પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે આરોપ મૂક્યો હતો કે, નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર ‘ચાર-પાંચ માણસો’ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમના ડાબા પગમાં ઈજા આવી હતી. ચૂંટણી પંચે આ કથિત હુમલા અંગે રાજ્ય પોલીસ પાસે હેવાલ મગાવ્યો છે. આ ઘટના સાંજે 6.15 કલાકની આસપાસ બની હતી.
જ્યારે બેનર્જી ત્યાંના સ્થાનિક મંદિરમાં પ્રાર્થના કર્યા પછી રેયપરા નજીક બિરુલિયા વિસ્તારમાંથી નીકળવાનાં હતાં. બેનર્જીએ કહ્યું કે, હું દરવાજો ખુલ્લો રાખીને કારની બહાર ઊભી હતી. હું તે મંદિરમાં પ્રાર્થના કરવા ગઈ હતી. ત્યારે મારી કારની આસપાસ થોડા લોકો આવ્યા અને દરવાજાને ધક્કો માર્યો જેથી દરવાજો મારા પગને ટકરાયો હતો. હું કારમાં બેસવા જ જતી હતી અને દરવાજો વાગતા મોં ભેર પટકાઈ હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઈજાને કારણે તેમના પગે સોજો થઈ ગયો હતો અને છાતીમાં દુખાવો હોવા ઉપરાંત તેઓ તાવ અનુભવી રહ્યાં હતાં. બેનર્જીએ જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે કોઈ સ્થાનિક પોલીસ કર્મચારી સ્થળ પર હાજર નહોતા. બેનર્જીએ આરોપ લગાવ્યો કે, આ એક ષડયંત્ર છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ ઇરાદાપૂર્વક આ કર્યા કર્યું હતું. આ એક કાવતરું છે. ઘટના સમયે મારી આસપાસ કોઈ સ્થાનિક પોલીસ કે જિલ્લા પોલીસ અધિક્ષક હાજર નહોતા.
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બેનર્જીની સારવાર માટે પાંચ વરિષ્ઠ ડૉકટરોની ટીમ બનાવી છે. ભાજપ સામે સૂત્રોચ્ચાર કરતાં તેમના સમર્થકોની વિશાળ હાજરી વચ્ચે બેનર્જીને સ્ટ્રેચર પર હોસ્પિટલના વુડબર્ન બ્લોકની વિશેષ રૂમમાં લઈ જવાયાં હતાં. હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, પહેલા તેમનો એક્સ-રે લેવામાં આવશે. ત્યારબાદ અન્ય કોઈ ઇજા થયાની તપાસ કર્યા બાદ સારવારનો નિર્ણય લેવામાં આવશે.
મમતાએ નંદીગ્રામ બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ બુધવારે નંદીગ્રામ વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠકમાં તેમની સામે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારશે. બેનર્જીએ પોતાની જીતના વિશ્વાસ સાથે કહ્યું કે, તે ખેડૂત વિરોધી જમીન સંપાદન આંદોલનની આ ભૂમિમાંથી ક્યારેય ખાલી હાથે પાછા ફર્યા નથી.
ટીએમસી અધ્યક્ષ સુબ્રત બક્ષી સાથે બેનર્જીએ 2 કિલોમીટરના રોડ શૉમાં ભાગ લીધા બાદ હલ્દિયા સબ-ડિવિઝનલ ઑફિસમાં ઉમેદવારી નોંધાવી હતી. બેનર્જીએ ઉમેદવારી નોંધાવતાં પહેલા એક મંદિરમાં પ્રાર્થના કરી હતી. બેનર્જીએ કહ્યું કે, મને નંદીગ્રામ વિધાનસભા બેઠકની જીત માટે વિશ્વાસ છે. હું ભવાનીપુર બેઠક પર સરળતાથી ચૂંટણી લડી શકું છું. પૂર્વ મિદનાપુર જિલ્લા પરિષદના ઉપાધ્યક્ષ શેખ સુફિયાં બેનર્જીના ચૂંટણી એજન્ટ તરીકે નિમાયા છે.