડિયાદ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ખેડા તાલુકાના ધરોડામાં ઠાકોરવાસમાં રહેતા ખોડાભાઇ શકરાભાઇ ઠાકોર ૨૦ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ મિત્ર ભરતભાઇ પ્રભાતભાઇ સાથે ધરોડા સીમમાં વહેરાવાળા ખેતરમાં ગયા હતા. જ્યાં ભરતભાઇ ખેતરમાં તથા ગાંડા બાવળની ઝાડીમાં ફરતાં સસલા અને તેતરને ગીલોલથી પથ્થર મારી, શિકાર કરતાં હતા. જેથી ખોડાભાઇએ શિકાર કરવાની ના પાડતાં ભરતભાઇ સાથે તકરાર થઇ હતી.

ઉશ્કેરાયેલા ભરતભાઇ આવેશમાં આવી ખોડાભાઇને મારવા જતાં, તેઓએ ભરતભાઇના હાથમાનું ધારિયું આંચકી લઇને ભરતભાઇને માથામાં મારી દેતાં, તેઓને ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોતાના હાથે ભરતભાઇની હત્યા થઇ હોવાથી ગભરાઇ ગયેલા ખોડાભાઇએ તરત જ ભરતભાઇનો મૃતદેહ કાભઇભાઇ લક્ષ્મણભાઇ ઠાકોરના ખેતરમાં લિમડાના ઝાડ નીચે ઢસડી ગયા હતા. જ્યાં તેઓએ ખાડો ખોદીને ભરતભાઇને લાશ જમીનમાં ઉંધી – અડધી દાટી દઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ તેને પી.એમ. માટે મોકલી આપ્યો હતો.

પોલીસ તપાસમાં ભરતભાઇ તેમના મિત્ર ખોડાભાઇ સાથે ગયા હોવાનું બહાર આવતાં પોલીસે ખોડાભાઇની તપાસ શરૂ કરી હતી. જોકે, ૪ વર્ષ પોલીસને ચકમો આપી ફરાર થયેલા ખોડાભાઇને અંતે પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે બુધવારે નડિયાદની કોર્ટમાં ચાલી જતાં, ન્યાયાધિશ એલ.એસ.પીરઝાદાએ સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુરની દલીલોને તેમજ પુરાવાઓને ધ્યાનમાં લઇને આરોપી ખોડાભાઇને આજીવન કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top