Comments

માકેને મધપૂડા પર પથરો ફેંકયો?!

સામાન્ય રીતે રાજકીય ઉત્તેજના અને વિવાદની દૃષ્ટિએ ઠંડાગાર ગણાતા અજય માકેને રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ની અધવચ્ચે રાજસ્થાનના પ્રભારી તરીકે રાજીનામું આપી મધપૂડા પર પથ્થર ફેંકયો છે. ‘ભારત જોડો’ યાત્રા રાજસ્થાનમાં પ્રવેશવાની હતી, લગભગ તે જ સમયે માકેને પોતાના તા. ૮મી નવેમ્બરના રાજીનામાની એક અઠવાડિયા પછી જાહેરાત કરી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થાય તે જ અરસામાં!
સૌથી પહેલી પ્રતિક્રિયા મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચીન પાઇલોટ વચ્ચેના ખટરાગના સંદર્ભમાં જ હોઇ શકે. માકેનના મુદ્દામાં આ સમસ્યા પણ છે.

પણ એકલો તે મુદ્દો જ નથી. ગેહલોતને ચાલુ રાખવા માટે કોંગ્રેસ વિધાનસભા પક્ષની તા. ૨૫મી સપ્ટેમ્બરે બોલાવાયેલી સભાનો માકેને રાજીનામાપત્રમાં ઉલ્લેખ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે આ બેઠકનું નિરીક્ષણ કરવા પક્ષની આવેલી કેન્દ્રીય ટીમના નેતા તે સમયના રાજયસભાના નેતા અને પછી કોંગ્રેસના પ્રમુખ બનેલા મલ્લિકાર્જુન ખડગે હતા. ગેહલોતે કોંગ્રેસ વિધાનસભા પક્ષની આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો એટલું જ નહીં પણ સંસદીય બાબતોના પ્રધાન અને પોતાના વિશ્વાસુ શાંતિ ધાલીવાલના ઘરમાં સમાંતર બેઠક ગોઠવી હતી અને ખડગે અને માકેનને આનાથી ખૂબ માઠું લાગ્યું હતું.

એટલે માકેને આજના જમાનામાં રાજકારણમાં દુર્લભ બનતી જતી નૈતિક ભૂમિકા પર રાજીનામું આપ્યું છે પણ તેનાથી વિવાદ થયો છે. પ્રશ્ન એ જાગ્યો છે કે કોંગ્રેસની અને ખડગેની આબરુનું શું? ગેહલોતે વિધાનસભા પક્ષની ઐસી કી તૈસી કરી અને તે ઉપરાંત ગેહલોતની કેબિનેટ કે તેમના સંગઠનના કોઇ સભ્ય નિરીક્ષકોને આવકારવા વિમાની મથકે નહીં ગયા! આ ઘટનાના તત્કાળનો કોઇ પ્રત્યાઘાત નહીં પડયા. પણ પક્ષના મોવડીમંડળે ગેહલોતને ગુજરાતના ચૂંટણી પ્રભારી બનાવ્યા પછી આખો સંદર્ભ જ બદલાઇ ગયો! સમાંતર બેઠક યોજવાના કામમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વિધાનસભામાં મુખ્ય દંડક કોંગ્રેસી નેતા ધાલીવાલ અને રાજયનાં પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ ધર્મેન્દ્ર રાઠોડ સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો મુદ્દો પણ હવાઇ ગયો.

રાજસ્થાનના પ્રભારીપદેથી માકેને આ તબકકે કેમ રાજીનામું આપ્યું એ સવાલ થાય છે. આમ તો તેઓ કોંગ્રેસના વણઉકેલાયેલા પ્રશ્નોથી વાજ આવી ગયા હતા અને ‘ભારત જોડો’ યાત્રા આવતાં તેમણે છેવટે રાજસ્થાનની બાબતોથી છેડો ફાડી નાંખ્યો. રાજસ્થાનમાં સમાંતર બેઠક યોજનાર ત્રણ કોંગ્રેસીઓને એક તરફ મહાસમિતિએ કારણદર્શક નોટિસ આપી તો બીજી તરફ તેમને ‘ભારત જોડો’ યાત્રાના આયોજનમાં સામૈયું કરવાની જવાબદારી સોંપાઇ. રાહુલની પદયાત્રા દરમ્યાન તેમને મળવા જવામાં ગેહલોત સાથે રાઠોડ પણ ગયા હતા. માકેન યાત્રાળુઓની સરભરા કરનાર લોકોથી અળગા જ રહ્યા છે. આ બધું રાજયના પ્રભારીની જાણ બહાર થતું હતું?

માકેને તો રાજીનામાપત્રમાં એવો નિર્દેશ આપ્યો કે, આવાં લોકો સામે માથું ઊંચું રાખી કામ થાય? બીજી તરફ ખડગે પણ રાજસ્થાનમાં જે કંઇ બન્યું કે કડવો ઘૂંટડો સમજી ગળી ગયા? રાજીનામાપત્રમાં માકેને જણાવ્યું છે કે ત્રણ પેઢીથી કોંગ્રેસની વિચારધારાને વરેલો છું અને ૪૦ વર્ષથી કોંગ્રેસના સક્રિય રાજકારણમાં છું અને હું હંમેશાં રાહુલજીનો અનુયાયી રહીશ. મને તેમનામાં શબ્દાતીત વિશ્વાસ છે. કોંગ્રેસના પેઢીઓના યુદ્ધનું તો આ પ્રતિબિંબ નથી ને? પણ તેમનો રાજીનામાપત્ર એવો નિર્દેશ તો આપે છે કે તેઓ કોઇ પક્ષત્યાગ જેવો કોઇ મોટો ધડાકો નથી કરવાના. રાજસ્થાનના મામલામાં મોવડીમંડળ જે રીતે વર્ત્યું તેના પ્રત્યે અસંતોષ છે. મોવડીમંડળની પહેલી અગ્રતા રાજસ્થાન સરકારને સુરક્ષિત કરવાની છે અને ગેહલોતને સાચવવા જોઇએ પણ પરિસ્થિતિની સમતુલા મોવડીમંડળ ચૂકી ગયું અને ગેહલોતના હાથમાં આવી ગયું.

ખડગેએ પક્ષનું સુકાન સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પડકાર છે એ જાણીતું છે. રાજસ્થાનની સમસ્યા ધારણા કરતાં વહેલી આવી. સત્તાની કડકાઇ વગર કંઇ ચાલી ન શકે એ ખડગેને કેમ સમજાયું નહીં? દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજસ્થાનના છાંટા ઊડશે? માકેન દિલ્હીમાં પક્ષના એક વરિષ્ઠ નેતા છે. ચૂંટણીની તૈયારીમાં તેઓ ઠંડા છે એ મોવડીઓને ખબર છે પણ, તેઓ ચોખ્ખા નેતા તરીકે જાણીતા છે અને કોંગ્રેસમાં થયેલું મનદુ:ખ પક્ષને અવળી અસર થશે અને વિરોધીઓને મદદ મળશે. જો કે માકેને બિનસરકારી સંગઠનો અને કામદાર સંઘો સાથે કામ કરવાની ખ્વાહેશ તો બતાવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top