સુરત: ફિલ્મોના પ્રમોશન (Promotion of films) માટે કલાકારો દ્વારા નીતનવા અને અનોખા આયોજનો કરવાનો નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. પોતાની ગુજરાતી ફિલ્મ (Gujarati Movie) ‘શુભયાત્રા’નું સુપરસ્ટાર મલ્હાર ઠાકરે (Malhar Thacker) અનોખું જ પ્રમોશન કર્યું હતું. જેમાં મલ્હારે શનિવારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા વિઝા હનુમાન મંદિરે (ચમત્કારિક શ્રી હનુમાન મંદિર) દર્શન કરી પોતાને વિઝા મળી જાય તેની પ્રાર્થના કરી હતી. સાથે ચાહકોને પણ અપીલ કરી કે પોતાને વિઝા મળી જાય તે માટે પ્રાર્થના કરે. આગામી એક સપ્તાહ સુધી આ ‘શુભયાત્રા’ અમદાવાદથી શરૂ થઈને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પણ યોજાશે અને ચાહકોનો પ્રેમ મેળવશે. આ તમે વિડીયો લિંક https://www.instagram.com/p/CrDkKGVo812/ પર જોઈ શકશો.
આ અનોખા પ્રમોશન પાછળની હકીકત એ છે કે, નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘શુભયાત્રા’માં મલ્હાર ઠાકર પોતાના પાત્ર મોહનભાઈ પટેલ જે કોઈ પણ ભોગે અમેરિકા જવા માંગે છે તેના માટે વિઝાની અરજી કરવા વિઝા હનુમાન મંદિરે પહોંચ્યો હતો. આ પ્રસંગે મલ્હારની સાથે એક્ટર હેમિન ત્રિવેદી અને જય ભટ્ટ પણ તેની સાથે હાજર હતા. હનુમાનજીના દર્શન કરતી વખતે ચાહકો પણ તેને જોવા માટે ઉમટી પડ્યાં હતા. મહત્વનું છે કે આ મંદિરને વિઝાની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. લોકો એ મંદિરમાં વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે.
મલ્હારે વિઝા હનુમાનજીના દર્શન કર્યા બાદ કહ્યું હતું, મોહનભાઈને અમેરિકાના વિઝા મળી જાય અને મલ્હારને શુભયાત્રા માટે દર્શકોનો પ્રેમ મળી જાય તે માટે પ્રાર્થના કરવા આવ્યો હતો. આ ફિલ્મ મારા હૃદયની નજીક છે કારણ કે ફિલ્મમાં આખો મારો લૂક તમને અલગ જોવા મળશે, કોમેડીની સાથે ભાવુક કરી દેતા પણ કેટલાંક એવા દ્રશ્યો છે જે એક સમાજને મેસેજ પણ આપી જાય છે. હું દર્શકોને અપીલ કરીશ કે શુભયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, મને વિઝા મળી જવાના છે અને તમારે તમામે મને ઍરપોર્ટ એટલે કે થિયેટર સુધી મૂકવા આવવાનું છે. રસપ્રદ તો એ છે કે આ સમયે ત્યાં હાજર કેટલાંક વૃદ્ધોએ પ્રમોશનને હકીકત માનીને મલ્હાર ઠાકરને વિઝા મળી જાય તે માટે આશીર્વાદ પણ આપ્યા હતાં. 12 એપ્રિલે ‘શુભયાત્રા’નું ઓફિશ્યલ ટ્રેલર રિલીઝ થયું હતું જે સોશ્યલ મીડિયા પર ગણતરીના કલાકોમાં જ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. એક જ દિવસમાં 20 લાખથી વધુ દર્શકોએ ટ્રેલર નિહાળ્યું હતું. ગુજરાત સહિત સાઉથના જાણીતા કલાકારોને ટ્રેલર પસંદ પડ્યું હતું અને ફિલ્મની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટ્રેલરને https://twitter.com/VijaySethuOffl/status/1646460723793473537 અને https://twitter.com/VigneshShivN/status/1646188079450030081 તેમજ https://www.youtube.com/watch?v=6VfQEHBJc0o પર જોઈ શકાશે.
ફિલ્મના મુખ્ય કલાકારમાં મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર છે, જ્યારે સાથી કલાકારોમાં હેમિન ત્રિવેદી, હિતુ કનોડિયા, દર્શન જરીવાલા, ચેતન દહિયા, અર્ચન ત્રિવેદી, જય ભટ્ટ અને મગન લુહાર જેવા અન્ય કલાકારો પણ છે. ફિલ્મનું મ્યુઝિક કેદાર-ભાર્ગવે આપ્યું છે અને ડાયલોગ્સ મનીષ સૈની અને જય ભટ્ટે લખ્યાં છે. ફિલ્મની સૌથી મહત્વની વાત કે સાઉથનું મોટું પ્રોડક્શન હાઉસ ધરાવતું સ્ટાર કપલ નયનતારા અને વિગ્નેશ શિવન પોતાના ‘રાઉડી પિક્ચર્સ’ બેનર હેઠળ આ ફિલ્મ સાથે કો-પ્રોડ્યુસર તરીકે જોડાયા છે. મહત્વનું છે કે નયનતારા સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ છે અને શાહરૂખ ખાન સાથે આગામી ફિલ્મ ‘જવાન’માં લીડ રોલમાં દેખાશે. નયનતારા અને વિગ્નેશ માટે આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને તેમનું કહેવું છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઉજળી તકો છે, અહીં ટેલેન્ટની ભરમાર છે, અમને આ વિષય પર કહાની પણ ગમી હતી એટલે અમે મનીષ સાથે મળીને આ તક અજમાવવા માંગતા હતા.