Columns

સમયસર નિર્ણય લો

દેડકામાં એક ખાસિયત હોય છે. તે ગરમ અને ઠંડા પાણીના તાપમાન પ્રમાણે પોતાના શરીરનું તાપમાન ઉપર નીચે કરી શકે છે. એક પ્રયોગ છે. અનેક મોટીવેશન સેમિનારમાં કહેવાતી વાતો છે.  એક દેડકાને પાણી ભરેલા મોટા વાસણમાં મૂકો અને થોડી વાર બાદ વાસણને ગરમ કરવાનું શરૂ કરો. જેમ જેમ પાણીનું તાપમાન વધતું થશે તેમ દેડકો પોતાના શરીરના તાપમાનને ગરમ થતાં પાણીના તાપમાન પ્રમાણે બદલતો રહેશે. પાણી તો ગરમ થતું જ રહેશે અને દેડકો પોતાના શરીરના તાપમાનને તે પ્રમાણે બદલતો જ રહેશે.  હવે જ્યારે પાણીનું તાપમાન તેના ઉષ્ણતા બિંદુ ૧૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને પાણી અતિ ગરમ થઇ ઉકળવા માંડશે અને દેડકો હવે પોતાના શરીરના તાપમાનને તે મુજબ બદલી નહીં શકે કારણ કે તે તાપમાનને બદલી બદલીને થાકી ગયો છે.

હવે છેલ્લા માર્ગ તરીકે દેડકો વાસણમાંથી કૂદકો મારીને બહાર નીકળવાનું નક્કી કરશે.  શરીરની બાકી રહેલી બધી તાકાત લગાડી દેડકો કૂદકો મારશે પરંતુ અફસોસ તે વાસણની બહાર નહીં નીકળી શકે કારણ કે તે એટલો ઊંચો કૂદકો નહીં મારી શકે અને તે ઉકળતા પાણીમાં પડી જશે. દેડકાએ બચવા માટે કૂદકો માર્યો પણ તેમ કરી ન શક્યો કારણ કે તેના શરીરની લગભગ બધી જ તાકાત પાણીના વધતા જતા તાપમાન જોડે શરીરના તાપમાનને જાળવવામાં ખર્ચાઈ ગઈ હતી. ગરમ પાણીમાં પડીને થોડી જ વારમાં દેડકો મૃત્યુ પામ્યો. 

દેડકાના મૃત્યુનું કારણ શું તે સમજવા જેવું છે. વિચારો. મોટા ભાગના વિચારશે કે દેડકાના મૃત્યુનું કારણ ઉકળતું પાણી છે.પણ ના, આ જવાબ ખોટો છે. દેડકાના મૃત્યુનું કારણ છે તેની પોતાની ઓછી સમજણ. તેણે ક્યા સમયે બહાર કૂદી પડવું તે બરાબર નક્કી ન કર્યું અને નિર્ણય લેવામાં મોડું કર્યું.  મિત્રો, આપણે બધા પણ જીવનમાં રોજે રોજ ઘરમાં, કાર્યસ્થળે, મિત્રો, સ્વજનો, પાડોશીઓ, અજાણ્યાઓ સાથે અનુકૂલન સાધવા કંઈ ને કંઈ બાંધછોડ કરતા હોઈએ છીએ.

ઘણી પરિસ્થિતિ અને સંજોગો અનુસાર બાંધછોડ કરવી પડે છે પરંતુ અહીં સમયસર નિર્ણય લેવાનો છે કે ક્યાં સુધી જતું કરવું, ક્યાં સુધી બાંધછોડ કરવી અને ક્યારે બધું જ છોડીને આગળ વધી જવું તેનો નિર્ણય આપણે સમયસર લેવાનો હોય છે.  જો આપણે બાંધછોડ કરતાં રહીશું, જતું કરતાં રહીશું તો લોકોને આપણી પર માનસિક, આર્થિક, શારીરિક દબાણ કરવાની છૂટ આપી ઘણું બધું સહન કરીશું તો તેઓ તો એમ જ કરતા રહેશે. આપણે સમયસર નક્કી કરવાનું છે કે ક્યારે આપણે કૂદીને બહાર નીકળી જવું છે, છોડીને આગળ વધી જવું છે અને જ્યારે આપણામાં લડત આપવાની શક્તિ બાકી હોય ત્યારે સમયસર નિર્ણય લેવો બહુ જરૂરી છે. પોતાની જાતની કિંમત સમજવી બહુ જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top