આજકાલ ઘરો-ફલેટ નાનાં થતાં જાય છે એટલે મોટા-ખુલ્લા કિચનની અપેક્ષા ન રાખી શકાય પરંતુ સ્માર્ટ ડિઝાઈન અને સ્પેસ મેનેજમેન્ટ દ્વારા એને બહેતર લુક આપી શકાય છે. એ માટે તમારે કંઈ ખાસ કરવાની પણ જરૂર નથી. થોડી કલ્પનાશીલતા અને સૂઝબૂઝની જરૂર છે. પછી જુઓ તમારું નાનું સરખું રસોડું પણ કેવું સ્પેશ્યસ, સ્ટોરેજ ફ્રેન્ડલી અને સુવિધાજનક બની જાય છે. કિચન નાનું હોય કે મોટું એ સુંદર દેખાવા સાથે ફંકશનલ એટલે કે સુવિધાજનક પણ હોવું જોઈએ. નાનાં ઘરોમાં જગ્યા મુજબ U શેપ, L શેપ કે વન વોલ કિચન બનાવી શકાય છે. કિચનનો શેપ ગમે તે હોય રસોડાની ત્રણ મુખ્ય વસ્તુ- ગેસસ્ટવ, સિન્ક અને ફ્રીઝ ત્રિકોણના ત્રણ ખૂણાની જેમ એકબીજાની સાથે હોવા જોઈએ વન વોલ કિચનમાં આ કદાચ શક્ય ન પણ બને.
- – નાના રસોડા માટે હંમેશાં લાઈટ કલર પસંદ કરો. પછી એ દીવાલ પર રંગ કરાવવાનો હોય કે કિચન કેબિનેટ્સ માટે લેમિનેટ્સની પસંદગી. જો ડાર્ક કલર પસંદ કરવા ઈચ્છતાં હો તો કેબિનેટ્સ કોન્ટ્રાસ્ટ કલરની કરાવો. એમાં એક કલર લાઈટ અને બીજો ડાર્ક હોવો જોઈએ. કોન્ટ્રાસ્ટ માટે કદી પણ બેથી વધુ કલર પસંદ ન કરો. વધારે રંગોથી કિચન નાનું દેખાય છે.
સ્ટોરેજ માટે ફ્લોર ટુ સીલિંગ કેબિનેટ્સ બનાવો. જો કિચન L શેપનું હોય તો એમાં કોર્નર યુનિટ કરાવો. જેથી સ્પેસનો યોગ્ય ઉપયોગ કરી શકાય.
કેબિનેટ્સને બે ભાગમાં વહેંચી ફ્લોરથી સીલિંગ સુધી કેબિનેટ્સ બનાવી શકાય. એક કાઉન્ટરની ઉપર અને બીજી કાઉન્ટરની નીચે. કાઉન્ટરની ઉપરની કેબિનેટ્સના દરવાજા બહારની તરફ ખૂલતાં કરાવી શકાય. જ્યારે કાઉન્ટરની નીચેની કેબિનેટ્સમાં સ્લાઈડિંગ ડોર કરાવવા જોઈએ. - જો રસોડું ચોરસ હોય તો કોઈ એક દીવાલ પર કોન્ટ્રાસ્ટ ટાઈલ્સ લગાડીને કિચનને અલગ લુક આપી શકાય છે. દા.ત. ગ્રે લુકવાળા કિચનની કોઈ એક દીવાલ પર બ્લૂ ટાઈલ્સ લગાડીને એને અલગ લુક આપી શકાય છે.
- નાના કિચનમાં સફેદ માર્બલ કે વ્હાઈટ કાઉન્ટર ટોપ લગાડો. એનાથી રસોડું મોટું લાગશે.
- કિચનને મોટો- ખુલ્લો લુક આપવા માટે કોઈ એક દીવાલ પર મોટી વિન્ડો કરાવો. એનાથી કિચનમાં કુદરતી પ્રકાશ આવશે જે સકારાત્મક ઊર્જા વધારશે.
- મોટા અને સ્માર્ટ લુક માટે નાનીને બદલે મોટી સાઈઝ અને લાઈટ કલરની ટાઈલ્સ લગાડો. જો પેન્ટ કરાવતાં હો તો ઓલ વ્હાઈટ લુકને પ્રાથમિકતા આપો. હોરિઝોન્ટલને બદલે વર્ટિકલ લુક આપતું ડેકોર પસંદ કરો.
- કાઉન્ટર પર બહુ વસ્તુઓનો જમેલો હોય તો ખરાબ લાગે છે એટલે વારંવાર ઉપયોગમાં આવતી વસ્તુઓ વોલ હેન્ગર પર લટકાવવાની વ્યવસ્થા કરો. માર્કેટમાં એકથી એક ચઢિયાતાં ડિઝાઈનર હુક અને સ્માર્ટ હેંગર મળે છે. તમે તમારા બજેટ અને પસંદ મુજબ ડિઝાઈન પસંદ કરી શકો.
- તેલ-મસાલા વગેરે વસ્તુઓ રાખવા માટે કાઉન્ટરની નીચે એક પુલઆઉટ ટ્રોલી રાખો. એનાથી કિચન કાઉન્ટર સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાશે.
- કિચનમાં પ્રોફાઈલ લાઈટ કે સ્પોટ લાઈટ જરૂર મુકાવો. એનાથી કામ કરતી વખતે સરળતા રહેશે.
- જો ઓપન કિચન હોય તો દીવાલો પર લિવિંગ રૂમ જેવો અથવા એને મેચ થતો કલર કરાવો. એનાથી ઘરના ઈન્ટીરિયરમાં એકરૂપતા જળવાઈ રહે છે.
- સ્માર્ટ લુક માટે એક મોટા સિન્કને બદલે બે નાના સિન્ક રાખો. જેથી બે વ્યક્તિઓએ સાથે કામ કરવું હોય તો મુશ્કેલી પડે નહીં.
- હાઉસકિપિંગ માટેની વસ્તુઓ રાખવા માટે સિન્કની નીચે હિડન કેબિનેટ્સ કરાવો.
- કુલ લુક માટે કિચન કેબિનેટ્સ પર વ્હાઈટ કે લાઈટ લેમિનેટ્સ કરાવો. શક્ય હોય તો વ્હાઈટ કાઉન્ટર ટોપ રાખો જેથી કિચન મોટું લાગે.
- નાના કિચનમાં એપ્લાયન્સીસ મૂકવાની તકલીફ પડે છે. આ સમસ્યાનો ઉકેલ એપ્લાયન્સીસનાં ઈન બિલ્ટ મોડેલમાં છે. ઈન બિલ્ટ મોડેલ્સમાં ઓવન, માઈક્રોવેવ, ફ્રીઝ જેવા એપ્લાયન્સીસ કેબિનેટ્સ સાથે જ હોય છે અને એ કિચનના બેઝિક સ્ટ્રક્ચરનો જ ભાગ દેખાય છે.
- કોઈ દીવાલ કે ખૂણામાં મીની હર્બ ગાર્ડનનું રૂપ આપી કિચનમાં તાજગીનો અહેસાસ કરાવો. એ શક્ય ન હોય તો વિન્ડો પાસે ઓછામાં ઓછો એક ગ્રીન પ્લાન્ટ રાખો.
- જો તમારા ઘરમાં ઓપન કિચન હોય તો એમાં આઈલેન્ડ કે પેનિનસુલા (બ્રેકફાસ્ટ કાઉન્ટર) બનાવી શકાય. આઈલેન્ડ કિચનનો એક અલગ ભાગ હોય છે. જ્યારે પેનિનસુલા કિચનના સ્લેબ સાથે જ જોડાયેલો હોય છે. બંનેનો ઉપયોગ ખાવાનું ખાવા માટે કરી શકાય છે.