વિરપુર : વિરપુરના રસુલપુર ગામમાં રાજાપાઠમાં પુરપાટ ઝડપે કાર ચલાવતા શખસની બેદરકારીના કારણે બાઇક સવાર દંપતી હડફેટે ચડી ગયું હતું. જેના કારણે રસ્તા પર ફંગોળાયેલા દંપતીમાં પતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
ધાવડીયા ઓઢા વિરપુર ખાતે રહેતા નરેશભાઇ રઘુભા સોલંકી તથા તેમની પત્નિ મીરાબહેન પાંટા વિરપુર રોડ ઉપર આવેલી દુકાનની સામેથી પસાર થતા હતા તે સમયે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે ટક્કર મારતા સ્થળ ઉપર નરેશભાઇનું મોત થયું હતું. જ્યારે મીરાબહેનને ગંભીર ઇજા થતા 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતની ઘટનાની ખબર પડતાં વિરપુર પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.
આ બનાવ નજરે જોનારા પાટા ગામના સુરેશભાઇએ જણાવ્યું હતું કે, કાર નંબર જીજે 01 કેએ 8208ના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે હંકારી લિમ્બડીયા તરફ જતા તે દરમિયાન જયંતીભાઇ જીવાભાઇ ખાંટની દુકાનની સામે રોડ પરથી કાબુ ગુમાવી રોન્ગ સાઇડે જઇ લિમ્બડીયા તરફથી વિરપુર તરફ જતી બાઇકના ચાલક તથા પાછળ બેઠેલા બહેન સાથે અથડાવી રસ્તા પરથી ઉતરી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું મોત થયું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા તેમની પત્નીને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે વિરપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નરેશભાઈ પરથી કાર ફરી વળી
મહીસાગર જિલ્લાના ધાવડીયા-ઓઢા વિરપુર ખાતે રહેતા નરેશભાઇ તથા તેમની પત્ની મીરાબહેન વિરપુર રોડ ઉપર આવેલી દુકાનની સામેથી પસાર થતા હતા. તે સમયે એક કારે ટક્કર મારતા સ્થળ ઉપર નરેશભાઇનું મોત થયું હતું. લીમ્બડીયા તરફ પુરપાટ ઝડપે જતી કાર જયંતીભાઈ ખાંટની દુકાનની સામે રોડ પરથી કાબુ ગુમાવી રોંગ સાઇડે ધસી આવી હતી અને લીમ્બડીયા તરફથી વિરપુર તરફના મુખે આવતું બાઇકને હડફેટે ચડાવ્યું હતું.
કાર ચાલકે દાદાગીરી કરતા મેથીપાક આપ્યો
અકસ્માત થયા બાદ હાજર માણસો તથા પોલીસે વેગેનાર ગાડીએ જઇને જોતા વેગેનાર ગાડીનો ચાલક નશાની હાલતમાં હતો. પોલીસ આવતા પહેલા અકસ્માત સ્થળે ભેગા થઈ ગયેલા લોકોએ નશામાં ધૂત કાર ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવતા તેને મેથીપાક પણ આપ્યો હતો. પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. પોલીસ વેનમાં પણ નશામાં ધૂત કાર ચાલકની દાદાગીરી જોવા મળી હતી.