સુરત: સુરતના જાગૃત નાગરિકે ખાડીપૂર અંગે પર્યાવરણ સુરક્ષા સમિતિ અને PUCL સુરતના એન્જિનિયરિંગ ક્ષેત્રના તજજ્ઞોએ આપેલા 2 તપાસ રિપોર્ટનો અમલ કરવા તેમજ સુરત ખાડીપૂરના અસરગ્રસ્તોને વળતર ચૂકવી, કારણો, સૂચનો માટે નાગરિકોની કમિટી બનાવવા માંગ કરી છે.
- સુરતના જાગૃત નાગરિકની ખાડીપૂર અંગે પર્યાવરણ સુરક્ષા સમિતિ અને PUCL સુરતના એન્જિનિયરિંગ ક્ષેત્રના તજજ્ઞોએ આપેલા 2 તપાસ રિપોર્ટનો અમલ કરવા માંગ
- ખાડીપૂરના અસરગ્રસ્તોને વળતર ચૂકવો, કારણો-સૂચનો માટે નાગરિકોની કમિટી બનાવો
- મુખ્યમંત્રી, અગ્રસચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ અને મ્યુનિ.કમિ.ને પત્ર લખી સુરતમાં દર વર્ષે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને થતા આર્થિક નુકસાનને અટકાવવા માંગણી કરી
- પખવાડિયામાં કોઈ લોંગટર્મ એકશન પ્લાન જાહેર નહીં કરાય તો મામલાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારીશું : સંજય ઇઝાવા
જાગૃત નાગરિક અને સુરત એરપોર્ટ એકશન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી, અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, પાલિકા કમિશનર, કલેક્ટર સુરત, સચિવ (જળ સંસાધન) નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ચેરમેન અને મુખ્ય કારોબારી અધિકારી ‘સુડા’ને પત્ર લખી સુરતમાં દર વર્ષે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને થતા આર્થિક નુકસાનને અટકાવવા માંગણી કરી છે. જો તંત્ર 15 દિવસમાં કોઈ લોંગ ટર્મ એકશન પ્લાન જાહેર નહીં કરે તો ગુજરાત હાઇકોર્ટમાં સુરતના નાગરિકો વતી આ મામલે PIL દાખલ કરવામાં આવશે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષથી દર વર્ષે ચોમાસામાં આવી રહેલ ખાડીપૂરના કારણે નાગરિકોને થઈ રહેલા આર્થિક નુકસાન અને માનસિક પીડા તેમજ અગવડ દૂર થાય એવો કાયમી ઉકેલ શોધવો પડશે.
સુરત મહાનગરપાલિકા વરાછા ઝોન-એ,બી હદ વિસ્તારના સરથાણા, સીમાડા, પુણાગામ, કઠોદરા યોગીચોક, વાલક, પાસોદરા, ખોલવાડ, સારોલી, સણીયા હેમાદ, પુણા કુંભારીયા, ન્યૂ મોર્ડન ટાઉન પાર્ક, જેવા વિસ્તારો, લીંબાયત ઝોન હદ વિસ્તારના પર્વત પાટિયા, મીઠીખાડી, ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારો, પુણા કુંભારિયા, કુંભારિયા ગામ, મીઠીખાડી વિસ્તારના રઝા નગર, નૂરે ઈરાહી નગર, પ્રતાપનગર, ફૂલવાડી, રામબાઇ ચોક, પર્વત ગામ અને વાંબવે આવાસ, કાંગારૂ સર્કલથી મહારાણા પ્રતાપ રોડ અડાજણ ઝોન વિસ્તાર, અઠવા ઝોન વિસ્તારના રસુલાબાદ, આઝાદ નગર અને આંબેડકર નગર, ઉધના ઝોન વિસ્તારના બમરોલી ગામ મેઇન રોડ, ઉધના ઉદ્યોગ નગરની પાછળનો સંજયનગર વિસ્તાર, કતારગામ ઝોન વિસ્તારના કોઝવે, પંડોળ ઇન્ડસ્ટ્રીઝ જેવા વિસ્તારોમાં લાખોની સંખ્યામાં નાના વર્ગના નાગરિકો પોતાના મકાન ધરાવે છે. નાનો મોટો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

2020થી 2025 સુધી સુરતના આ વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓના અસંખ્ય ગેરકાયદે દબાણોને લીધે સર્જાતા ખાડીપૂરનો ભોગ બની રહ્યા છે. દર વર્ષે આ વિસ્તારોના લાખો રહેવાસીઓએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. ઘરમાં, દુકાનમાં, કારખાનામાં, ઓફિસમાં, ગોડાઉનમાં, પાર્કિંગ બેઝમેન્ટમાં ખાડીપૂરના પાણી ગણતરીના સમયમાં ભરાઈ જાય છે. લોકોને પોતાનો સમાન સામગ્રી હટાવવાનો સમય સુદ્ધાં મળતો નથી.
સુરતમાંથી 81.64 રનિંગ કિ.મી.માં વિવિધ સાત ખાડીઓ પસાર થાય છે
સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ પૈકી વકાલ ખાડી (૯.૭ કી.મી ), કોયલી ખાડી (૯.૩૫ કી.મી), મીઠી ખાડી (૨૨.૮૩ કી.મી), ભેદવાડ ખાડી (૧૭.૫ કી.મી), કાંકરા ખાડી (૧૭ કી.મી), સોનારી ખાડી (૫.૨૬ કી.મી) મળીને અંદાજે ૮૧.૬૪ કિ.મી લંબાઈમાં ખાડીઓનું વહેણ છે.
આ ખાડીઓ ૧૦-૧૫ વર્ષ પહેલા જે હાલતમાં વહેતી હતી તેના કરતા આજે ખૂબ જ સાંકડી અને ઓછી ઊંડાણવાળી થઇ ગઈ છે. જેના માટે ખાડી કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા ફાઈનલ પ્લોટ અને એમાં બનાવવામાં આવેલા કાયદેસરના બાંધકામો અને ગેરકાયદે બનાવવામાં આવેલા બાંધકામો અને અન્ય દબાણો જવાબદાર છે. 2024ની વસ્તી મુજબ સુરત શહેરની વસ્તી 82 લાખથી પણ વધારે છે અને આ તમામ ખાડીઓની આસપાસની વસ્તી 43 લાખથી પણ વધુ છે, 9 લાખ 25 હજારથી પણ વધુ મકાનો છે. એટલે સુરત શહેરના 50% નાગરિકોને દર વર્ષે સર્જાતા આ ખાડીપૂરની સમસ્યા કનડી રહી છે.
પર્યાવરણ સુરક્ષા સમિતિ અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ – PUCL સુરત દ્વારા 2024 અને 2025ના ખાડીપૂર પહેલા સુરત મહાનગરપાલિકા, સુડા અને અન્ય જવાબદાર સંસ્થાઓને પોતાના સરવેનો એહવાલ રજૂ કરીને સુરતમાં સંભવિત ખાડીપૂર અને એના નિવારણ અંગે સૂચનાઓ કરવામાં આવેલા હતા. છતાં કોઈપણ લોકલ બોડીએ આ અંગે કોઈ સ્પષ્ટ કામ નહીં કરવાના પરિણામે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની 50% વસ્તી ચોમાસા દરમિયાન ખાડીપૂરનો સામનો કરી લાખો રૂપિયાનું નુકસાન કરી રહી છે.
છેલ્લા ઘણાં વર્ષોથી વારંવાર સર્જાતા ખાડીપૂરના મુખ્ય કારણો
- ખાડીની પહોળાઈ ઓછામાં ઓછી ૭૦ મીટર રાખવાની ઈરિગેશન ખાતાની ભલામણ અને નીતિનિયમો TP સ્કીમ બને ત્યારે અધિકારીઓ ધ્યાને લેતા નથી, જેનાથી વિસ્તારમાં પાણીનો નિકાલ અને ઉપરવાસની પાણીની આવક મહાનગરપાલિકાના કાબૂ બહાર થઈ જાય છે.
- ઉપરવાસમાં હજુ ખાડી ઉપર દબાણ ન હોવાના કારણે ખાડી ખૂબ જ પહોળી છે, જ્યાં પાણીનો નિકાલ કરવા માટે ખાડી પૂરી થાય છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા ખાડીની પહોળાઈ ખૂબ જ ઓછી કરી નાંખેલી છે, જેથી શહેરના પાણીની સાથે-સાથે ઉપરવાસના પાણીનો નિકાલ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી પસાર થઇ રહેલી તમામ ખાડીમાં થતો નથી.
- સુરત શહેરમાં બની રહેલી TP સ્કીમમાં જમીન કપાત પછી ફાઈનલ પ્લોટની ફાળવણી થાય છે ત્યારે ખાડી કિનારે દબાણ કરીને લોકોને પ્લોટ અપાઈ રહ્યા હોવાથી ખાડીની પહોળાઈ ખૂબ જ ઓછી થઇ ગઈ છે.
- ખાડી કિનારે દબાણ કરીને બનાવવામાં આવી રહેલા બાંધકામો સમયસર દૂર કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ છે, જેના લીધે ખાડીના વહેણમાં અવરોધ ઉભો થયો છે.
- દરિયાના લેવલની તુલનામાં શહેરની ખાડીઓની વધુમાં વધુ ઊંડાઈનું લેવલ નક્કી કરીને વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવેલા લેવલ મુજબ ડી-સિલ્ટીગ કાર્ય આજ દિન સુધી સુરત શહેરમાં થયેલ નથી. ઉપરવાસમાંથી આવતા પાણી સાથે વહેતા માટી, પથરો, રેતીથી ખાડીની કુદરતી ઊંડાઈ હવે રહી નથી. ડી-સિલ્ટીગ કાર્યમાં મહાનગરપાલિકાના એન્જિનીયરો અને ટેક્નોલજી નિષ્ફળ ગયા છે.
- GDCRના નિયમો મુજબ ખાડી કિનારે બની રહેલા કોઈ પણ બાંધકામમાં ખાડી કિનારાથી ઓછામાં ઓછી ૯ મીટર જેટલી જગ્યા ખુલ્લી છોડવાની હોય છે. આ નિયમનું મહાનગરપાલિકા દ્વારા પાલન કરાવાતું નથી.
ભવિષ્યમાં ખાડીપૂર અટકાવવા આ મુદાઓ ધ્યાને લઈને કાર્યવાહી કરી શકાય
- સુરત શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓની પહોળાઈ ઈરીગેશન ખાતાના નીતિનિયમો મુજબ ઓછામાં ઓછી ૭૦ મીટર કરવી જરૂરી છે.
- GDCRના નિયમો મુજબ ખાડી કિનારેથી બંને બાજુ ૯ – ૯ મીટર જગ્યા ખુલ્લી છોડીને બાંધકામ થાય છે કે નહીં તે અંગે ખાતરી કરવામાં આવે
- દરિયાના લેવલની તુલનામાં શહેરની ખાડીઓની વધુમાં વધુ ઊંડાઈનું લેવલ નક્કી કરીને વાર્ષિક ધોરણે નક્કી કરવામાં આવેલા લેવલ સુધી ડી-સિલ્ટીગ કાર્ય ચોમાસા પહેલા અને પછી પણ કરવામાં આવે.
- નવી TP સ્કીમ બનાવતી વખતે ખાડીઓની ઊંડાઈ અને પહોળાઈ અંગે અભિપ્રાય ઈરીગેશન ખાતામાંથી મેળવી તે સૂચના મુજબ જ કામ કરવું.
- શહેરમાં ફાઈનલ થયેલી TP સ્કીમમાંથી ખાડીઓની પહોળાઈ અને ઊંડાઈ નક્કી કરવા માટે એક એક્સપર્ટ કમિટીની નિમણુક કરવામાં આવ અને હયાત બાંધકામ તોડી પાડવાની જરૂરિયાત ઉભી થાય તો પણ તે દિશામાં કામ કરવા ભવિષ્ય માટે જરૂરી છે.
- TP સ્કીમ બને ત્યારે કોઈ પણ વ્યક્તિને આપવા પાત્ર FP (ફાઈનલ પ્લોટ) કોઈ પણ સંજોગમાં ૭૦ મીટરની ખાડીની પહોળાઈની જોગવાઈ પછી ખાડી કિનારેથી ઓછામાં ઓછુ ૯ મીટર પછી ફાળવણી કરવામાં આવે, તે અંગે યોગ્ય નિયમો બનાવવાના રહેશે.
ખાડીપૂરનો ભોગ બનનારા અસરગ્રસ્તો માટે તાકીદે આ કામગીરી કરવા માંગ
- ૨૦૨૫માં ખાડી પૂરના અસરગ્રસ્ત લોકોનો સરવે કરીને થયેલા નુકશાન પેટે વળતર ચૂકવવા અંગે યોગ્ય કાર્યવાહી
- ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન ખાડીપૂર અંગે સરવે કરવા અને તારણો કાઢવા માટે SVNIT જેવી સ્વતંત્ર સંસ્થાને જવાબદારી સોંપવા અંગે યોગ્ય કાર્યવાહી
- તમામ ખાડીના માર્જિનના ૯ મીટરમાં બનેલા તમામ કાયદેસર અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી