રાજકોટની હોનારતને પગલે ઠેરઠેર ફાયર સેફટી અને અન્ય સુરક્ષા ધોરણની આકરી તપાસ ચાલે છે! એ કામગીરી ચાલુ રાખો અને સુરક્ષાની દૃષ્ટિએ વર્ષોથી ઉપેક્ષિત ભરચક વિસ્તાર ચૌટાબજાર પર ખાસ ધ્યાન આપો! દુકાનદારો અને કેટલાક રાજકારણીઓની મિલીભગતથી આખા ચૌટાબજારમાં રસ્તા રોકાણ ભયંકર હદે થાય છે! કેટલીક વાર દર્દી મરી જાય છતાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. બહુ જૂની ફરિયાદ છે. ખપાટિયા ચકલાથી છેક વિઠ્ઠલવાડી ચાર રસ્તા સુધી ભયંકર હદે રસ્તા રોકાણ થાય છે અને સાયકલ પણ પસાર ન થઈ શકે એવી સ્થિતિ સર્જાય છે.
આખા ચૌટાબજારમાં ચા-નાસ્તાની અનેક લારીઓ રસ્તા પર જોખમી રીતે ધંધો કરે છે અને તેના ગેસના સિલિન્ડર પણ સુરક્ષિત નથી હોતા!! ભારતીય જનતા પક્ષની સરકારની હવે જવાબદારી વધે છે કારણ કે નવા પરિણામ પછી આતંકવાદીઓ કે ભારતવિરોધીઓ ગેલમાં આવી ગયા હોય એ શક્યતા હોઈ શકે ચૌટાબજાર, ઝાંપાબજાર , ભાગળ, નવસારી બજાર, ગોપીપુરા – હનુમાન ચાર રસ્તા વગેરે વિસ્તારો પર ચાંપતી નજર રાખી સુરક્ષાવ્યવસ્થા વધારવાની જરૂર છે! જીવલેણ હદે થતું રસ્તા રોકાણ કાયમ માટે નાબૂદ કરી જનતાની સુરક્ષા વધારવાની જરૂર છે અને ભારતીય જનતા પક્ષમાં લોકોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાની પણ જરૂર છે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રુગ્ણ મનનું પ્રતિબિંબ
૬૦ વર્ષોમાં નહોતું થયું તે ૧૦ વર્ષમાં ભારતમાં થયું, ભારતમાં જોયું, ભારતમાં અનુભવ્યું. કેટલાંક લોકો કહે છે, મોદીભક્તો અંધ છે. તે રીતે મોદીવિરોધીઓ પણ અંધ છે, જેમને સારું કશું દેખાતું નથી યા સારું પસંદ નથી કે જોવા માંગતાં નથી. છાણના કીડાને તો છાણ જ વહાલું હોય ને. મોદી તરફે આટલો તેજોદ્વેષ?! બાવો છે, કાલે ઊઠીને બધું ત્યજીય દે. એક ગુજરાતી હોવાનું આપણને ગૌરવ ઘટે. તેનાથી વિપરીત મોદીજી પર ટીકાની ઝડી વરસાવવામાં આપણને વિકૃત આનંદ આવે છે. ગણ્યાગાંઠયા ગુજરાતીઓએ જગ આખે દેશનો પરચમ લહેરાવ્યો; ગાંધીજી, વલ્લભભાઈ, મોરારજી દેસાઇ, મોદીજી અને અમિત શાહ.
વધુમાં રાગાને વહાલા અદાણી અને અંબાણી. ‘મોદી લહેર’ની સામે કેટલું મલિન રાજકારણ ખેલાયું છે તે તો જાણો જ છો ને? આ દેશની જનતાને સારું કશું ખપતું નથી. ગંદકીનું સામ્રાજ્ય ચાલશે. બળાત્કાર-ખૂન-ધાડ-કોમી હુલ્લડો ચાલશે. ચંદ્ર શી સડકો ચાલશે. સામાન્ય પ્રકારનાં એરપોર્ટ્સ ચાલશે. રેલવે સ્ટેશનો પર ગંદકી અને દુર્ગંધનું રાજ ચાલશે. તમામ અરાજકતાઓ ચાલશે, પણ મોદીજીનો વિકાસ અમને મંજૂર નથી. આ કેવળ રુગ્ણ મનનું પ્રતિબિંબ છે.
બારડોલી – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.