World

માલદીવનું બંધારણ બદલશે મુઈઝ્ઝુ, ભારતને બતાવી આંખ, ડ્રેગનને મળશે કોન્ટ્રેક્ટ

નવી દિલ્હી: માલદીવમાં (Maldives) ‘ઈન્ડિયા આઉટ’ ના (India out) નારા લગાવનારા ભારત વિરોધી પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ (Mohammed Muizzou) ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. મોહમ્મદ મુઈઝ્ઝુએ માલદીવમાં 93માંથી 68 સીટો મર્ળવી લીધી છે. આ જીત બાદ મોઇઝ્ઝુએ પોતાના ચીન (China) સમર્થિત એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોઈઝ્ઝુ 30 નવા ટાપુઓના બાંધકામના કોન્ટ્રાક્ટ ચીનની કંપનીઓને આપવાની યોજના બનાવી રહ્યા છે.

મુઈઝ્ઝુ 188 વસ્તીવાળા ટાપુઓમાંથી 30 નવા ટાપુઓમાં ચીની કંપનીઓને બાંધકામના કોન્ટ્રાક્ટ આપશે. ચીનની કંપનીઓ અહીં એક હજાર ફ્લેટ બનાવશે. પ્રાપ્ત અહેવાલ મુજબ મુઈઝ્ઝુનું સૌથી મોટું કામ બંધારણમાં ફેરફાર કરવાનું છે. હાલમાં રાષ્ટ્રપતિની સત્તા પર સંસદનું નિયંત્રણ છે. જેમાં ફેરફાર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, મુઈઝ્ઝુ કોઈપણ આદેશને મંજૂર કરવા માટે સંસદમાં ત્રણ-ચતુર્થાંશને બદલે સરળ બહુમતી માટે જોગવાઈ કરશે.

ભારતના વિરોધ સાથે ચીનનો પ્રેમ વધ્યો
લંડન સ્થિત માલદીવના એક પત્રકારના જણાવ્યા અનુસાર મુઈઝ્ઝુએ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભારત વિરોધી નીતિઓ અપનાવી હતી. તેઓ સતત ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતા હતા. હવે ચૂંટણી જીત્યા બાદ માલદીવ ઉપર ભારતનો વધુ વિરોધ કરવાનું દબાણ વધી શકે છે. સાથે જ માલદીવના ચીન સાથેના સંબંધો વધુ વધશે. તેમજ મુઈઝ્ઝુએ ભારતીય સૈનિકોને 10 મે સુધીમાં માલદીવ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાંધકામ વિરોધી અને ભારતના સમર્થક હતા
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ ભારત તરફી હતા. તેઓ નવા ટાપુઓ પર બાંધકામના સખત વિરોધમાં હતા. તેમનું માનવું હતું કે પાણીના સ્તરમાં વધારો થવાને કારણે માલદીવના લોકો વિશ્વના પ્રથમ પર્યાવરણીય શરણાર્થી બની શકે છે. તેમજ બાંધકામ માટે તેમણે ભારત, શ્રીલંકા કે ઓસ્ટ્રેલિયામાં જમીન ખરીદવાની વાત કરી હતી.

વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર 2026 સુધીમાં માલદીવને અંદાજે 9 હજાર કરોડ રૂપિયાનું વિદેશી દેવું ચૂકવવું પડશે. હાલમાં માલદીવ પર 54,186 કરોડ રૂપિયાનું વિદેશી દેવું છે. જેના માટે મુઈઝ્ઝુએ ઈસ્લામિક બોન્ડ દ્વારા 4200 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે.

આ ઈસ્લામિક બોન્ડ તુર્કી અને સાઉદી અરેબિયા પાસેથી ખરીદવામાં આવશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝ્ઝુની તુર્કીની પ્રથમ મુલાકાત હતી. તેમણે તુર્કી પાસેથી સરળ શરતો પર લોન માંગી હતી. એવા અહેવાલ છે કે તે લોન માંગવા માટે મુઇઝ્ઝુ સાઉદી અરેબિયા અને ચીન પણ ગયા હતા.

આ છે માલદીવની ચૂંટણીમાં બેઠકોની સ્થિતિ
21 એપ્રિલે ચૂંટણી બાદ સોમવારે પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુઈઝ્ઝુની નેશનલ પીપલ્સ કોંગ્રેસ પાર્ટી અને તેના ગઠબંધનને 93માંથી 71 બેઠકો મળી હતી. ચીને પણ મુઇઝ્ઝુને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભારત તરફી MDP પાર્ટી ચૂંટણીમાં માત્ર 12 બેઠકો મેળવી શકી હતી. બહુમત માટે 47 થી વધુ સીટોની જરૂર હતી. મોઇઝ્ઝુની જીત બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં મુઈઝુની જીતને ભારત માટે આંચકો ગણાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top