SURAT

મિર્ઝાપુર વેબસિરિઝના મુન્નાભાઈની સ્ટાઈલમાં સુરતના બિલ્ડર પાસે ખંડણી માંગનાર પકડાયો

ચર્ચિત વેબસિરિઝ મિર્ઝાપુરના મુન્નાભાઈના પાત્ર પરથી પ્રેરણા લઈને ગેંગસ્ટર બનવા નીકળેલો એકને સુરત પોલીસે પકડી પાડ્યો છે. ફિલ્મી અદામાં આરોપીએ સુરતના બિલ્ડર પાસેથી રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં પકડી તેની શાન ઠેકાણે લાવી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રોડ નં. 4, પ્લોટ નં.1/11 ખાતે બાંધકામ ચાલી રહ્યું હતું. આ સમયે અચાનક બિલ્ડરને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. બિલ્ડરે ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા આરોપીએ વોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલીને વધુ ગંભીર ધમકી આપી હતી.

જેમાં તેણે જણાવ્યું હતું કે, જો બાંધકામ ચાલુ રાખવું હોય તો બે લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ. ખંડણીની માગ સાથે આવતી આ ધમકીઓ બાદ બિલ્ડરે તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે તપાસ આદરી આરોપી સમીરખાન શહીલખાન પઠાણને ઝડપી લીધો હતો.

મજૂરી કામ કરતા આરોપીએ પોતાને હત્યારો બતાવ્યો હતો
ઉધના પોલીસે સમીર પઠાણને પકડ્યા બાદ તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ આરોપી માત્ર ધાક જમાવવા માટે હત્યાનો આરોપી હોવાનું કહેતો હતો.

હકીકતમાં તે માત્ર એક મજૂર છે, જે મિર્ઝાપુર જેવી વેબસિરીઝ જોઈને પોતાને માથાભારે ઈસમ બતાવવા માંગતો હતો. હાલમાં ઉધના પોલીસ સમીર પઠાણ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. એક યુવક ફિલ્મી સ્ટાઇલ મુન્નાભાઈ બનવા નીકળ્યો, પણ હકીકત એ છે કે અસલી જીવનમાં ક્રાઈમ કરનારની જેલમાં જ જગ્યા થાય.

Most Popular

To Top