હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જિત પણ હોઈ શકે છે. આ માટે કાયમી ઉકેલ ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય છે. આપણા દેશમાં ખાસ કરીને દિલ્હી તથા અન્ય શહેરોમાં પણ હવાનું પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કુદરતી સ્ત્રોત દ્વારા હવા પ્રદુષણ સામે માણસ કદાચ અસહાય બની રહે એવું બની શકે, પરંતુ માનવસર્જિત હવા પ્રદુષણ એ પણ એક મોટો પડકાર છે. WHO પણ અવરનવર આ અંગે ચેતવણી આપે છે. દર વર્ષે સાત મિલિયન કરતાં પણ વધુ લોકો વાયુ પ્રદુષણ સંબંધિત રોગોથી અકાળે મૃત્યુ પામે છે.
માણસને હવા પ્રદુષણથી હૃદય અને ફેફસાની સમસ્યાઓ વધતી જાય છે. આપણે ત્યાં દરેક રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે જેની મુખ્ય કામગીરી પ્રદૂષણનું નિયંત્રણ અને પર્યાવરણની ગુણવત્તા રક્ષણની છે. પ્રવર્તમાન કાયદાઓનો અસરકારક અમલીકરણ કરીને આ બોર્ડ દ્વારા દરેક પ્રકારના પ્રદૂષણ નિયંત્રણ માટે પૂરતા પ્રયત્નો કરવામાં નથી આવતા. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રીક વાહનોની સંખ્યા વધતી જાય છે અને સોલર પેનલ મૂકવામાં આવે છે એ સારી વાત છે. આપણે ત્યાં શિયાળાના પ્રારંભની સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ વધતું જ જાય છે. આપણે સૌએ પણ સાથે મળીને રોજિંદી પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ કે પ્રદૂષણ લઘુત્તમ માત્રામાં થાય.
નવસારી – ડૉ.જે.એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.