જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરી જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો (Indian Army) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બે કેપ્ટન સહિત ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે ભારે ગોળીબાર થયો હતો કારણ કે સ્થળ પર બે આતંકીઓ હતા. ત્યારે આ અથડામણના માસ્ટરમાઇન્ડનું એનકાઉન્ટર કરવામા આર્મીને સફળતા મળી હતી.
જમ્મુ ડિવિઝનના રાજોરી જિલ્લામાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. ત્યારે આ ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પીઆરઓ ડિફેન્સે કહ્યું કે ફાયરિંગ દરમિયાન પાકિસ્તાની આતંકવાદી ક્વારી માર્યો ગયો છે. તેને પાકિસ્તાન અને અફઘાનમાં તાલીમ આપવામાં આવી છે.
ક્વારી લશ્કર-એ-તૈયબાનો ઉચ્ચ કક્ષાનો આતંકવાદી કમાન્ડર હતો. ક્વારી છેલ્લા એક વર્ષથી રાજોરી અને પૂંચમાં તેના આતંકવાદી જૂથ સાથે સક્રિય હતો. આ સાથે જ તેને ધાંગરી અને કાંડી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માનવામાં આવે છે.
રવિવારે સાંજે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે બંદૂક સાથે બે શંકાસ્પદ લોકો બ્રેવી વિસ્તારમાં એક ઘરમાં ઘૂસ્યા હતા અને ડિનર કરીને ભાગી ગયા હતા. ત્યારબાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે આ અથડામણના માસ્ટર માઇન્ડ ક્વારીનું એનકાઉન્ટર કરવામા આર્મીને સફળતા મળી હતી.
રાજોરી જિલ્લાના ધરમસાલના બજીમલ વિસ્તારમાં ગુરુવારે સવારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટર શરૂ થયું છે. બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલું એન્કાઉન્ટર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. અંધારાના કારણે નવ કલાક બાદ ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ સુરક્ષા દળોએ બંને આતંકીઓને ઘેરી લીધા હતા.
જમ્મુમાં હથિયારોનો જથ્થો જપ્ત કરાયો
આ સાથે જ જમ્મુમાં આતંક ફેલાવવા સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના કાવતરાને સુરક્ષા દળોએ ફરી એકવાર નિષ્ફળ બનાવ્યુ છે. ગુરુવારે સેના અને જમ્મુ પોલીસની સંયુક્ત ટીમે સરહદ પાસે જમ્મુના અખનૂરના પાલનવાલામાં હથિયારોનો એક જથ્થો જપ્ત કર્યો હતો.
બોક્સમાંથી એક બેટરી ફીટ આઈઈડી, એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, 38 બુલેટ અને નવ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. આ તમામ હથિયારોને આર્મી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ખાખડ પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે જ આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમજ પાલનવાલા વિસ્તારને અડીને આવેલા માર્ગો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.