Columns

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે સીધો મુકાબલો

આગામી દિવસોમાં ભારતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, પણ આખા દેશની નજર પશ્ચિમ બંગાળ પર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના દસ વર્ષના એકચક્રી શાસનને ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા પડકારવામાં આવ્યું છે. જો ભાજપ મમતા બેનરજીને પછાડવામાં સફળ થશે તો તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે.

જો મમતા બેનરજી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અને ગૃહ પ્રધાન અમિત શાહનો મુકાબલો કરીને પોતાની ખુરશી ટકાવી રાખશે તો રાષ્ટ્રીય રાજકારણમાં તેમની તાકાત વધી જશે અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં તેઓ નરેન્દ્ર મોદીના હરીફ બની જશે. ભાજપે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી જીતવા પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે. બીજી બાજુ સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ અને શિવસેના જેવા હિન્દુત્વવાદી પક્ષો દ્વારા પણ મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી આઠ તબક્કામાં યોજવાની જાહેરાત કરવામાં આવી તેનો હેતુ પણ મમતા બેનરજીને મૂંઝવવાનો હતો. જો ચૂંટણી આઠ તબક્કામાં યોજવામાં આવે તો ભાજપના રાષ્ટ્રીય નેતાઓને પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં જવાની અને પ્રચાર કરવાની સુવિધા વધુ મળે તેમ છે.

તામિલનાડુ, પોંડિચેરી અને કેરળની ચૂંટણીઓ તા. ૬ એપ્રિલના પતી જવાની છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી છેક ૨૯ એપ્રિલ સુધી ચાલવાની છે. તા. ૬ એપ્રિલ અને ૨૭ એપ્રિલ વચ્ચે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરવા મુક્ત રહેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી ત્રિપાંખિયા જંગ જેવી છે.

એક બાજુ ભાજપ છે, બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસ છે અને ત્રીજી બાજુ કોંગ્રેસ વત્તા ડાબેરી પક્ષોનું ગઠબંધન છે. આ ગઠબંધન પોતે તો થોડી બેઠકો જીતશે, પણ તે મમતા બેનરજીની બેઠકો તોડવાનું કામ કરશે. તેવી રીતે ઓવૈસીનો પક્ષ મુસ્લિમોના મતો તોડશે. મમતા બેનરજી તેમની જિંદગીની કે કારકિર્દીની સૌથી મોટી લડાઈ લડી રહ્યાં હોય તેવું લાગે છે.

પશ્ચિમ બંગાળની વિધાનસભામાં કુલ ૨૯૪ બેઠકો પર ચૂંટણી થવાની છે. તેમાં સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ૧૪૮ બેઠકો જીતવી જરૂરી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને જે સાત ઓપિનિયન પોલ થયા છે, તે પૈકી ચારમાં તૃણમૂલ કોંગ્રેસને અને બે માં ભાજપને બહુમતી મળતી દેખાડવામાં આવી છે, જ્યારે એક ઓપિનિયન પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે.

આવી આગાહી કરનારી ક્રાઉડ્સ વિસ્ડમ ૩૬૦ નામની એજન્સીના અનુમાન મુજબ તૃણમૂલ કોંગ્રેસને ૧૩૪, ભાજપને ૧૩૬ અને કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને ૧૯ બેઠકો મળશે. જો તેમની આગાહી ખરેખર સાચી પુરવાર થાય તો તૃણમૂલ કોંગ્રેસ ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનના ટેકાથી સરકાર બનાવી શકે છે. આ બધી જો અને તો ની વાતો છે. ચૂંટણીમાં કંઈ પણ બની શકે છે.

જે સાત એજન્સીઓ દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવ્યા તેમાં એબીપી આનંદા-સી વોટરનો સર્વે કહે છે કે તૃણમૂલ કોંગ્રેસને ૧૫૬, ભાજપને ૧૦૦ અને કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને ૩૫ બેઠકો મળશે. એનકે ડિજિટલ નામની એજન્સી તૃણમૂલ કોંગ્રેસને ૧૯૨ અને ભાજપને ૬૯ બેઠકો આપે છે.

પ્રિયોબંધુ નામનું મીડિયા ગ્રુપ ભાજપને ૧૮૫ અને તૃણમૂલ કોંગ્રેસને માત્ર ૮૨ બેઠકો આપે છે. ટાઇમ્સ ડેમોક્રેસી નામની એજન્સી તૃણમૂલ કોંગ્રેસને ૧૫૧ અને ભાજપને ૧૩૧ બેઠકો આપે છે. એબીપી સીએનએક્સ નામની એજન્સી તૃણમૂલ કોંગ્રેસને ૧૫૧ અને ભાજપને ૧૧૭ બેઠકો આપે છે. અંકિત શર્મા નામના પોલસ્ટાર ભાજપને ૧૬૧ અને તૃણમૂલને ૧૨૦ બેઠકો આપે છે.

જો આ બધાની સરેરાશ કાઢવામાં આવે તો તૃણમૂલને ૧૪૧ અને ભાજપને ૧૨૮ બેઠકો ઉપરાંત કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનને ૨૨ બેઠકો મળે છે. જો આ ૨૨ બેઠકો તૃણમૂલની ૧૪૧ બેઠકો સાથે જોડી દેવામાં આવે તો સરવાળો ૧૬૩ થઇ જાય. મમતા બેનરજી ગઠબંધનના ટેકાથી ખુરશી ટકાવી શકે છે. આ વિશ્લેષણ પરથી એટલો ખ્યાલ આવી જાય છે કે મમતાને તેમના ગઢમાં હરાવવાનું આસાન નથી.

પશ્ચિમ બંગાળમાં શિવસેનાની ખાસ તાકાત નથી; પણ શિવસેના દ્વારા જે ગુંલાટ મારવામાં આવી છે તે ધ્યાનાકર્ષક છે. અગાઉ શિવસેના દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને કારણે ભાજપની છાવણીમાં ભય વ્યાપી ગયો હતો.

શિવસેના ભાજપના હિન્દુ મતોમાં ભાગ પડાવે તેવી સંભાવના હતી. હવે શિવસેનાએ મમતા બેનરજીના ટેકામાં ચૂંટણી ન લડવાનો નિર્ણય જાહેર કર્યો તેને કારણે હકીકતમાં ભાજપને ફાયદો થશે. શિવસેનાના કટ્ટર હિન્દુ મતદારો મમતાને મત આપવાના નથી. તેઓ ભાજપના ઉમેદવારને જ પોતાના મત આપશે.

આજની તારીખમાં પણ મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાનપદનાં દાવેદાર તરીકે હોટ ફેવરિટ છે. તાજેતરમાં પ્રશ્નમ નામની સંસ્થા દ્વારા ૧૮૪૭ પુખ્ત વયનાં નાગરિકોનો જનમત લેવામાં આવ્યો તેમાં ૬૩ ટકાએ મુખ્ય પ્રધાન તરીકે મમતા બેનરજીને પોતાની પહેલી પસંદ જણાવી હતી.

માત્ર ૨૧ ટકાએ જ ભાજપના નેતા દિલીપ ઘોષની તરફેણમાં મત આપ્યો હતો. કદાચ આ કારણે જ પશ્ચિમ બંગાળમાં ભાજપ તરફથી મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેને કારણે મુકાબલો મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે છે. ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સહારે મુખ્ય પ્રધાનપદનો ઉમેદવાર જાહેર કર્યા વિના રાજ્યોની ચૂંટણીઓ જીતતું આવ્યું છે.

૨૦૧૪-૧૯ વચ્ચે ભાજપ ૯ રાજ્યોમાં ચૂંટણી લડ્યું હતું. તેમાં આસામ અને હિમાચલ પ્રદેશને બાદ કરતાં સાત રાજ્યોમાં ભાજપ દ્વારા મુખ્ય પ્રધાનપદના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નહોતા. આ તમામ રાજ્યોમાં ભાજપ જીતી ગયું હતું. તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કામ કરી ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં પણ તે જ દાવ અજમાવાઈ રહ્યો છે.

મમતા બેનરજી છેલ્લાં દસ વર્ષથી બંગાળમાં રાજ કરે છે, માટે એન્ટી ઇનકમ્બન્સી ફેક્ટર તેમની વિરુદ્ધમાં છે. ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળના મતદારોનું હિન્દુ-મુસ્લિમ લાઇન મુજબ ધ્રુવીકરણ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમાં સીએએનો મુદ્દો બહુ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે.

જો હિન્દુ મતદારો ભાજપ ભણી ઢળે અને મુસ્લિમ મતદારો તૃણમૂલ કોંગ્રેસ-ડાબેરી પક્ષો અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ જાય તો ભાજપનો ભગવો રાઇટર્સ બિલ્ડિંગ પર લહેરાઈ શકે છે. ભાજપ દ્વારા જે પદ્ધતિ ગુજરાતમાં અપનાવાઈ હતી તે હવે પશ્ચિમ બંગાળમાં પણ અપનાવાઈ રહી છે. ભાજપને ગ્રાસ રૂટ લેવલથી નવા નેતાઓ તૈયાર કરવાનો સમય ન હોવાથી તે તૃણમૂલના પીઢ નેતાઓને પોતાના તરફ ખેંચી રહ્યો છે. અત્યાર સુધી ૨૦ નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

ભાજપ માટે પશ્ચિમ બંગાળનો જંગ મહત્ત્વનો છે, કારણ કે તેણે ત્રણ બેઠકો પરથી ૧૪૮ પર પહોંચવાનું છે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૪૨ પૈકી ૧૮ બેઠકો મળી હતી, જે ભાજપ માટે વિક્રમ હતો. જો ભાજપ તે સિદ્ધિનું પુનરાવર્તન કરી શકે તો તે ચમત્કાર કરી શકે તેમ છે.

જો કે લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન પસંદ કરવાના હતા, જ્યારે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પસંદ કરવાના છે. જો પશ્ચિમ બંગાળના મતદારો બંગાળની બેટી મમતા બેનરજીને બદલે ગુજરાતી નરેન્દ્ર મોદી પર પસંદગીનો કળશ ઢોળશે તો પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો પલટો આવશે.      

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top