નડિયાદ: નડિયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધતાં જતા વાહનચોરીના બનાવો વચ્ચે ટાઉન સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે ચોરીના પાંચ વાહનો સાથે વાહનચોરને ઝડપી પાડ્યો છે. નડિયાદમાં વધતાં જતાં વાહનચોરીના બનાવોને પગલે સક્રિય બનેલી પોલીસની ટીમ સીસીટીવી ફુટેજના આધારે વાહનચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં. દરમિયાન ચોરી કરેલું ટુ-વ્હીલર વાહન લઈને જતો એક ઈસમ સીસીટીવી ફુટેજમાં દ્દશ્યમાન થયો હતો. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.
દરમિયાન સીસીટીવી ફુટેજમાં ચોરીના ટુ-વ્હીલર વાહન સાથે દ્દશ્યમાન થયેલ ઈસમ નડિયાદમાં આવેલ સંતરામ આંખની હોસ્પિટલ પાસે આવનાર હોવાની બાતમી નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્ક્વોર્ડને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમી મુજબના ઠેકાણે વોચ ગોઠવી વાહનચોર સલીમમીયાં રસુલમીયાં મલેક (મુળ રહે.વાલ્લા, વાઘેશ્વરી લાટ, તા.નડિયાદ, હાલ રહે.કમળા ચોકડી, જયહિન્દ લાકડાના પીઠામાં, તા.નડિયાદ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે ચોરીના પાંચ વાહનો પણ કબ્જે કર્યાં હતાં. પુછપરછમાં સલીમએ આ વાહનો નડિયાદ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. તેમજ તે છેલ્લાં બે મહિનાથી વાહનોની ચોરી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.