આણંદ તા.10
તારાપુરમાં રહેતી 33 વર્ષિય વિધવા મહિલાને ગામનો જ વિધર્મી યુવક પોતાને તાબે કરવા પજવતો હતો. જોકે, મહિલા તેના તાબેના ન થતાં વિધર્મી ઉશ્કેરાઇ ગયો હતો અને તેના ઘરમાં ઘુસી તેના પર કેરોસીન છાંટી દિવાળી ચાંપી દીધી હતી. આ બનાવમાં એક મહિનાની સારવાર બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. તારાપુરમાં 2019માં બનેલા બનાવ સંદર્ભે કોર્ટે વિધર્મી યુવકને આજીવન કેદની સજા ફટકારી હતી.
તારાપુર ખાતે 2019ના અરસામાં રહેતી પરિણીતાના પતિનું થોડા સમય પહેલા મૃત્યું નિપજ્યું હતું. આ બન્નેના લગ્ન જીવનમાં બે સંતાનોનો જન્મ પણ થયો હતો. જોકે, પતિના અવસાન બાદ પત્ની તેના ઘરમાં જ રહેતી હતી. દરમિયાનમાં તારાપુરના મચ્છી માર્કેટમાં રહેતો ઇમરાન ગુલામનબી વ્હોરા તેની પાછળ પડ્યો હતો. ઇમરાન મહિલાનો પીછો કરતો હતો અને સંબંધ રાખવા ધાકધમકીઓ આપતો હતો. પરંતુ તે તાબે થતી ન હતી.
આથી 10મી જૂન,2019ના મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ઇમરાન મહિલાના ઘરની પાછળની બારીમાંથી ઘુસી આવ્યો હતો અને શરીર સંબંધ બાંધવા માટે જબરજસ્તી કરવા લાગ્યો હતો. પરંતુ મહિલા તાબે નહી થતાં ઇમરાને ઉશ્કેરાઇ ગયો હતો અને ઘરમાં પડેલો કેરોસીનના કેરબામાંથી તેના પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. જેના પગલે મહિલા ભડભડ સળગી ઉઠી હતી. બીજી તરફ ઇમરાન ભાગી ગયો હતો. પરંતુ આ દ્રશ્ય જોઇને મહિલાની પુત્રી હેબતાઇ ગઇ હતી. આ સમયે નજીકમાં રહેતા કાકાના ઘરે પહોંચી હતી અને ઘટનાની વાત કરતા લોકો દોડી આવ્યા હતા. જો કે મહિલા ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેને સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં એક મહિનાની સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ઇમરાન ગુલામનબી વ્હોરા સામે આઈપીસી 302, 307, 506 (2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, ઇમરાનની જેતે સમયે જ ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. જ્યાં ન્યાયધિશે 13 સાક્ષી, 25 દસ્તાવેજ અને અંગત વકીલ કેતન પટેલની દલીલો ધ્યાને રાખી ઇમરાનને આજીવન કેદની સજા અને રૂ.15 હજારનો દંડ ફટકાર્યો છે.
તારાપુરમાં મહિલાને જીવતી સળગાવી દેનારા શખ્સને આજીવન કેદની સજા
By
Posted on