ધીરુ મેરાઇએ તેમના પત્રમાં ધર્મ જ નહિ, વિજ્ઞાન પણ ધંધો બની રહયું છે એવો ઉલ્લેખ કરતાં લખ્યું છે વાત જીવતાં શીખવાની છે જ નહિ. મૂળ વાત મરતાં શીખવાની છે. આથી જ આધ્યાત્મિકતામાં કહેવાયું છે કે મનુષ્યે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાનું છે અને છેવટે જ્ઞાનમાંથી પુન: અજ્ઞાનમાં પ્રવેશવાનું છે. અર્થાત્ બધું જાણ્યા પછી હું કશું જ નથી જાણતો. આમ છેવટે તો કુદરત જ સર્વોપરી છે એવું સ્વીકારવાનું છે. વિજ્ઞાન કુદરતની છાનબીનમાં તમામ મર્યાદા ચૂકી જતું અનુભવાય છે. એટલું જ નહીં, પોતે જ સર્વોપરી છે એવા અહંકારમાં રાચતું પણ જોવાય છે. વિજ્ઞાનને કંઇક સાધનો નિપજાવી મનુષ્યતાને કંઇક ઝંઝટમાંથી મુકત કરે તે સાચું પણ કુદરતની મર્યાદાઓ ઓળંગી મનુષ્યતાને એવી ઝંઝટમાં મૂકી દીધી છે, જેમાંથી મુકત થવું મુશ્કેલ છે, જેનો અનુભવ વર્તમાનમાં મહામારી સહ અનેક કુદરતી આપત્તિઓ થકી મનુષ્યતા કરી રહી છે.
આથી કહેવાય છે ધર્મ અને વિજ્ઞાનની જયાંથી મર્યાદા આવે છે ત્યાંથી આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે. આધ્યાત્મિકતા મનુષ્યને તેની મર્યાદા દર્શાવે છે તે સત્ય મનુષ્ય જાણી લે તો તે કુદરતને પણ અવશ્ય જાણી લે છે. પરિણામે તે જીવનનો સાચુકલો મર્મ જાણી લેતાં તે કુદરતની સામે નહીં, કુદરતની સાથે કેમ જીવવું તે શીખી જાય છે. આથી તેને મરતાં શીખવું પડતું નથી. મરતાં તેને આપોઆપ જ આવડી જાયછે. માટે મનુષ્યે સૌ પ્રથમ તો પોતાની મર્યાદાઓ અને કુદરતની સર્વોપરિતાને જાણવી રહી. નવસારી – ગુણવંત જોષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે