મુંબઈઃ નવી મુંબઈમાં આજે તા. 27 જુલાઈને શનિવારે સવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકો ફસાઈ ગયા હતા. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.
નવી મુંબઈના શાહબાઝ ગામમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા, પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલી રહી છે. જેસીબીને પણ સ્થળ પર બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું કે, આ દુર્ઘટના સવારે લગભગ 5 વાગ્યે બની હતી. તે G+3 માળની બિલ્ડિંગ હતી. શાહબાઝ ગામ બેલાપુર વોર્ડ હેઠળ આવે છે. આ બિલ્ડિંગમાં 13 ફ્લેટ હતા. બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને બે લોકો ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમો ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા
બચાવી લેવામાં આવેલા બંને લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે જણાવ્યું કે આ 10 વર્ષ જૂની ઈમારત હતી. હાલ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે માત્ર એક અઠવાડિયા પહેલા જ દક્ષિણ મુંબઈમાં એક ચાર માળની રહેણાંક ઈમારતની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક 80 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.
ગયા અઠવાડિયે ગ્રાન્ટ રોડ પર બાલ્કની પડી હતી
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રૂબિનિસા મંઝિલમાં સવારે 11:00 વાગ્યે બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા.