પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. હિંસાની ઘટનાઓ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને અપીલ કરતા કહ્યું કે અમે આ કાયદાના પક્ષમાં નથી. જો પશ્ચિમ બંગાળમાં વકફ કાયદો લાગુ નહીં થાય તો પછી રમખાણો કરવાનો શું અર્થ છે? મુખ્યમંત્રીએ તોફાનીઓને કડક ચેતવણી આપતા કહ્યું કે અમે રમખાણો ભડકાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.
પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદ, હુગલી, 24 પરગણા અને માલદા જિલ્લામાં પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ટ્રેનો અને રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા અને પથ્થરમારો અને આગચંપી જેવા બનાવો બન્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે બધા ધર્મના લોકોને મારી નમ્ર અપીલ છે કે કૃપા કરીને શાંત અને સંયમ રાખો.
તેમણે કહ્યું કે ધર્મના નામે કોઈ ખોટું કાર્ય ન કરો. દરેક વ્યક્તિનું જીવન કિંમતી છે, રાજકારણ ખાતર રમખાણો ભડકાવો નહીં. જે લોકો રમખાણો ભડકાવી રહ્યા છે તેઓ સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે લોકોને કહ્યું, “યાદ રાખો, અમે એવો કાયદો નથી બનાવ્યો જેના વિરુદ્ધ લોકો ગુસ્સે છે. આ કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે તેથી તમારે જે જવાબ જોઈએ છે તે કેન્દ્ર સરકાર પાસેથી માંગવો જોઈએ.
મમતા બેનર્જીએ કહ્યું કે અમે આ મામલે અમારું વલણ સ્પષ્ટ કરી દીધું છે – અમે આ કાયદાને સમર્થન આપતા નથી. જો આ કાયદો આપણા રાજ્યમાં લાગુ થવાનો નથી તો પછી રમખાણો શા માટે? તેમણે વધુમાં કહ્યું કે અમે રમખાણો ભડકાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરીશું. અમે કોઈપણ હિંસક પ્રવૃત્તિને સમર્થન આપતા નથી.
ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો રાજકીય લાભ માટે ધર્મનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનાથી ગેરમાર્ગે ન દોરાઓ. તેમણે કહ્યું કે મારા મતે ધર્મનો અર્થ માનવતા, સદ્ભાવના, સભ્યતા અને સંવાદિતા છે. હું દરેકને શાંતિ અને સુમેળ જાળવવા અપીલ કરું છું.
