World

ઇરાનનો મોટો મિસાઇલ હુમલો! સાઉદીમાં અમેરિકન એરબેઝ નિશાન પર

ઇઝરાયેલમાં ધડાકા અને સાયરનથી દહેશત

મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે અને હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે. રવિવારે વહેલી સવારે ઇઝરાયેલના મધ્ય ભાગમાં જોરદાર ધડાકાઓ અને સાયરનના અવાજોથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બીજી તરફ, ઇરાને સાઉદી અરેબિયામાં આવેલી અમેરિકાની સૈન્ય એરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.

અમેરિકામાં સ્થિત માનવાધિકાર સંસ્થા Human Rights Activists Iran (HRANA) મુજબ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ દરમિયાન ઇરાનમાં થયેલી લડાઈ અને હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 1,858 લોકોના મોત થયા છે. આમાં લગભગ 200 બાળકોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે યુદ્ધની માનવીય કિંમત ઝડપથી વધી રહી છે.આ દરમિયાન અમેરિકાના રક્ષા વિભાગે થોડા દિવસ પહેલા ઇરાક ઉપર આકાશમાં રિફ્યુઅલિંગ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છ અમેરિકન એરમેનની ઓળખ જાહેર કરી છે. આ ઘટનાએ અમેરિકન સૈન્ય માટે મોટો આઘાત ઉભો કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ શનિવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે ઇરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે સોદો કરવા તૈયાર છે, પરંતુ હાલની શરતો તેમને સ્વીકાર્ય નથી. NBC Newsને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, “ઇરાન ડીલ કરવા માગે છે, પરંતુ હાલની શરતો પૂરતી મજબૂત નથી.” તેમણે ઉમેર્યું કે કોઈપણ સંભવિત સોદો “ખૂબ જ મજબૂત અને સ્પષ્ટ શરતો પર” જ થશે.

બીજી તરફ રવિવારે સવારે બેહરેનની રાજધાની મનામામાં પણ જોરદાર વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે. આથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. આ વચ્ચે ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે સાઉદી અરેબિયાની અલ ખાર્જ એરબેઝ પર મિસાઇલ હુમલો કર્યો છે. આ એરબેઝનો ઉપયોગ અમેરિકન સૈન્ય કરે છે અને અહીંથી F-35 અને F-16 લડાકુ વિમાનો ઇરાન પર હુમલા માટે ઉડાન ભરે છે એવો ઇરાનનો આરોપ છે.

મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી આ પરિસ્થિતિને કારણે વિશ્વભરમાં ચિંતા વધી રહી છે. જો તણાવ વધુ વધે તો આ સંઘર્ષ વધુ મોટા આંતરરાષ્ટ્રીય યુદ્ધમાં પણ બદલાઈ શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top