National

RG કર હોસ્પિટલમાં હિંસા બાદ મોટો ફેરફાર, 10 ડોક્ટર અને 190 નર્સિંગ સ્ટાફની બદલી

નવી દિલ્હી: કોલકાતાની (Kolkata) સરકારી આરજી કર હોસ્પિટલમાં (RG Kar Hospital) ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર (Rape) અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેમજ આ ઘટના સામે વિરોધ પ્રદર્શન (Protest) થઇ રહ્યા છે. દરમિયાન, 14 ઓગસ્ટે મધ્યરાત્રિએ આરજી કર હોસ્પિટલમાં તોડફોડ અને હિંસાની ઘટના બાદ, હોસ્પિટલના 10 ડોકટરો અને 190 નર્સિંગ સ્ટાફની બદલી કરવામાં આવી હતી.

ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની બદલી બાદ બંગાળ સરકારે કોલકાતા મેડિકલ કોલેજ સહિત અન્ય ઘણી હોસ્પિટલોના ઘણા ડોક્ટરોની પણ બદલી કરી છે. આ તમામની બદલીના આદેશ શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા હતા. આરોપ છે કે આ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે ચાલી રહેલી ડૉક્ટરોની હડતાળને સમર્થન આપી રહ્યા હતા.

આ સાથે જ ભાજપે દાવો કર્યો હતો કે આરજી હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાની ભયાનક ઘટનાને લઈને રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવનારા ડોક્ટરોની બદલી કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મમતા સરકારના આ નિર્ણયને તાલિબાની ફતવો ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીના આદેશથી બદલી કરવામાં આવી છે
પૂનાવાલાએ X પર દિલ્હી AIIMSના એક ડોક્ટરની પોસ્ટ પણ શેર કરી છે, જેમાં તેમણે આ માહિતી આપી છે. તેમણે વોટ્સએપ ચેટનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના સામે અવાજ ઉઠાવનારા ડોક્ટરોની મુખ્યમંત્રી મમતા બેનર્જીના આદેશ પર બદલી કરવામાં આવી છે.

ટીએમસી એટલે સરમુખત્યાર- ભાજપ
પૂનાવાલાએ X પર લખ્યું હતું કે, TMC એટલે સરમુખત્યારશાહી. બંગાળની આરજી કર હોસ્પિટલના બળાત્કારી ગેંગ પર કડક કાર્યવાહી કરવાને બદલે – મમતા સરકાર ન્યાય માટે સંઘર્ષ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે. મમતા બેનર્જી એક વાસ્તવિક સરમુખત્યાર જેવું વર્તન કરી રહ્યા છે, જેમના પર ઇન્દિરા ગાંધી કે કિમ જોંગ કે સ્ટાલિનને ગર્વ હશે!

BJP IT સેલના વડા અને પક્ષના બંગાળના સહ-પ્રભારી અમિત માલવિયાએ આ ટ્રાન્સફર અંગે રાજ્ય સરકારને ઘેરી હતી. “16 ઓગસ્ટના રોજ, બંગાળ સરકારના આરોગ્ય વિભાગે ટ્રાન્સફર ઓર્ડરની આઠ પાનાની લાંબી સૂચિ જારી કરી હતી, જે પહેલાથી જ અસ્તવ્યસ્ત પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહી છે.”

માલવિયાએ કહ્યું, “મમતા બેનર્જીનું નિશાન કોલકાતા મેડિકલ કોલેજ અને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ છે. આ બંને તેમના ફાસીવાદી શાસનના વિરોધના કેન્દ્રો છે. અત્યાર સુધીમાં આ બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના પાંચ પ્રોફેસરોની સિલીગુડી, તમલુક, ઝારગ્રામ વગેરેમાંથી ધરપકડ કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે આ વરિષ્ઠ તબીબી સમુદાયને ડરાવવાનો ભયાવહ પ્રયાસ છે, મમતા બેનર્જી શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે?

14મીએ મધરાતે હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી
હકીકતમાં 14-15 ઓગસ્ટની રાત્રે લગભગ 40 લોકોનું એક જૂથ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પરિસરમાં ઘૂસી ગયું હતું અને હંગામો મચાવ્યો હતો. આ ઘટના બાદ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ સુરક્ષાની માંગણી સાથે હડતાળ કરી હતી અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ભયનું વાતાવરણ સર્જ્યું હતું. તે જ સમયે, હોસ્પિટલના જુનિયર ડોકટરો છેલ્લા ઘણા દિવસોથી કામ બંધ કરીને સતત વિરોધ કરી રહ્યા છે.

Most Popular

To Top