ડેનવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગત રોજ શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યારે ટેકઓફ કરતા પહેલા અમેરિકન એરલાઇન્સના વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી ગઈ હતી. ફ્લાઇટ નંબર AA-3023, જે બોઇંગ 737 મેક્સ 8 મોડેલ હતું અને મિયામી જવા નીકળી રહી હતી, તેમાં 179 મુસાફરો સવાર હતા.
પ્લેન રનવે પર ટેકઓફની તૈયારીમાં હતું ત્યારે આ ઘટના બની. સુખદ સમાચાર એ રહ્યા કે તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવાયા અને માત્ર એક મુસાફરને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ અધિકારીઓ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિમાનના ટાયર વિસ્તારમાંથી ધુમાડા નીકળતા હતા અને મુસાફરો ઉતરવાની કવાયત ચાલી રહી હતી. દુર્ઘટનાને ટાળવા માટે પાઇલટની સમયસૂચકતા અને ટીમની ફટાફટ કામગીરીને કારણે તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા.
એરલાઇન્સ દ્વારા મળેલ માહિતી અનુસાર, આગ લેન્ડિંગ ગિયરના સંબંધિત જાળવણીના મુદ્દાને લીધે લાગી હતી. કંપનીએ કહ્યું કે ઘટના સમયે તમામ સુરક્ષા પ્રોટોકોલ અનુસરવામાં આવ્યા હતા અને તાત્કાલિક વિમાનને રોકી દેવામાં આવ્યું હતું.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. FAAએ જણાવ્યુ કે સ્થાનિક સમય મુજબ બપોરે 2:45 વાગ્યે વિમાને ટેકઓફ કરતી વખતે લેન્ડિંગ ગિયરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. તુરંત વિમાને રોકી દેવામાં આવ્યું અને તમામ મુસાફરોને રનવે પરથી બહાર કાઢી બસ દ્વારા ટર્મિનલ ખાતે પહોંચાડવામાં આવ્યા.
ડેનવર એરપોર્ટના અધિકારીઓએ પણ નિવેદન આપ્યું કે તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી હતી અને આગ પર કાબૂ સાંજે 5:10 વાગ્યા સુધીમાં મેળવી લેવાયો હતો. મુસાફરોના સૂરક્ષિત રીતે બચાવ માટે તંત્રની કામગીરી સરાહનીય રહી હતી.
FAA હવે આ ઘટનાની તમામ દિશાઓમાંથી તપાસ કરશે અને આવનારી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે જરૂરી પગલા લેશે.