Comments

ભારતમાં પ્રવર્તતો બહુમતીવાદ: રાજકારણ અને કાયદામાં, પ્રતીકમાં અને પદાર્થમાં, શબ્દમાં અને કાર્યમાં ભારત પાકિસ્તાન જેવું બની રહ્યું છે

૧૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ આઝાદી અને વિભાજનના બે મહિના પછી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રાંતોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો: ‘પાકિસ્તાન તરફથી ગમે તેટલી ઉશ્કેરણી થાય અને ત્યાં બિન-મુસ્લિમો પર ગમે તેવા અપમાન અને અત્યાચારો ગુજારવામાં આવે, આપણે આ લઘુમતી સાથે સભ્ય રીતે વર્તવાનું છે. આપણે તેમને લોકશાહી રાજ્યમાં સુરક્ષા અને નાગરિકો તરીકેના અધિકારો આપવા જ જોઈએ.’

નહેરુની બિનસાંપ્રદાયિકતા અને લઘુમતીઓ માટે સમાન અધિકારો પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમની પોતાની કોંગ્રેસ પાર્ટીમાં પણ સર્વસંમત નહોતી, જેમાં રૂઢિચુસ્ત હિન્દુઓનો મોટો હિસ્સો હતો. જો કે, વડા પ્રધાન તરીકે તેમણે પોતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને જનસંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી હિન્દુત્વની તાકાતોને હાંસિયામાં ધકેલવા માટે સખત મહેનત કરી હતી. તેમના અવસાન પછીના દાયકાઓમાં જ આરએસએસ અને જનસંઘની અનુગામી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના પ્રભાવમાં ઝડપથી વધારો થયો. પરિણામે, આપણો દેશ, જેણે ઓગસ્ટ ૧૯૪૭ પછી તેના પાડોશી દેશ (પાકિસ્તાન) કરતાં એક અલગ અને વધુ સમાવેશી માર્ગ અપનાવવાની આશા રાખી હતી, તે હવે ધર્મ અને રાજ્યના વિલીનીકરણના મામલે પાકિસ્તાનની વધુ નજીક આવી રહ્યો છે.

ભારતમાં આજે પ્રવર્તતો બહુમતીવાદ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે, છેલ્લી ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા ૮૦૦થી વધુ સાંસદોમાં એક પણ મુસ્લિમ નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ, ભાજપે માત્ર હિન્દુઓના સમર્થનના આધારે ચૂંટણી લડી અને જીતી છે અને ‘હિન્દુ વોટ બેંક’ બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વાર ‘હિન્દુ-ફર્સ્ટ’ રાજકારણે તેમને સત્તા અપાવી પછી સંઘ પરિવારે ભારતીય મુસ્લિમો (અને પ્રસંગોપાત્ત ભારતીય ખ્રિસ્તીઓને પણ) હેરાન કરીને અને તેમને સારા-નરસા કહીને સામાજિક રીતે પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું છે.

એક સમય એવો હતો જ્યારે મુસ્લિમો મહત્ત્વના કેબિનેટ હોદ્દાઓ ધરાવતા હતા, મુખ્ય સરકારી વિભાગો (રાજદ્વારી કોર્પ્સ અને ઇન્ટેલિજન્સ બ્યુરો સહિત) ચલાવતા હતા, સુપ્રીમ કોર્ટ અને ભારતીય વાયુસેનાના વડા હતા. ખરેખર, નરેન્દ્ર મોદીના પોતાના રાજ્યનાં બે શહેરોએ મુસ્લિમોને સંસદમાં પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા હતા. જો કે, હવે જાહેર જીવનમાં મહત્ત્વના હોદ્દા પર ભાગ્યે જ કોઈ મુસ્લિમ જોવા મળે છે. શ્રમજીવી મુસ્લિમોની વાત કરીએ તો તેઓ આવાસ અને રોજગારમાં ભેદભાવનો ભોગ બને છે અને તેમને સતત ચીડવવામાં અને અપમાનિત કરવામાં આવે છે, જે ઘણી વાર લક્ષિત હિંસા (જેમ કે લિંચિંગ અને ઘર તોડી પાડવા)નું સ્વરૂપ લે છે.

હિન્દુ બહુમતીવાદ કાનૂની મોરચે પણ સ્પષ્ટ દેખાય છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)એ સ્પષ્ટપણે મુસ્લિમો સામે ભેદભાવ કર્યો હતો અને કલમ ૩૭૦ નાબૂદ કરવી એ બાબત સાથે સંબંધિત હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું એક માત્ર મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય હતું. પ્રતીકાત્મક સ્તરે, આ બહુમતીવાદ ભારતના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીનાં ભગવાં વસ્ત્રોમાં અને વડા પ્રધાન દ્વારા નવા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે અધ્યક્ષતા કરવામાં દેખાય છે. આપણા સૌથી શક્તિશાળી રાજકારણીઓ દ્વારા આપવામાં આવતો આ સંકેત મુખ્ય ન્યાયાધીશો અને આર્મી જનરલો સહિતના વરિષ્ઠ જાહેર અધિકારીઓને પણ બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન કરવા અને તેઓ જાણે પહેલાં હિન્દુ અને પછી ભારતીય હોય તેમ વર્તવા પ્રોત્સાહિત કરે છે. હિન્દુત્વ લોકપ્રિય સંસ્કૃતિમાં પણ પ્રવેશી ગયું છે, જેમાં બોલિવૂડ, જે ક્યારેક બિનસાંપ્રદાયિકતાનો ગઢ હતું, તે હવે વધુ ને વધુ એવી ફિલ્મો પ્રદર્શિત કરવા તરફ વળ્યું છે જે બિનહિન્દુઓને ખરાબ રીતે રજૂ કરે છે.

બહુમતીવાદી કટ્ટરતાનો ખુલ્લો એકરાર, જે હું અત્યારે લખી રહ્યો છું તેમ, બિહાર અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના પ્રચારમાં પ્રગટ થઈ રહ્યો છે. પક્ષના નેતાઓ અને ખાસ કરીને ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અને આસામના મુખ્ય પ્રધાનનાં ભાષણો હિંદુઓને ભારતીય મુસ્લિમો પ્રત્યે તેમનાં મન અને હૃદયમાં નફરત ભરવા માટે ઉશ્કેરવાના ઉદ્દેશથી આપવામાં આવી રહ્યાં છે. ઉચ્ચ ન્યાયતંત્રે (આ લખાય છે ત્યાં સુધી) આમાંથી કોઈ પણ રાજકારણી પર રોક લગાવી નથી તે આઘાતજનક છે અને તે આપણી જાહેર સંસ્થાઓના નૈતિક પતનનું પ્રતીક પણ છે.

રાજકારણ અને કાયદામાં, પ્રતીકમાં અને પદાર્થમાં, શબ્દમાં અને કાર્યમાં, ભારત પાકિસ્તાન જેવું બની રહ્યું છે, તફાવત માત્ર એટલો છે કે અહીં હિન્દુઓ શાસન કરી રહ્યાં છે, મુસ્લિમો નહીં. આ માટે માત્ર ૨૦૧૪ પછીની સ્થિતિ જવાબદાર નથી, તેનાં મૂળ ઊંડાં છે. હિન્દુત્વનો ઇતિહાસ ઘણો જૂનો છે, જેમાં ૧૯મી સદીમાં હિન્દુ મિશનરી સોસાયટીઓની પ્રવૃત્તિઓ, ૨૦મી સદીમાં હિન્દુ મહાસભા અને ૧૯૨૫માં આરએસએસની સ્થાપનાનો સમાવેશ થાય છે. નહેરુના સમયમાં હિન્દુત્વ દબાયેલું હતું, પરંતુ તે હંમેશાં પૃષ્ઠભૂમિમાં હતું. નહેરુ પછીની કોંગ્રેસની ભૂલોને કારણે હિન્દુ જમણેરીઓને વધવાની તક મળી. એ માટે ખાસ કરીને રાજીવ ગાંધી દોષિત હતા, જેમણે વડા પ્રધાન તરીકે રહેતા શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉલટાવીને મુસ્લિમ કટ્ટરપંથીઓને ખુશ કર્યા અને બાબરી મસ્જિદ પાસેના અયોધ્યાના મંદિરના તાળાં ખોલીને હિન્દુ કટ્ટરપંથીઓને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપના પ્રથમ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બહુમતીવાદી વૃત્તિઓ પર ઘણા ગઠબંધન ભાગીદારો સાથે કામ કરવાની મર્યાદા હતી. નરેન્દ્ર મોદી અને તેમના જમણા હાથ સમાન અમિત શાહ, કોંગ્રેસના વર્તમાન વંશજો કરતાં વૈચારિક રીતે ઘણા વધુ પ્રતિબદ્ધ છે અને સત્તા મેળવવા તથા ટકાવી રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે કોંગ્રેસના નેતાઓનો રાજકારણમાં રસ પ્રસંગોપાત્ત અને અનિયમિત જણાય છે. પરિણામે, સંઘ પરિવારનો પ્રભાવ અને શક્તિ સતત વધતી ગઈ છે, જ્યારે કોંગ્રેસ ક્ષીણ થઈ રહી છે.

કુલ મળીને, ૨૦૨૬માં ભારત ‘હિન્દુ પાકિસ્તાન’ બનવાની એટલું નજીક છે જેટલું તે અગાઉ ક્યારેય નહોતું. શું આને બદલી શકાય છે અને ભવિષ્યમાં બિનસાંપ્રદાયિક રાજ્યનું જતન કરી શકાય છે? અફસોસ, આ પ્રશ્નનો જવાબ આપવો અશક્ય છે. જો કે, જ્યારે અન્ય દેશોના અનુભવો પર નજર કરીએ છીએ, ત્યારે જણાય છે કે ધર્મ અને રાજ્યનું મિશ્રણ ક્યાંય પણ સારું પરિણામ લાવ્યું નથી. પાકિસ્તાનની ઓળખમાં ઇસ્લામને કેન્દ્રસ્થાને રાખવાથી તેની આર્થિક અને રાજકીય સંભાવનાઓને ભારે નુકસાન થયું છે. બાંગ્લા દેશ જે બિનસાંપ્રદાયિક સિદ્ધાંતો પર સ્થપાયું હતું, તેના ત્યાગથી તેને પણ નુકસાન થઈ રહ્યું છે. ઈરાન પાસે વિકસિત દેશ બનવાની તમામ આર્થિક અને સાંસ્કૃતિક ક્ષમતાઓ હતી; ૧૯૭૯માં કટ્ટરપંથી આયતોલ્લાઓ સત્તા પર આવ્યા પછી તે આશા અને મહત્ત્વાકાંક્ષા નાશ પામી.

માત્ર ઇસ્લામિક દેશો જ બહુમતીવાદી આગ્રહથી પીડાય છે એવું નથી. ૧૯૭૦ના દાયકામાં શિક્ષણ, આરોગ્ય, લિંગ સમાનતા અને વિકાસના અન્ય માપદંડોમાં શ્રીલંકા ભારત કરતાં ઘણું આગળ હતું. જો ત્યાં સિંહાલી બૌદ્ધ રાષ્ટ્રવાદનો ઉદય ન થયો હોત અને તેના કારણે ફાટી નીકળેલાં ગૃહયુદ્ધ ન થયાં હોત તો કોલંબો અને કેન્ડી પણ બેંગલોર અને હૈદરાબાદની જેમ આઈટી ક્રાંતિનાં કેન્દ્રો તરીકે ઉભરી શક્યાં હોત.

છેલ્લે, ઇઝરાયેલનું રાજ્ય, જે આપણા હિન્દુત્વવાદી ભાઈઓને ખૂબ પ્રિય છે, તે આધુનિક યહુદી ધર્મના સૌથી પ્રતિગામી વલણો દ્વારા સક્ષમ બનેલા યુદ્ધ અપરાધોને કારણે વિશ્વ વ્યવસ્થામાં અસ્પૃશ્ય બની રહ્યું છે. બહુમતીના ધર્મને રાષ્ટ્રની જાહેર ઓળખમાં કેન્દ્રસ્થાને રાખવો, મુલ્લાઓ, પૂજારીઓ, સાધુઓ અથવા રબ્બીઓની ઇચ્છા મુજબ કાયદાઓ, નીતિઓ અને સંસ્થાઓની રચના કરવી, તેનાં પરિણામો સુન્ની, શિયા, બૌદ્ધ અથવા તો યહુદી દેશોમાં વિનાશક રહ્યાં છે. એવું માનવાને કોઈ કારણ નથી કે હિન્દુઓ કોઈક રીતે આ નિયમમાંથી મુક્ત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top