એક પુરાતન હવેલીની સામે રીમા રહેતી. એની યુવાન આંખોમાં સપના હતા. “આર્કિટેક્ટ”બનીને દુનિયાની સૌથી અનોખી બિલ્ડિંગ બનાવવાના… પણ મુશ્કેલી એ હતી કે તેની પાસે અભ્યાસ માટે પૈસા ન હતા. દરરોજ હવેલીની સામે ઓટલા પર બેસીને તે પોતાની સ્કેચબુકમાં ઇમારતોના રેખાંકનો દોરતી -બિલ્ડિંગ, છત, બાલ્કની… પણ ક્યારેય પગથિયા દોરતી નહિ. રીમા જેટલા ચિત્રો દોરતી બધા ઈમારતોના જ ચિત્ર દોરતી… ડિઝાઇન જુદી જુદી પણ એક સમાનતા કોઈપણ ઈમારતના ચિત્રમાં પગથિયાં ન દોરેલા હોય. એક વાર રીમા ઈમારતનું ચિત્ર દોરી રહી હતી.
ત્યારે ત્યાંથી શિક્ષક પસાર થયા અને રીમાની ચિત્રકારી જોઈને બોલ્યા: “રીમા તું બહુ સુંદર ચિત્રો દોરે છે…’ આટલું કહી શિક્ષકે તેની સ્કેચબુક માંગી અને બધા ચિત્ર જોયા. બધા ચિત્ર જોઈ શિક્ષકે પૂછ્યું, ‘રીમા,તે બહુ સુંદર ચિત્ર દોર્યા છે પણ કોઈ પણ ઈમારતના પગથિયા શા માટે નથી દોર્યા?” રીમાએ સુંદર જવાબ આપતા કહ્યું: “કારણ કે હું માનું છું, જેને ઊંચાઈ પર જવું હોય, તેણે પોતાના પગથિયા પોતે બનાવવા પડે. હું હજુ એ બનાવી રહી છું. મારા સપનાને પૂરા કરવા માટે હું એક એક પગથિયું બનાવીશ અને આગળ વધીશ.” શિક્ષક જવાબ સાંભળી ખુશ થયા અને બોલ્યા,’ રીમા તારી આ સમજ અને કટિબદ્ધતા તને ચોક્કસ ઊંચાઈ પર પહોંચાડશે. જીવનમાં આગળ વધવા પગથિયા જાતે બનાવો અને જાતમહેનતે આગળ વધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.