શહેરા: શહેરા તાલુકાના શેખપુર ગામના પટેલિયા ફળિયામાં એક રહેણાંક મકાનમાં ઓચિંતી આગ લાગતા ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો શરૂ કરતા ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ગ્રામ પંચાયતના તલાટી પ્રવીણ ભાઈ સમક્ષ ઘર માલિકે રૂપિયા એક લાખ કરતા વધુ નુકશાન આ આગની ઘટનામાં થયું હોવાનું જણાવ્યુ છે. ઘરની અંદર આગ લાગતા તે સમયે અફરા તફરીનો માહોલ સર્જાવા સાથે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા ફળિયાના રહીશો દોડી આવ્યા હતા. જ્યારે જાગૃત નાગરીક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવા સાથે સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો હતો.
આગ લાગેલા ઘરની અંદર સૂકા ધાસના પૂળા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલા ઘરમાં પણ આગ લાગી શકે તેવી શક્યતા જોવાઇ રહી હતી. સમયસર આગ લાગેલા સ્થળ ખાતે થોડી વારમાં શહેરા નગરપાલિકાનું ફાયર ફાઇટર આવી જતા ઇન્ચાર્જ ફાયર ઓફિસર જીતેન્દ્ર સિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મહેશ સોલંકી સહિત સ્ટાફ એ પાણીનો મારો શરૂ કરતાં ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી જોકે રહેણાંક મકાનમાં આગ લાગવાના કારણે ઘરવખરી સહિત અન્ય ચીજ વસ્તુઓને નુકશાન થતા ઘર માલિક ભારે ચિંતિત થઈ જવા સાથે આંખમાં આંસુ આવી ગયા હતા.
ગ્રામ પંચાયતના તલાટી પ્રવીણ ભાઈ ગામના સરપંચ સાથે સ્થળ ખાતે પહોંચી જઈને પંચકેસ સહિતની જરૂરી કાર્યવાહી હાથધરી હતી જ્યારે મકાન માલિકે તલાટી સમક્ષ ઘરમાં આગ લાગવાથી ઘરવખરી બળીને ખાખ થઈ જવા સાથે એક લાખથી વધુનું નુકશાન થયુ હોવાનું જણાવ્યું હતુ. વિલાયતી નળીયા વાળા મકાન માં કયા કારણસર આગ લાગી તેનું કારણ જાણી શકાયું ન હોય પણ ઓચિંતી ઘરમાં લાગેલી આગના કારણે થોડા જ કલાકોમાં એક ખેડૂત પરીવાર રોડ ઉપર આવી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ જવા પામ્યુ હતુ. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા મળવાપાત્ર સહાય આ ખેડુત પરીવારને વહેલી તકે મળે તે જરૂરી છે..