Comments

બંગાળમાં મમતાનો જયજયકાર

પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો જયજયકાર થયો છે. પંચાયત અને પંચાયત સમિતિમાં ૮૦થી ૯૦ ટકા બેઠકો ટીએમસીએ મેળવી છે. એ દર્શાવે છે કે, બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી એકદમ મજબૂત છે. હા, પંચાયતની ચૂંટણીમાં હિંસા જોવા મળી , કેન્દ્રે કેન્દ્રીય દળોને બંદોબસ્ત માટે મોકલ્યા અને ખુદ રાજ્યપાલ દ્વારા આક્ષેપ થયો કે, હિંસા આચરવામાં આવી છે અને એ અંગે અહેવાલ પણ કેન્દ્રને કર્યો છે. પણ મમતા બેનર્જી કહે છે કે, હિંસા તો ભાજપ , કોંગ્રેસ અને ડાબેરીઓએ કરી છે કારણ કે, સૌથી વધુ કાર્યકર્તા ટીએમસીનાં મૃત્યુ પામ્યાં છે.

 વિપક્ષ બોલ્યો પણ બંગાળમાં હિંસા મુદે કેમ બધા ચૂપ છે? પણ હિંસા બાવજૂદ ૮૦ ટકા જેટલું મતદાન થયું એ પણ મહત્ત્વનું છે. જો કે, કેટલાંક મતદાન મથકો પર ફેર મતદાન કરાવાયું હતું. પણ પરિણામો દર્શાવે છે કે, મમતાના ગઢમાં કોઈ ગાબડું પડ્યું નથી. હવે આ પરિણામોની અસર આવતા વરસે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જોવા મળે છે કે નહિ એ જોવાનું છે.

ટીએમસીએ ગ્રામ પંચાયતમાં ૩૩૧૭માંથી ૨૬૪૧ જીતી છે. પંચાયત સમિતિમાં ૯૨ ટકા એટલે કે ૩૪૧માંથી ૩૧૩માં જીત મેળવી. જિલ્લા પરિષદમાં ૯૨૧માંથી ૮૮૦ બેઠક મેળવી છે. આનો મતલબ એવો થાય છે કે, ગ્રામ્ય વિસ્તારમાં ટીએમસીની પકડ મજબૂત છે. ૨૦૨૪માં લોકસભામાં આ પરિણામોની અસર જોવા મળે એવું ય બને. ૨૦૧૯માં ૪૨માંથી ટીએમસીને ૨૨ અને ભાજપને ૧૮ બેઠક મળી હતી. ગઈ વિધાનસભામાં ભાજપે ૭૭ બેઠકો મેળવી હતી અને આ વેળા પંચાયતની ચૂંટણીમાં પણ અગાઉ કરતાં વધુ બેઠકો મેળવી છે. હા, એમણે ટીએમસીની મતબેંકમાં નહિ, પણ કોંગ્રેસ અને ડાબેરીઓની મતબેંકમાં ગાબડાં પાડ્યાં છે. ડાબેરીઓ તો હવે સાવ ખલાસ થઇ ગયા છે.

આ પરિણામો જોતાં એવું સ્પષ્ટ લાગે છે કે, ભાજપ પશ્ચિમ બંગાળમાં મજબૂત તો બન્યો છે, પણ એ માટે ઘણી તોડફોડ કરી છે. મમતાને યેનકેન પ્રકારેણ દબાવવાની પણ કોશિશ થઇ છે. રાજ્યપાલોની પણ ભૂમિકા એમાં રહી છે પણ ભાજપ હજુ એટલો જોરાવર થયો નથી કે, મમતાને માત કરી શકે. ભાજપે ટીએમસી અને બીજા પક્ષોમાં તોડફોડ કરી છે. બીજા હથકંડા પણ અપનાવ્યા છે પણ એનાથી સતા મળી જાય એવું તો જણાતું નથી. ભાજપ માટે બંગાળ હજુ દૂર છે.

મહારાષ્ટ્રમાં હવે શું?
મહારાષ્ટ્રમાં એનસીપીમાં ભંગાણ પડ્યું અને અજીત પવાર સહિત ઘણાં સભ્યો ભાજપ -શિંદે સરકારમાં જોડાયાં. પણ કાનોઓની લડત શરૂ થઇ છે. અજીત પવાર સાથે કેટલા ધારાસભ્યો છે અને શરદ પવાર સાથે કેટલા? અજીત પવાર સામે દલબદલ કાયદો લાગુ પડે કે? પક્ષનું ચિહ્ન કોણ લઇ જશે? એ બધા મુદે કાનૂની લડત શરૂ થઇ છે પણ સાથોસાથ આ સરકાર કેટલું ટકશે એના પર પણ સવાલ છે.

અજીત પવાર સહિત નવ સભ્યો મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બન્યા છે અને હજુ કેટલાક દાવેદાર છે. ઉપરાંત ખાતાંઓ માટે પણ અજીત પવારની કેટલીક માગણીઓ છે અને આ કારણે એકનાથ શિંદે જૂથ નારાજ છે. એક કાર્યક્રમમાં શિંદે અને પવાર બંને હાજર હતા ત્યારે અજીત પવારે ભાજો અને શિંદે શિવસેનાના જ ઝંડા જોયા ત્યારે કહ્યું કે, એનસીપી પણ હવે સરકારમાં છે એનો ય ઝંડો હોવો જોઈએ. શિંદેએ વાત વાળી લીધી હતી. પણ શિંદે અને એમના સભ્યો નારાજ છે કારણ કે એમને એમ લાગે છે કે, એમનો ક્વોટા કપાઈ રહ્યો છે એટલે જ એમણે કહ્યું છે કે, હવે એનસીપીમાંથી કોઈને મંત્રી બનાવાય તો ભાજપના ક્વોટામાંથી એ પદ મળવા જોઈએ. વાત છેક અમિત શાહ સુધી પહોંચી છે. આ બધાં કારણોસર ચર્ચા એવી છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ ય કેટલાક વળાંકો આવવા બાકી છે. હજુ કોઈ નવાજુની થઇ શકે છે.

બ્રિજભૂષણ જેલમાં ક્યારે જશે?
કુસ્તી સંઘના સર્વેસર્વા અને યુપીના સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે પોલીસે જે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું છે એમાં સ્પષ્ટ કહ્યું છે, બ્રિજભૂષણ સામે કેસ બને છે. છેડતીના પુરાવા મળ્યા છે અને એને સજા થવી જોઈએ. પોલીસે કોર્ટ પાસે ધરપકડ માટે માગણી કરી છે. પણ ૧૮ જુલાઈના બ્રિજભૂષણ કોર્ટમાં હાજર થવાના છે એ પછી આ મુદે્ કોઈ નિર્ણય આવે એમ લાગે છે. પણ બ્રિજભૂષણની સાન હજુ ઠેકાણે આવી નથી. પત્રકારે પૂછ્યું કે, રાજીનામું આપશો? તો ગુસ્સે થઇ એ કહે છે કે, શા માટે આપું? ભાજપ દ્વારા પણ આ મુદે્ કોઈ નિવેદન આવ્યું નથી. વડાપ્રધાન પણ મૌન જ રહ્યા છે. પણ લાગે છે કે, બ્રિજભૂષણના દિવસો હવે ભરાઈ ચૂક્યા છે. પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. એ જેલમાં જાય એ દિવસો દૂર નથી. 
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top