એક દિવસ ગુરુજીએ શિષ્યોને મહાભારતના યુદ્ધની કથા કહેવાની શરૂઆત કરી. બધા શિષ્યોને થયું કે આ આખી કથા અમને ખબર છે તો પછી ગુરુજી આજે કંઈ નવું શીખવવાને સ્થાને ફરી પાછી આ બધાને ખબર છે તે કથા શું કામ કહી રહ્યા છે. ગુરુજી કથા કહેતાં કહેતાં, દુર્યોધન અને અર્જુન ભગવાન કૃષ્ણ પાસે મદદ માંગવા જાય છે અને કૃષ્ણ વિશ્રામમાં છે ત્યારે રાહ જોતાં અર્જુન ભગવાનના` પગ પાસે અને દુર્યોધન તેમના શિશ પાસે બેસે છે તે પ્રસંગ પર પહોંચ્યા.
ભગવાન કૃષ્ણ આંખો ખોલે છે અને તેઓ પહેલાં અર્જુનને જુએ છે અને પછી દુર્યોધનને. એટલે તેઓ અર્જુનને પહેલાં પોતાની વાત કહેવા કહે છે પછી દુર્યોધનને. બંને જણ મદદ માંગે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મારી પાસે મારી નારાયણી સેના છે અને બીજી તરફ હું છું પણ હું શસ્ત્ર ઉઠાવી લડવાનો નથી. હવે તમે નક્કી કરો, કોને શું જોઈએ છે; મેં પહેલાં અર્જુનને જોયો છે એટલે પહેલાં અર્જુન માંગી શકે છે કે તેને શું જોઈએ છે.
દુર્યોધનના મનમાં ડર લાગ્યો કે હમણાં અર્જુન અજેય નારાયણી સેના માંગી લેશે…પણ અર્જુને માંગ્યા ‘કૃષ્ણને’…દુર્યોધનને હાશ થઇ અને ભગવાન મરક મરક હસ્યા. દુર્યોધને વિદાય લીધી અને ભગવાને અર્જુનની મજાક કરતાં કહ્યું, ‘મૂર્ખ, તારો ભાઈ આખી સેના લઇ ગયો …તું મને સાથે રાખીને શું કરીશ?” અર્જુને પ્રણામ કરી કહ્યું, ‘મધુસૂદન મારે તમને પસંદ કરવાના હતા તે મેં કરી લીધા અને મને ખબર છે હવે તો જે કરવાનું હશે તે તમે જ કરશો!’ કૃષ્ણ હસ્યા અને અર્જુનને ભેટી પડ્યા. આ પ્રસંગ કહીને ગુરુજી અટક્યા અને બોલ્યા, ‘આજની મારી શીખ આ પ્રસંગમાંથી સમજવાની છે.’ આ સાંભળી બધા શિષ્યો સજાગ થઈ ગયા અને તેમને ગુરુજીનું મહાભારતની કથા કહેવાનું કારણ સમજાયું.
ગુરુજી બોલ્યા, ‘આ પ્રસંગમાં અર્જુને યુદ્ધ શરૂ થવા પહેલાં એક સૌથી સાચો અને સારો નિર્ણય લીધો કે મને ભગવાન શ્રીકૃષ્ણ જોઈએ છે અને આ એક નિર્ણય લીધા બાદ તે નચિંત થઈ ગયો કારણ કે આગળ બધા જ નિર્ણયો ભગવાન કૃષ્ણે લીધા. એટલે આજે મારે તમને શિખવાડવાનું છે કે તમારો પહેલો એક નિર્ણય એકદમ સાચો અને અચૂક હોવો જોઈએ. કોઇપણ બાબતની શરૂઆત પર બરાબર ધ્યાન આપવું અને સમજી વિચારીને પહેલો નિર્ણય લેવો. બીજી શીખ છે કે જરૂર પડે તો મદદ માંગવી પણ ક્યાંય પણ મદદ માંગવા જાવ ત્યારે એકદમ નમ્ર રહેવું. ત્રીજી શીખ છે કે બીજાને ભલે ખોટો લાગે પણ આપણને આપણો અંતરાત્મા જે કહે તે જ નિર્ણય લેવો. નિર્ણય લેતાં પહેલાં બધાં જ પાસાંનો વિચાર અચૂક કરવો.’ગુરુજીએ ઘણી મૂલ્યવાન શીખ આપી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.