પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસામાં ભોગ બનેલા લોકોની ફરિયાદો નોંધાઇ ન હતી એવા ચોક્ક્સ અને સાબિત થયેલા આક્ષેપો છે એમ અવલોકન કરતા કલકત્તા વડી અદાલતે આજે એનએચઆરસીની એક પેનલની ભલામણો સ્વીકારીને બળાત્કાર અને હત્યા જેવા ઘૃણાસ્પદ કેસોની સીબીઆઇ તપાસ માટે આદેશ આપ્યો હતો. પાંચ જજોની બૅન્ચે ઘણી બધી જાહેર હિતની અરજીઓ પર સર્વાનુમત ચુકાદો આપ્યો હતો અને અન્ય કેસોની તપાસ માટે સિટની રચના કરવા હુકમ કર્યો હતો.
એના માટે SITનું ગઠન થશે. હત્યા અને રેપની બાબતોની જવાબદારી CBIની રહેશે. બીજી બાબતોની તપાસ SIT કરશે. કોર્ટે રાજ્ય સરકારને હિંસાથી પીડિત લોકોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.કોર્ટે CBI અને SIT પાસે 6 સપ્તાહમાં રિપોર્ટ માગ્યો છે. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. ચૂંટણી આયોગ પર ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે ECને હિંસા પર મહત્ત્વની ભૂમિકા નિભાવવાની હતી. કોલકાતા પોલીસ કમિશનર સોમેન મિત્રા પણ આ તપાસનો ભાગ રહેશે.
પોલીસે રાજકીય હિંસામાં 17 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. જોકે ભાજપનો આરોપ હતો કે તેમના આનાથી વધારે કાર્યકર્તા માર્યા ગયા છે. ભાજપે એક યાદી તૈયાર કરી હતી. યાદી પ્રમાણે ચૂંટણી પછી હિંસા, લૂંટની 273 ઘટના સામે આવી હતી.
NHRCએ કોર્ટને કહ્યું હતું કે બંગાળમાં કાયદાનું શાસન નથી
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ(NHRC)એ 13 જુલાઈએ કલકત્તા હાઈકોર્ટમાં રિપોર્ટ સબ્મિટ કર્યો હતો. આયોગે હિંસા બાબતે કોર્ટને કહ્યું હતું કે બંગાળમાં કાયદાનું શાસન નથી, પરંતુ શાસકના કાયદા ચાલે છે. બંગાળ હિંસા બાબતે તપાસ રાજ્યની બહાર કરવામાં આવે.રિપોર્ટમાં કેટલીક ન્યૂઝ ચેનલ અને વેબસાઈટ્સ પર ખુલાસા પછી મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરી હતી. મમતાએ કહ્યું હતું કે આયોગે ન્યાયપાલિકાનું સન્માન કરવું જોઈએ અને આ રિપોર્ટને લીક નહોતો કરવાનો. આ રિપોર્ટને માત્ર કોર્ટ સામે રાખવાનો હતો.