Charchapatra

વર્ષાઋતુમાં જળસંચય ફરજિયાત કરો

આકાશમાંથી વરસતા વરસાદી પાણીનો યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબદ્ધ થવાની જરૂર છે. આપણા દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને વહી ન જવા દેવાય તો એક જ વરસાદ સમગ્ર ભારતને એક વર્ષ સુધી મલબખ પાણી આપી શકે તેમ છે. આપણી જળ વ્યવસ્થાની કેટલીક પરંપરાગત પદ્ધતિઓ છે. તેને વિકસાવવાની જરૂર છે. જળ સંગ્રહમાં કોઈ મોટી મૂડીરોકાણની પણ જરૂર પડતી નથી. બાવીસ વર્ષ અગાઉ મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના સમાહર્તાએ આ દિશામાં પહેલ કરી.

રાજસ્થાન સરકારે પણ ૨૦૦૦ની સાલમાં સરકારી મકાનો, સ્થાનિક સંસ્થાઓની ઈમારતો અને શહેરી વિસ્તારોમાં પાંચસો ચો.મી. સુધીનો પ્લોટ ધરાવતી તમામ સંસ્થાઓ માટે વરસાદના પાણીના સંચયની વ્યવસ્થા કરવાનું ફરજિયાત બનાવવાનું સ્તુત્ય પગલું ભર્યું હતું. મકાનોની અગાસીમાંથી વહી જતા વરસાદી પાણીને પાઈપ દ્વારા ટાંકામા લઈ જવાની વ્યવસ્થાના આદેશો પણ અપાયા હતા. આવા ટાંકા ૧૫થી ૨૦ ફૂટ ઊંડા કૂવા સાથે જોડાયેલા હોઈ ભૂર્ગભમાં પાણીના સ્તરને ઊંચું લાવવાનું પણ શક્ય બનાવે છે. આવી યોજના દેશના તમામ રાજ્યોમાં અમલી બનાવવાની તાતી જરૂર છે. ગુજરાતમાં એક દંપતી દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ – સંચય કરી આખા વર્ષના પાણીનો પ્રશ્ન હલ કર્યો હોવાના સમાચાર ૨૦૦૨ની સાલમાં અખબારોને પાને ચમકયા હતા.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તુમ્હારા ખૂન હે ખૂન, હમારા ખૂન પાની હે
દિલીપકુમાર સાહેબની એક ખૂબ જૂની ફિલ્મ યહૂદીમાં એક દ્રશ્ય છે અને એમાં ઉપર મુજબનો એક ડાયલોગ છે. આ ડાયલોગ તારીખ ત્રીસમી ઓગસ્ટના ગુજરાતમિત્ર દૈનિકના છેલ્લા પાના પર છપાયેલા એક  સમાચાર વાંચીને યાદ આવી ગયો. સમાચાર એવાં છે કે સુરત, સારોલીમાં રાધારમણ માર્કેટમાં પાંચમા માળેથી પાંચ મજૂરો પટકાતાં બેના મોત થયા અને એક ગંભીર હતો. આપણે, આપણી આજુબાજુ મોટાં મોટાં લાખો કરોડોના કૉમ્પ્લેક્સ બનતાં જોઈએ છીએ પણ આ કૉમ્પ્લેક્સ બનાવતાં મજૂરો ઘણી વખત આપણને દેખાતા નથી. પોતાના પરિવાર માટે અને પોતાનું પેટીયું રળવા માટે રોજના પાંચસો કે સાતસો રૂપિયાના રોજ પર કામ કરતા મજૂરો ઘણી વખત જીવના જોખમે કામ કરતાં જોયા છે. પાંચમા કે સાતમા માળ પર કે મહાકાય બિલ્ડિંગની બહારની બાજુ પર કે બ્રિજ પર કોઈ પણ જાતની સેફ્ટી વગર આવાં લોકોને જોઉં છું ત્યારે કંપારી છૂટી જાય છે. આવાં લોકો માટે પૂરતી સલામતીની જોગવાઈ થાય એવી અપેક્ષા રાખીએ.
નવસારી – ઇન્તેખાબ અનસારી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top