ઉનાળુ વેકેશન પ્રારંભ થવાની સાથે જ કેટલીક મમ્મીઓ ટેન્શનમાં આવી જતી જોવા મળે છે. ખાસ કરીને બાળક પણ વેકેશન હોવાને કારણે સ્માર્ટ મોબાઈલની જીદે ચડે છે. બાળક જ્યારે શાળાએ જતું હોય ત્યારે મમ્મી પોતે આરામથી સોશિયલ મીડિયા પાછળ સારો એવો સમય ફાળવી શકે છે જેના પર સંતાનના વેકેશનને પરિણામે હવે કાપ મુકવાનો હોવાથી મમ્મીઓ ચિંતિત રહે છે. મમ્મીઓએ ખરેખર તો ખૂબ જ ખુશ થવાની જરૂર એટલા માટે છે કે એ પોતાના સંતાનને ક્વોલિટી સમય વધુ આપી શકે છે. એની સાથે અનેકવિધ રમતો રમીને પોતાનું ખોવાયેલું બાળપણ પાછું લાવી શકે છે. પોતાના સંતાનને બોધ મળે એવી મનગમતી વાર્તા કહી શકાય છે.
બાળકોમાં વાંચનની હેબિટ પાડી શકાય. તેમને બાગમાં, દરિયાકિનારે, જંગલમાં ફરવા લઈ જઈ નેચર તરફ વાળી શકાય છે. મોબાઇલના વિશ્વની બહાર પણ ખૂબ જ મોટું વાસ્તવિક વિશ્વ છે એનો પરિચય એને કરાવવો જોઈએ. પોતાના બાળકને જો ડ્રોઈંગ, સંગીત, નૃત્ય, કરાટે વગેરેનો શોખ હોય તો તે માટેના વર્ગો જોઇન કરીને એના રસ અને અભિરુચિને પ્રોત્સાહન મળે તે માટે પેરન્ટસ દ્વારા પ્રયત્નો થવા જોઈએ. મામા, માસી કે ફુઈને ત્યાં રહેવા કદાચ નહીં જવાય તો બાળકના સોશિયલાઈઝેશન માટે સગાવહાલા કે મિત્રોના ઘરે જઈને એમની મુલાકાત કરાવવી જોઈએ. આજની મમ્મીઓ પાસે એટલા બધા વિકલ્પો છે કે એને ટેન્શનમાં આવવાની બિલકુલ જરૂર નથી. સાચી વાત તો એ છે કે બાળકોના વિકાસમાં વેકેશન એ શ્રેષ્ઠ સમય બની શકે એમ છે
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
