બહુમતી આદિવાસી વસતી ધરાવતા અને ઝડપી
વિકાસની આશા રાખતું બારડોલી તાલુકાનું ગામ કરચકા
સુરત-ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 પર તાલુકા મથક બારડોલીથી લગભગ 11 કિમીના અંતરે અને હાઈવેથી 7 કિમીના અંતરે મીંઢોળા નદીના કિનારે વસેલું ગામ એટલે કરચકા. આ ગામમાં સરકારી સુવિધાઓના નામે મીંડું જોવા મળે છે. બહુમતી આદિવાસી વસતી ધરાવતા આ ગામમાં લેઉવા પાટીદાર, માહ્યાવંશી, હળપતિ, મિસ્ત્રી સમાજના લોકો વસવાટ કરે છે. 1033 લોકોની વસતી ધરાવતા આ ગામમાં કુલ 241 મકાન છે, જેમાં અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમાજની વસતી સૌથી વધુ છે. ગામની કુલ વસતીના 79.6 ટકા લોકો આદિવાસી સમાજના છે. કરચકા બારડોલી તાલુકાનું ગામ છે પરંતુ વિધાનસભા વિસ્તારની દૃષ્ટિએ મહુવા વિધાનસભા અંતર્ગત આવે છે. ગામના પાટીદાર સમાજના અનેક પરિવારો ઈંગ્લેડ, યુએસએ, કેનેડા સહિતના દેશોમાં સ્થાયી થયા છે. વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં અહીંના લોકો મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યાં સ્થાયી થયેલા લોકો આજે પણ વતનને ભૂલ્યા નથી અને વારે તહેવારે કે જ્યારે પણ ગામને જરૂર જણાય ત્યારે વિદેશથી તાત્કાલિક મદદ મોકલી ગામનું ઋણ અદા કરી રહ્યા છે. ગામના વિકાસમાં NRIઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. અંદાજિત 300 જેટલા પાટીદારો વિદેશમાં સ્થાયી થયા છે. બારડોલી તાલુકાનું વેપારી મથક ગણાતું મઢી કરચકા ગામથી 7 કિમીના અંતરે હોય ગામના લોકોનો મોટા ભાગનો વ્યવહાર મઢી સાથે રહેલો છે. લોકો બજાર ખરીદી માટે મઢી જતાં હોય છે. આ ઉપરાંત તાલુકા મથક બારડોલી પણ 11 કિમીના અંતરે હોય લોકો ધંધા-રોજગાર ઉપરાંત આરોગ્ય સેવા અને ખરીદી માટે બારડોલી પર પણ આધાર રાખતા હોય છે.
કરચકા નજીકથી કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેર પસાર થતી હોવાથી સિંચાઈની સારી સગવડ
કરચકા ગામ કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેરની નજીકમાં આવેલું હોવાથી નહેર મારફત સિંચાઇની સુવિધા મળે છે. જો કે, સિંચાઇ વિભાગ દ્વારા નહેરના કામમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદો ગ્રામજનો કરી રહ્યા છે. પાકી નહેર બનાવે તેનું કામ એટલું તકલાદી હોય છે એક તે એકાદ વર્ષ પણ ટકી શકતી નથી. કેટલાક ખેડૂતો બોરવેલના માધ્યમથી જ ખેતીમાં સિંચાઇ કરે છે. પરંતુ આઠ કલાકની વીજળી પર જ આધાર રાખવો પડતો હોય છે. વીજ પુરવઠો નિયમિત મળતો ન હોવાથી બોરવેલથી સિંચાઇ કરતાં ખેડૂતોને મોટી મુશ્કેલી વેઠવી પડે છે. આઠ કલાકમાં પણ અનેક વખત કાપ હોય ખેડૂતો તેના પાકને યોગ્ય રીતે પાણી આપી શકતો નથી. જેથી વીજળી નિયમિત અને વધુ કલાક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પોલની મરામત કરવામાં આવતી ન હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. અનેક જગ્યાએ વીજ પોલ નમી ગયા છે તો કેટલીક જગ્યાએ પોલ પર વેળા ચઢી જવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ છે. આથી આ સમસ્યાનો હલ મળે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન
કરચકા ગામને બારડોલી તાલુકાના ઉવા, માંગરોળિયા અને વધાવા ગામની હદ અડે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મઢી અને બારડોલી ઉપરાંત મહુવા સુગર ફેક્ટરી નજીક પડતી હોય મોટા ભાગના ખેડૂતો શેરડીની ખેતીને પ્રાધાન્ય આપે છે. શેરડીના ટન દીઠ ભાવ સારા મળતા હોય ખેડૂતોની આર્થિક સ્થિતિ એકંદરે સારી છે. ખેતી ઉપરાંત પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય પણ અહીં વિકસ્યો છે. ખાસ કરીને હળપતિ સમાજના લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે. ગાય, ભેંસ ઉપરાંત બકરાં પાલન કરી અનેક પરિવારો પોતાની રોજીરોટી મેળવતા આવ્યા છે. દૂધમંડળીને કારણે પશુપાલકોને પણ પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. હળપતિ સમાજ ખાસ કરીને ખેતમજૂરી સાથે જોડાયેલો છે. તો કેટલાક લોકો નોકરી ધંધાર્થે સુરત, કડોદરા, પલસાણા તરફ મિલમાં જતા હોય છે.