માણેકપોર હાઇવે પર શાકભાજીની આડમાં દારૂનો જથ્થો લઈ જતો ટેમ્પો પલટી ગયો – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

માણેકપોર હાઇવે પર શાકભાજીની આડમાં દારૂનો જથ્થો લઈ જતો ટેમ્પો પલટી ગયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં ને.હા-53 ઉપર શાકભાજી લઈને જઈ રહેલ ટેમ્પો પલટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચતા તે પણ ચોંકી ઊઠી હતી. શાકભાજીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પલટી ગયેલા ટેમ્પોમાંથી શાકભાજીની નીચે સંતાડેલા વિદેશી દારૂની કુલ 1344 નંગ બોટલ મળી આવી હતી. અકસ્માત બાદ ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે કુલ રૂ.3,14,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારાથી બારડોલી જતાં ને.હા-53 ઉપર માણેકપોર ગામની સીમમાં ગુરુકૃપા હોટલની સામે સોમવારે વહેલી સવારે શાકભાજી ભરેલો છોટા હાથી ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માત સર્જાતાં ચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. ટેમ્પોમાં ભરેલું શાકભાજી રોડ ઉપર વેરવિખેર થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બારડોલી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પરંતુ તે પણ ચોંકી ઊઠી હતી.

પલટી ગયેલો છોટા હાથી ટેમ્પા નં.(જીજે-19-યુ-0773)માં ભરેલો શાકભાજીનો જથ્થો હટાવતાં જ તેમાંથી 28 પૂઠાનાં બોક્સ મળી આવ્યાં હતાં. તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 1344 કિંમત રૂ. 1,34,400નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અકસ્માતમાં વિદેશી દારૂની કેટલીક બોટલો ફૂટી ગઈ હતી. પોલીસે વિદેશી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ રૂ, 3,14,400નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top