જંબુસર: મહા ઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી આવી છે. સોમવારે તા. 27મી માર્ચની મધરાત્રે પોલીસ કોઈને ખબર ન પડે એ રીતે સીધા બાતમી અનુસારના ઘરે પહોચી જઈને મહાઠગની પત્નીની ધરપકડ કરી હતી. ખાસ કરીને દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા મહા ઠગનો મુદ્દો ચગ્યો હોવા છતાં પણ તેની પત્નીને છેક જંબુસરમાં કોણે આશરો આપ્યો એ પોલીસ માટે તપાસનો વિષય છે.
દેશભરમાં કોઈ પણ ખોફનાક એક્ટીવીટી થાય તો ભરૂચ જિલ્લાનું નામ અચૂક આવે. હાલમાં જ મહાઠગ કિરણ પટેલ સામે છેતરપીંડીના બનાવો બનતા પોલીસ વિભાગે ગાળિયો કસ્યો છે. જો કે મહા ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલે પોલીસથી છુપાવવા માટે પોતીકું મકાન છોડીને બીજી જગ્યાએ છુપાઈ હતી.
જંબુસરમાં સંબંધીના મકાનમાં છુપાઈ હતી
પોલીસ વિભાગ માટે બંનેને પકડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચેને મળેલી માહિતી અનુસાર એક ટીમ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના અમનપુર ખાતે રૂદ્ર બંગલો સોસાયટીમાં ખુદ માલિની પટેલ તેના સગાસંબંધીઓને ત્યાં રહેતી હોવાથી સોમવારે મધરાત્રે પહોચી ગઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ભરૂચ જિલ્લામાં પહોચી ત્યારે સ્થાનિક પોલીસને આવા અણસાર ન હતા.
પોલીસે મધરાત્રે અમનપુર ખાતે આ મકાનમાં પહોચી ગયા હતા. પોલીસ વિભાગે મેળવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે જ્યાં માલિની પટેલ રહ્યા એ તેમના સંબંધી હોવાનું માલુમ પડ્યું છે. જો કે માલિની પટેલ આ મકાનમાં લગભાગ ચારેક દિવસથી અહિયાં રહેતા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
કાશ્મીરમાં PMOના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યોરિટી લઈને ફરતા કિરણ પટેલનાં અનેક કારનામાં બહાર આવ્યાં હતાં. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નવા PMOના અધિકારીની ઓળખ આપી બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. એ મામલે પૂર્વમંત્રીના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ માલિની ફરાર થઇ ગઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે.