વડોદરા : વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાછળ આવેલી અયોધ્યા ટાઉનશીપ સોસાયટીમાં છેલ્લાં 8 વર્ષથી સર્જાયેલી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી સોસાયટીની મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી મેયર સમક્ષ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆતે જ ઠેરઠેર પાણીની સસ્યાઓ ઉદભવી છે.
લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.શહેરના મકરપુરા વિસ્તાર એરફોર્સ પાછળ આવેલી અયોધ્યા ટાઉનશીપમાં છેલ્લાં 8 વર્ષથી પાણી ના પ્રશ્ને સ્થાનિક લોકો તંત્રના પાપે પારાવાર યાતનાઓ અનુભવી રહ્યા છે.આ અંગે સ્થાનિક રહીશો દ્વારા લેખિત મૌખિક , ઓનલાઈન ફરિયાદ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા બુધવારે અયોધ્યા ટાઉનશીપની મહિલાઓ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચી હતી.
જ્યાં મ્યુ.કમિશ્નર પાસે રજુઆત કરવા પ્રવેશવા નહીં દેવતા ફરિયાદ રૂપી અરજી આપી હતી.જે બાદ નવ નિયુક્ત મેયર કેયુર રોકડીયાને મળી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.
આ અંગે મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે અયોધ્યા નગર નો પ્રશ્ન એ આજનો નથી આ વર્ષો જૂનો પ્રશ્ન છે.પરંતુ એને ટૂંકાગાળા અને લાંબાગાળામાં એમ બે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે.
ટૂંકા ગાળાની અંદર અધિકારી સાથે વાત થઇ છે અને અધિકારીએ પણ પોતે ખાતરી આપી છે કે કાલે એમને રૂબરૂ મળીને અથવા તો એમને બોલાવીને આને કઈ રીતે તાત્કાલિક ધોરણે નિવારી શકાય એની પર એ ચર્ચા કરશે અને મહાનગર સેવાસદન દ્વારા 50 એમએલડી પ્રથમ ફેઝની અંદર મહીસાગર માંથી એક આખી લાઈન નંખાઈ છે.જે દક્ષિણ ઝોનને પાણી પૂરું પાડશે .જેને કારણે એરિયાના જે નાના-મોટા પ્રશ્નો છે જે સોલ થશે.
ત્યારબાદ બીજા ફેઝની અંદર એ કેપેસીટી વધારીને 100 એમએલડી પણ પ્લસ થવાની છે.ત્યારે મને વિશ્વાસ છે કે દક્ષિણ ઝોનની તમામ પાણીની સમસ્યાઓ ટૂંક સમયમાં અમે પૂરી કરીશું.નોંધનીય છે કે કેયુર રોકડીયા મેયર બન્યા બાદ આ તેમનો પ્રથમ મોરચો હતો.જ્યારે હજી તો આ શરૂઆત છે.આગામી સમયમાં હજીએ પાણી પ્રશ્ને અનેક મોરચાઓ આવે તે વાત ને પણ નકારી શકાય તેમ નથી.