ગાંધીનગર: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ વધુ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. પોરબંદરમાંથી ISKPના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેની સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 3 કાશ્મીરી યુવકો ઉબેદ નાસીર મીર, હનાન હયાત શવાલ, મોહમ્મદ હાજીમ શાહ અને સુરતની મહિલા સુમેરબાનુ મોહમ્મદ હનીફ મલેકનો સમાવેશ થાય છે. અન્ય એક શકમંદની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા.
આ માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે 0૯ મી જુન ૨૦૨૩ ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ અટકાયત કરાયેલ વ્યક્તિઓ (૧) ઉબેદ નાસિર મીર, રહે. ૯0 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯0 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર અને (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર ૫૨/ ૫3, નરીબલ, સૌરા, શ્રીનગર છે. આ વ્યક્તિઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.
તેઓની વિગતવાર પુછપરછમાં જાણવા મળ્યું હતું કે અન્ય બે વ્યક્તિઓ ઝુબેર અહેમદ મુનશી (રહે. અમીરા કદલ, શ્રીનગર) અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક (રહેવાસી ૧03, બેગ-એ-ફિઝા એપાર્ટમેન્ટ, સૈયદપુરા સુરત) પણ ISKPના આ જ મોડ્યુલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે.
આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ. અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવી હતી જેમાં ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ‘વોઈસ ઓફ ખોરાસન’ વગેરે મળી આવ્યા હતા.
સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પુછપરછમાં તેણીએ ખુલાસો કર્યો છે કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.
પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આ ત્રણ કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયા’હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયા’હ ની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો મળી આવી છે.
તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે તેઓને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા, જ્યાં તેઓને ધો (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા.
આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન માં ISKP વતી તેના આતંકવાદી ક્રુત્યમાં ભાગ લેવાનો હતો અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વિડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો.
આ મૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે (૧) ઉબેદ નાસિર મીર, રહે. ૯0 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે. ૯0 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર ૫૨/૫3, નરીબલ, સૌરા, શ્રીનગર ૯0 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સોરા, શ્રીનગર (૪) ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ, શ્રીનગર (૫) સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, રહેવાસી ૧03, બેગ-એ-ફિઝા એપાર્ટમેન્ટ, સૈયદપુરા સુરત નાઓ વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહ તમામ રહેવાસી સોરા, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, સૈયદપુરા, સુરતની ધરપકડ કરવામાં આવી છે અને ઝુબેર અહેમદ મુનશી રહેવાસી અમીરા કદલ, શ્રીનગરને શોધવાના પ્રયાસો ચાલુ છે.