નદી સંગમ અને સમુદ્રસંગમ તો જગજાહેર છે, પણ રેતીનાં રણોના સંગમની ચર્ચા ભાગ્યેજ થાય છે. કચ્છનું રણ ખારોપાટ, સફેદ, નમકીન રણ તરીકે જાણીતું છે. રાજસ્થાનનું રણ રેતીનું, રેતીના અસંખ્ય ઢગલાઓનું રણ છે, તેની સાથે લુણી નદીનો સંગમ પણ થાય છે. માવસરી ગામ નજીક સફેદ અને રેતાળ રણનો કુદરતી સંગમ રોમાંચક બની રહે છે. કચ્છના સફેદ રણનું રાજસ્થાનના રણના રેતીના ઢગલા પર જાણે આક્રમણ થતું હોય અને તે ઉપર ચઢી રહ્યું હોય એવું દૃશ્ય ખરેખર મનોરંજક બની રહે છે.
નદીઓના સંગમમાં તો બંને બાજુ પાણી હોય, સમુદ્ર સંગમમાંયે સમુદ્રનાં મોજા સાથે પાણી હોય અને તેમાં નદીનું પાણી ભળી જાય પણ અહીં તો પૂર્વથી આવતું રાજસ્થાનનું રણ, કચ્છના રણ સાથે બાથ ભીડી જાણે તેને આગળ નહીં આવવા દેવાં માંગતું હોય એવું લાગે. નમકીન રણમાં ક્ષારના આક્રમણની પ્રક્રિયા અહીં નજરોનજર દેખાય છે. રેતીના ઢગલા પાણીથી પલળેલા હોય એવું લાગે છે, એની સપાટી પર અનેક છિદ્રોમાંથી દરિયાઈ ક્ષાર પરપોટા રૂપે બહાર ફૂટી પથરાઈ જતાં કપાસનાં પૂમડાં જેવા લાગે છે. અહીં કચ્છનું રણ, રાજસ્થાન અને પાકિસ્તાનનું થરનું રણ એકમેકને મળે છે.
લુણી અહીં નદી-સાગર સંગમ પણ બને છે. કાળક્રમે સક્રિય ફોલ્ટલાઈનને અનુલક્ષીને સમગ્ર ભાગ સમુદ્રની સપાટીથી ચારપાંચ મીટર ઊંચો હોવાથી ઉત્તરની નદીઓએ રણમાં થઈને પોતાનો માર્ગ કાઢેલો તેથી આ રણમાં શક્તિ બેટ, કરીમ શાહી, જેવા બેટઝોન બન્યા. આ બધા બેટ થરના રણની રેતી અને તીવ્ર ભેદ રેખા સર્જાઈ. જેમ હિમાલયની બે ટેકરીઓ વચ્ચે બરફનો ગ્લેશિયર હોય તેમ અહીં જાણે રેતીના ગ્લેશિયર દેખાય છે. ભૌગોલિક અને ભૂસ્તરીય રીતે અતિ મહત્વનું આ સ્થળ છે. સરહદના સમગ્ર તથા પ્રવાસન ક્ષેત્રે વિકાસની ઘણી શક્યતા છે. અપેક્ષા છે કે સાચી દિશામાં આયોજન થાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.