દાદા સાહેબ ફાળકે એવોર્ડ જો કોઇ ગીતકારને મળ્યો હોય તો તે એકમાત્ર મજરુહ સુલતાનપુરી છે. ગુલઝારને ય આ એવોર્ડ મળ્યો છે પણ તેમાં તેમની પટકથાકાર – દિગ્દર્શક તરીકેની પ્રતિભાનું ય પ્રદાન છે. મજરુહની સાથે જ શૈલેન્દ્ર, સાહિર, કૈફી આઝમી, આનંદ બક્ષી જેવા અનેકને યાદ કરી શકો પણ મજરુહ તો ય મજરુહ છે. સાયગલ જેવાએ તેમના આરંભે લખેલા ગીત ગાયા ને ગાયકોની ચારેક પેઢી વડે તેઓ ગવાતા રહ્યા. રફી, તલત, મુકેશ, મહેન્દ્ર કપૂર, હેમંતકુમાર, લતા મંગેશકર, ગીતા દત્ત, આશા ભોંસલે સુમન કલ્યાણપૂર, શમશાદ બેગમથી આરંભી અલકા યાજ્ઞિક. અનુરાધા પૌડવાલ સુધી જે વિસ્તાર થયો તે બધા સમયમાં અગ્રજ ગીતકાર તરીકે મજરુહ જ છે. શૈલેન્દ્ર, સાહિર જેવાને જિંદગી પણ થોડી ટૂંકી મળી.
ઉત્તર પ્રદેશના નિઝામાબાદમાં ૧ ઓકટોબર, ૧૯૧૯ માં જન્મેલા અસરાર હસન ખાનના પિતા તો પોલીસ કોન્સ્ટેબલ હતા. આ પિતાની ઇચ્છા વિરુધ્ધ તેઓએ યુનાની દવાનો કોર્સ કરેલો ને ૧૯૩૮ માં એકાદ વર્ષ હકીમ તરીકે કામ પણ કરેલું. ઉર્દૂ, પર્શીયનને અરેબીક ભાષા આવડતી હતી અને આ ભાષાપ્રેમ જ તેમને ગઝલ લખવા તરફ લઇ ગયો ને મુશાયરામાં મશહુર થવા લાગ્યા. જીગર મુરાદાબાદી જેવા શાયર તેમના ઉસ્તાદ હતા.
આ ઉસ્તાદ જ તેમને મુંબઇ લાવ્યા અને અહીં એક મુશાયરામાં એ.આર. કારદાર જેવા નિર્માતા – દિગ્દર્શકે તેમને સાંભળ્યા ને ‘શાહજહાં’ ફિલ્મ માટે ગીતો લખવા કહ્યું. આ પહેલી જ ફિલ્મમાં કુલ ૧૦ માંથી ૭ ગીતો મજરુહના લખેલા હતા. ‘ગમ દિયે મુસ્તકિલ, કિતના નાજુક હે દિલ’, ‘જબ દિલ હી તૂટ ગયા’, ગીતો આજે પણ લોકપ્રિય છે. સાયગલ તો ખરા જ પણ એ ગીતો ગાનારામાં રફી, શમશાદ બેગમ, નસીમ અખ્તર પણ હતા. ૧૯૪૬ નું એ વર્ષ મજરુહના આગમનનું વર્ષ છે.
હકીકતે ત્યારે તેઓએ મુશાયરાઓમાં જે રચનાઓ પઢેલી તેનાથી જવાહરલાલ નેહરુ પણ ઊંચાનીચા થઇ ગયેલા. મજરુહ એક ચળવળકાર હતા અને ત્યારના ઘણા શાયરની જેમ સરકારની વિરુધ્ધમાં હતા. સાહિર, શૈલેન્દ્ર, કૈફીમાં આ ચળવળકાર લાંબા સમય સુધી રહ્યા જયારે મજરુહસાહેબ ગીતલેખનકળાને સતત એક શિખરસ્પર્શ આપતા રહ્યા. પણ રાજનેતાઓ સાથે તેમને બન્યું નથી. એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ મંચ પર તેમની સાથે હાથ ન મેળવવાની ગુસ્તાખી જાણી જોઇને કરી તો તે મુદ્દો બની ગયેલો, પણ ગીત લખે ત્યારે વિષય, પાત્રમાં પૂરો પ્રવેશ કરતા અને કેરેકટર પ્રમાણે ભાષા પણ સતત બદલાતી. ‘એ કયા બોલતી તુ, આતી કયા ખંડાલા’ ગીત તેમનું જ લખેલું છે.
એકવાર ફિલ્મોદ્યોગની ૧૦૦ મહત્વની પ્રતિભા વિશેનું પુસ્તક થયું તેમાં મજરુહ, શકીલ બદાયુની નહોતા. મજરુહે તરત લખ્યું: ઉઠાયે જા ઉનકે સિતમ, ઔર જિયે જા, યુંહી મુસ્કુરાયે જા, આંસુ પીયે જા .ઘણાને ખબર નહીં હશે ‘હમ હે મતા – એ – કુચા બાજાર કી તરાહ, ફીરતી હે હર નિગાહ ખરીદાર કી તરાહ’ ગઝલ તો રાજેન્દ્રસિંહ બેદીના આગ્રહે ‘દસ્તક’ માં આવી, બાકી તે તેમણે લખી હતી ફિલ્મના બજારમાં ગીતકાર થઇ ગયા તેની હાલત પર. જાણે બજારની ચીજ શાયરી બની ગઇ ને જે પૂછે તો ખરીદારની જેમ જ કવિતા માંગે. તેઓ જાણતા હતા કે પોતે શું છે. નેહરુના ક્રોધનો ભોગ બની આર્થર રોડ જેલમાં મજરુહસાહેબે એક વર્ષ રહેવું પડેલું એવું આજે કોઇ માને નહિ. ૧૯૫૦ ની એ વાતને હવે તો ૭૧-૭૨ વર્ષ થયા. ગીતો લખવા શરૂ કર્યા પછી પણ તેઓ દેશભરના મુશાયરામાં શામિલ થતા. નૌશાદને ફૂલટાઇમ ગીતકાર જોઇતા હતા પણ મજરુહ તૈયાર નહિ એટલે નૌશાદે શકીલ બદાયુનીને તક આપી. જોકે મજરુહ સાહેબની દિકરી સબાની શાદી નૌશાદના દિકરા રાજુ સાથે જ થયેલી છે.
મજરુહ જેવા ગીતકારને કારણે સનમ, જાનમ, દિલબર, માશા અલ્લાહ, વલ્લાહ, બંદાનવાઝ જેવા શબ્દો હિન્દી ફિલ્મગીતના કાયમી હિસ્સા બન્યા. હા, થોડો અફસોસ થાય કે શંકર જયકિશન જેવા માટે ખાસ લખવાનું ન થયું પણ નૌશાદ, સચિન દેવ બર્મન, ઓ.પી. નૈયર, મદન મોહન, રોશન, સલીલ ચૌધરી, રવિ, આર.ડી. બર્મન, લક્ષમીકાંત પ્યારેલાલ માટે તેમણે મેકિસમમ ગીતો લખ્યા. કિશોરકુમારે સંગીતકાર તરીકે શૈલેન્દ્ર અને મજરુહ પર જ વિશ્વાસ મુકેલો એટલે ‘ઠંડી હવા યે ચાંદની સુહાની’, ‘કોઇ હમદમ ના રહા’ (ઝૂમરુ) ગીત તેમના માટે લખ્યા.
ઓ.પી. માટે ‘બાબુજી ધીરે ચલના’, ‘જાને કહાં મેરા જિગર ગયા જી’, ‘પુકારતા ચલા હું મેં’, ‘જાઇએ આપ કહાં જાયેગે’ જેવા અનેક ગીતો તો સચિનદેવ બર્મન માટે ‘હમ હે રાહી પ્યાર કે’, ‘આંખોમેં કયા જી’, ‘હાલ કૈસા હૈ જનાબકા’, ‘પાંચ રૂપૈયા બારાહ આના’, ‘અચ્છાજી મેં હારી ચલો’, ‘સાથી ના કોઇ મંઝિલ’, ’ચલરી સજની અબકયા સાંચે’, ‘કહાં બે ખયાલ હો કર’, ‘અરે યાર મેરી તુમ ભી હો ગજબ’, ‘રાત અકેલી હે’ જેવા ગીતો તો રોશન માટે ‘કભી તો મિલેગી, કહીં તો મિલેગી’, ‘રહેતે થે કભી જિનકે દિલમેં’, ‘છૂપાલો યું દિલ મેં પ્યાર મેરા’, ‘દિલ જો ન કહ શકા, વાંમી રાઝ-એ-દિલ’ રવિ માટે ‘બાર બાર દેખો હજાર બાર દેખો’, લક્ષમીકાંત પ્યારેલાલ માટે ‘મેરા તો જો ભી કદમ હૈ’, ‘કોઇ જબ રાહ ના પાયે’, ‘જાને વાલો જરા’ થી માંડી ‘ઉડકે પવન કે સંગ ચલુંગી’, ‘હુઇ શામ ઉન કા ખયાલ આ ગયા’, મદન મોહન માટે ‘બૈયાં ના ધરો’, ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા કયા હૈ’, ‘હમસફર સાથ અપના છોડ ચલે’… મજરુહ સાહેબ છેલ્લા શ્વાસ સુધી લખતા રહ્યા. ‘આજ મેં ઉપર આસમા નીચે’ ગીત તેમના છેલ્લા વર્ષોનું છે. તેઓ માત્ર ફિલ્મી ગીતકાર રહેવા નહોતા માંગતા એટલે ૧૯૮૩ માં સાડાચાર મહિના માટે શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, મિન્નેસોતામાં મુશાયરા માટે ગયેલા ને તેમને એકાદ વર્ષ ગીતો લખવાનું ઓછું થયેલું. મજરુહ પોતાના મિજાજથી લખતા રહેતા.
‘હમદમ મેરે માન ભી જાઓ’ માં નિર્માતાના કહેવાથી ‘હમદમ’ શબ્દ કાઢવાનો હતો તો મજરુહે કહ્યું તમે ગીતકાર બદલો, શબ્દ નહિ બદલાશે. મજરુહને બદલી ન શકાય. તેઓ જ લખી શકે. ‘વાદીયાં મેરા દામન, રાસ્તે મેરી બાહેં, જાઓ મેરે સિવા તુમ કહાં જાઓગે’. મજરુહ સાહબે લખેલો એક શેર એટલો ફેમસ છે કે ઘણાને ખબર જ નથી કે તે મજરુહ સાહેબનો છે. આ છે એ શેર: મેં અકેલા હી ચલા થા જાલિબ – એ – મંઝિલ મગરલોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા. – બ.ટે.