Comments

રાજ્યના શિક્ષણમાં માટીની મહેક ભળે તેવું કરો

માનભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, મેડમ મોન્ટેસરી….. આ બધાં નામો જાણો છો? નથી જાણતાં? વાંધો નહીં! હવે સરકારના શિક્ષણ વિભાગને પણ આ નામ ભૂલાતાં જાય છે. હમણાં જ રજૂ થયેલા ગુજરાત સરકારના બજેટમાં ‘‘સ્કૂલ ઓફ એક્સલન્સ’’ નો નવો પ્રોગ્રામ રજૂ થયો છે અને તે માટે કરોડો રૂપિયા ફળવાયા છે. જો કે આ મોડલસ્કૂલ કેબ્રિજ યુનિવ્રસિટીના કોર્સ મુજબ ચાલવાની છે. ગુજરાતમાં શિક્ષણ સુધારવા માટેના તમામ મોડલમાં આપણને વિદેશી યુનિવર્સિટી જ સારી લાગે છે. એમાંય આ કેબ્રિજ યુનિવર્સિટી સાથે આપણા શિક્ષણ વિભાગને કોઈ અજીબ નાતો છે.

આ પહેલાં પણ ગુજરાતના સરકારી, ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમની શાળાના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં કૌશલ્ય વિકસાવે તે માટે એક કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. અંગ્રેજીના સઘન અભ્યાસ માટે ‘લેંગ્વેજલેબ’ દરેક શાળા- કોલેજમાં ખોલવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ‘‘અંગ્રેજી કૌશલ્ય વર્ધન’’ના અજીબ હેતુ સાથે ‘ફી’ પણ ઉઘરાવી લેવાતી હતી. હવે દસેક વર્ષ પછી આ વિદ્યાર્થીઓ શોધો જેમનું અંગ્રેજી ખૂબ સરસ થયું હોય! સરકારે જાગૃત થવાની જરૂર છે. ગુજરાતમાં રાજકીય નેતાગીરીએ અધિકારીઓને પૂછવાની ટેવ પાડવા જેવી છે કે તમે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પાયાનાં મૂલ્યો અને ગુજરાતમાં શિક્ષણ-કેળવણીના તજજ્ઞો સાથે બેસીને યોજનાઓ ક્યારે ઘડશો? કે પછી માત્ર નાણાં ફાળવણી વાજબી કરવા મોટાં મોટાં નામ જ આપશો?

ગુજરાતના પ્રાથમિક શિક્ષણનો વિચાર કરવાનો હોય તો ગિજુભાઈ બધેકા, મનુભાઈ પંચોળી, સવાયા ગુજરાતી કાકાસાહેબ કાલેલકર, માનભાઈ ભટ્ટ(ભાવનગર) જેવા અનેક કેળવણીકારોનું સાહિત્ય ઉપલબ્ધ છે. બહુ દૂર શોધવા ન જવું હોય તો વિદ્યાભારતીના જ ઈન્દુમતિ કાટકરેનાં લખાણો વાંચો. મૂળમાં ગુજરાતી કેળવણીકારોને પૂછો કે ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં શું ખૂટે છે! આજે સરકારના અવનવા પ્રયોગોને કારણે કે અધિકારી આધીન શિક્ષણ ક્ષેત્રને કારણે પણ સત્ય એ છે કે સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે. વળી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાના ‘દિલ્હી સ્કૂલ મોડેલ’ની ખ્યાતિ દેશભરમાં વધવા લાગી છે. એટલે રાજકીય સ્પર્ધા તરીકે પણ દરેક સરકારોને એમ બતાવવું છે કે અમે પણ અમારા રાજ્યમાં શિક્ષણ વધાર્યું! નવા પ્રયોગો કર્યા! પણ આ નવું કરવાની લ્હાયમાં માત્ર નાણાં ફાળવણી થાય છે. મોટા પાયે સાધનો ખરીદાય છે અને પછી ધૂળ ખાતાં પડ્યાં રહે છે. કારણ ન એનું મેન્ટેનન્સ છે! ન એ ચલાવનાર છે!

હજુ થોડાં વર્ષો પહેલાં જ ગુજરાતમાં મહાનગરોમાં મરાઠી શાળા હતી, હિન્દી શાળા હતી, ઉર્દૂ શાળા હતી. કારણ પ્રાથમિક શાળા માતૃભાષામાં જ હોય એમ દ્રઢપણે સરકાર માનતી હતી. એટલે બીજા રાજ્યમાંથી મોટી સંખ્યામાં ગુજરાત આવેલાં પરિવારોનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ વાજબી ભાવે મળી રહે, તેની માતૃભાષામાં મળી રહે તેનો વિચાર થતો. હવે ખાનગી પ્રાથમિક શાળાનો વધતો મોહ અને અંગ્રેજી માધ્યમના આકર્ષણે તમામ પ્રાદેશિક ભાષાઓ સામે પ્રશ્નો ઊભા કર્યા છે. વળી ગુજરાતમાં એક બીજો પ્રશ્ન અધિકારિક સ્થાનો પર બિરાજમાન બિનગુજરાતી અધિકારીઓનો પણ છે! પહેલાં આ પરિબળ અગત્યનું ન હતું પણ છેલ્લાં વર્ષોમાં ભાષા માટેની સરકારી નિસ્બત ઓછી થવામાં આ મુદ્દો પણ બળવાન બનતો જાય છે! હજુ ગયા વર્ષે જ ઝવેરચંદ મેઘાણીના ભાગ રૂપે સરકારી કાર્યક્રમોની નાણાં ફાળવણી કરનારા અગ્રણી અધિકારીશ્રીને શ્રી મેઘાણી વિષે માહિતી ન હતી.

તેઓ માત્ર ‘‘સરકારી કાર્યક્રમો’’ કરતા હતા! ગુજરાતમાં સરકારે જાગવાની જરૂર છે. વહીવટીય અધીકારીઓના ભરોસે આખું તંત્ર છોડવું યોગ્ય નથી. ખાસ તો શિક્ષણમાં માટીની મહેક રહે, શિક્ષણનાં મૂલ્યો જળવાય અને રાજકીય પક્ષોની સ્પર્ધામાં વેપારીઓ ફાવી ન જાય તે જોવાની જરૂર છે. શાળા કોલેજોમાં કોમ્પ્યુટર્સની ખરીદી, વીડિયો પ્રોજેક્ટરની ખરીદી, જુદા જુદા સોફ્ટવેરની ખરીદી. આ બધું જ અંતે તો ‘‘સહાયક’’ છે. મુખ્ય તો છે ‘‘શિક્ષણ’’ અને ‘‘શિક્ષક.’’ આપણે વૈશ્વિક થવા માંગતા હોઈએ તો ‘ફીનલેન્ડ’ના શિક્ષણ મોડલનો અભ્યાસ કરવો જોઈએ, ઈંગ્લેન્ડના પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો જોઈએ, આપણે મેડમ મોન્ટસરીના વ્યવહારુ શિક્ષણના નિયમો સ્વીકાર્ય જ હતા. પણ મૂછળી મા ગિજુભાઈ બધેકા પણ ન ભૂલવા જોઈએ! ટૂંકમાં વિદેશી એજન્સીઓ અને દેશની વેપારી એજન્સીઓને શિક્ષણ સુધારણાના કોન્ટ્રાક્ટ આપીને નાણાં ફાળવી દેવાથી શિક્ષણમાં મૂળભૂત ફેર નહીં પડે! ‘‘શિક્ષણ સુધર્યું’’ એ પ્રચારથી સાબિત ન થાય, પ્રજાને અનુભવ થવો જોઈએ!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top