વડોદરા: હિન્દુ ધર્મના દેવી -દેવતાઓ માટે હિન્દુઓની લાગણીઓ દુભાય તેવા જોક્સ બનાવી હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચે તે રીતે કોમેડી શો કરતા મુનાવર ફારુકી નામના હાસ્ય કલાકારનો કાર્યક્રમ ભારે વિરોધનો પગલે રદ કરવામાં આવ્યો છે. આગામી તા. 3જી ઓક્ટોબરે શહેરના આજવારોડ સ્થિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાનાર હતો. જેનો વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને વડોદરા શહેર પોલીસ કમિશ્નરની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ રદ્દ કરવાની રજૂઆત કરાઇ હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા આગેવાન અનિલ જૈનની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો.
મુન્નવર ફરૂકી જે સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. જેના કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરમાં તા.૦૩/૧૦/૨૦૨૧ના રોજ પંડિત દીનદયાળ નગરગૃહ, વડોદરા ખાતે રાખવામાં આવ્યું હતું. મુન્નવર ફરુકી એક વિવાદાસ્પદ કોમેડિયન છે. તેઓ અવાર-નવાર હિન્દુ દેવ-દેવીઓ વિશે અભદ્ર ટીપ્પણી કરતા રહ્યા છે. તેમની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે હિન્દુઓની લાગણી વારંવાર દુભાતી રહી છે. એક ચોક્કસ ધર્મ પ્રત્યેનું નકારાત્મક વલણ બિનસાંપ્રદાયિકતા માટે પણ કલંકરૂપ છે.
આવી વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિનો કાર્યક્રમ સંસ્કારી નગરીમાં યોજાય તો શહેરની સુલેહ શાંતિ ડહોળાય તેવી ભીતિને ધ્યાનમાં રાખી વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા શહેરના અધ્યક્ષ અનિલ જૈન ધ્વારા વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહને રજૂઆત કરી હતી. આથી શહેર ભાજપા અધ્યક્ષ ડો.વિજય શાહે વડોદરા શહેરની શાંતી અને કોમી એખલાસતા જળવાઈ રહે તે ધ્યાને રાખી નગરગૃહની પરવાનગી રદ કરવા મહાનગર સેવાસદન સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલને ભલામણ કરી હતી જેના ફળ સ્વરૂપે પંડિત દીનદયાળ નગરગૃહની પરવાનગીની માંગણી કરનાર સંસ્થાએ પોતે જ કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરેલ છે અને તે સંજોગોમાં સંસ્થા દ્વારા વડોદરા મહાનગર સેવાસદનને પત્ર દ્વારા લેખિત જાણ પણ કરેલ છે.